સ્ટારડમમાં ફરક નથી છતાં હીરો-હિરોઇનની ફીમાં ફરક છે: હુમા કુરેશી

18 February, 2024 09:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્ડસ્ટ્રીમાં સ્ત્રી-પુરુષ ઍક્ટર્સને ફી આપવાની બાબતમાં ભેદભાવ કરવામાં આવે છે

હુમા કુરેશી

હુમા કુરેશીનું કહેવું છે કે મહિલા અને પુરુષનું સ્ટારડમ એકસમાન હોવા છતાં મહિલાને ફિલ્મોમાં ઓછી ફી મળે છે. હુમા થ્રિલર ફિલ્મ ‘પૂજા મેરી જાન’માં મૃણાલ ઠાકુર સાથે દેખાવાની છે. મોટા સ્ટારને વધારે ફી મળે છે એ વિશે હુમાએ કહ્યું કે ‘એવી પરંપરા છે કે જેટલો મોટો સ્ટાર હોય એટલી વધારે ફી તેને મળે છે, પછી ભલે તેમનો સ્ક્રીન-ટાઇમ અને રોલ ઓછો હોય. આલિયા ભટ્ટ નાનકડી ભૂમિકા ભજવતી હશે તો પણ તેને વધારે પૈસા આપવામાં આવશે. મને લાગે છે કે ‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં તેને સૌથી વધારે ફી આપવામાં આવી હશે.’

ઇન્ડસ્ટ્રીમાં સ્ત્રી-પુરુષ ઍક્ટર્સને ફી આપવાની બાબતમાં ભેદભાવ કરવામાં આવે છે એ વિશે હુમાએ કહ્યું કે ‘બદનસીબે આપણી ફિલ્મોમાં મહિલાઓને પુરુષોની સરખામણીએ ઓછી ફી મળે છે. પછી ભલે બન્નેનું સ્ટારડમ એકસમાન હોય. પુરુષ ઍક્ટરની આસપાસ સ્ટોરી ફરતી હોવાથી તેમને વધુ પૈસા આપવામાં આવે છે, પણ એ પક્ષપાત ગણાય.’

મહિલા ઍક્ટરને બદલી શકાય એવી ધારણા ઇન્ડસ્ટ્રીમાં છે. એના પર પ્રકાશ પાડતાં હુમાએ કહ્યું કે ‘આ વાસ્તવિકતા છે. જો બે ઍક્ટર્સ મારા પેરન્ટ્સનો રોલ કરતાં હોય, તો મારી મમ્મીનો રોલ કરનાર ફીમેલ ઍક્ટરની સરખામણીએ મારા પિતાનો રોલ કરનાર ઍક્ટરને કદાચ વધારે પૈસા આપવામાં આવતા હશે.’ તેની માનસિકતા એવી છે કે આવું જ ચાલતું આવ્યું છે. મહિલાઓને બદલી શકાય છે. તેઓ એમ વિચારે છે કે ‘કોઈ ન કોઈ હિરોઇન તો મિલ હી જાએગી.’

huma qureshi bollywood buzz bollywood gossips bollywood entertainment news