19 March, 2023 03:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જૉની લિવર
જૉની લીવરનું કહેવું છે કે ‘સર્કસ’ ફિલ્મમાં ક્યાંક તો ભૂલ થઈ છે અને એથી જ લોકોને આ ફિલ્મ નથી ગમી. રોહિત શેટ્ટીની આ ફિલ્મમાં રણવીર સિંહ, વરુણ શર્મા, જૅકલિન ફર્નાન્ડિસ, પૂજા હેગડે, સંજય મિશ્રા, સિદ્ધાર્થ જાધવ, વ્રજેશ હીરજી, જૉની લીવર અને ટીકુ તલસાણિયા લીડ રોલમાં હતાં. જૉની લીવર છેલ્લા ચાર દાયકાથી લોકોને મનોરંજન પૂરું પાડી રહ્યો છે. બૉક્સ-ઑફિસ પર ‘સર્કસ’ ખરાબ રીતે પટકાઈ એ વિશે જૉની લીવરે કહ્યું કે ‘દરેક ડિરેક્ટર્સ ફિલ્મ વિશે સારું જ વિચારતા હોય છે. કોઈ એમ નથી ચાહતું કે તેમને નુકસાન જાય. તેઓ ફિલ્મમાં પૈસાનું અને લાગણીની રીતે ભારે રોકાણ કરે છે. ફિલ્મ બનાવવામાં ખૂબ મહેનત લાગે છે. ‘સર્કસ’માં અમારા કામની પ્રશંસા કરવામાં આવી છે. ફિલ્મમાં ક્યાંક તો ભૂલ થઈ છે કે લોકોને આ ફિલ્મ પસંદ નથી પડી. એમાં કોઈ શું કરી શકે? જોકે એક વાત તો પાક્કી છે કે લોકો કૉમેડી જોવા માટે આતુર હોય છે અને અમારી પાસે પણ એની અપેક્ષા રાખે છે.’