✕

હિન્દી વેબ-સિરીઝની દુનિયામાં યશરાજ ફિલ્મ્સની ટનલ મેનથી પ્રવેશ કરશે તબુ

19 November, 2026 11:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યશરાજ ફિલ્મ્સે ૨૦૨૩માં નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ડૉક્યુસિરીઝ ‘ધ રોમૅન્ટિક્સ’ સાથે OTT ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો. ત્યાર બાદ એમની કાલ્પનિક વાર્તાઓ પર આધારિત ‘ધ રેલવે મૅન’, ‘મંડલા મર્ડર્સ’ અને ‘અક્કા’ જેવી સિરીઝ પણ આ OTT પ્લૅટફૉર્મ પર સ્ટ્રીમ થઈ હતી.

તબુ

તબુની ગણતરી બૉલીવુડની પ્રતિભાશાળી હિરોઇન તરીકે થાય છે. OTT પ્લૅટફૉર્મ પર અત્યાર સુધી દર્શકોએ તેને ફિલ્મ ‘ખુફિયા’ અને આંતરરાષ્ટ્રીય ટીવી-સિરીઝ ‘અ સૂટેબલ બૉય’માં જોઈ છે. ‘અ સૂટેબલ બૉય’ ભારતમાં નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ હતી. હવે તબુ હિન્દી વેબ- સિરીઝમાં ડેબ્યુ કરવા માટે તૈયાર છે. 

રિપોર્ટ પ્રમાણે તબુ હવે યશરાજ ફિલ્મ્સની વેબ-સિરીઝ ‘ટનલ મેન’માં જોવા મળશે. આ સિરીઝ નેટફ્લિક્સ પર પ્રીમિયર થશે. ૨૦૨૩માં ઉત્તરાખંડમાં બનેલી ટનલ દુર્ઘટના અને બચાવ-અભિયાનથી પ્રેરિત આ સિરીઝમાં તબુ ઉપરાંત આર. માધવન, સંદીપ કિશન, મહેશ માંજરેકર, અભિષેક બૅનરજી અને મિતા વશિષ્ઠ પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.

યશરાજ ફિલ્મ્સે ૨૦૨૩માં નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ડૉક્યુસિરીઝ ‘ધ રોમૅન્ટિક્સ’ સાથે OTT ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો. ત્યાર બાદ એમની કાલ્પનિક વાર્તાઓ પર આધારિત ‘ધ રેલવે મૅન’, ‘મંડલા મર્ડર્સ’ અને ‘અક્કા’ જેવી સિરીઝ પણ આ OTT પ્લૅટફૉર્મ પર સ્ટ્રીમ થઈ હતી. ‘ટનલ મેન’ યશરાજ ફિલ્મ્સની પાંચમી સિરીઝ હશે જે નેટફ્લિક્સ પર પ્રીમિયર થશે.

આ વિષય પર આમિર ખાન પણ બનાવી રહ્યો છે ફિલ્મ

સિલક્યારા રેસ્ક્યુ-ઑપરેશન પર અગાઉ આમિર ખાન પ્રોડક્શન્સે ‘સિલક્યારા 41’ નામની ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી. આ ફિલ્મનું દિગ્દર્શન કબીર ખાન કરશે. ફિલ્મનું નિર્માણ આમિર ખાન પ્રોડક્શન્સ, ઑસ્ટ્રેલિયાની માઇન્ડબ્લોઇંગ ફિલ્મ્સ અને કબીર ખાન ફિલ્મ્સ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવશે.

શું હતું આ રેસ્ક્યુ-ઑપરેશન?

૨૦૨૩ની ૧૨ નવેમ્બરે આખા દેશમાં દિવાળીની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી હતી પણ એ જ દિવસે સવારે લગભગ સાડાપાંચ વાગ્યે ઉત્તરકાશીમાં બની રહેલી સિલક્યારા-બડકોટ ટનલનો એક ભાગ અચાનક ધરાશાયી થયો હતો. ચારધામ ઑલ વેધર રોડ પરિયોજના હેઠળ બની રહેલી આ સુરંગના સિલક્યારા છેડાથી લગભગ ૨૦૦ મીટર અંદર કાટમાળ ભરાઈ ગયો હતો જેના કારણે સુરંગની બીજી તરફ કામ કરી રહેલા ૪૧ મજૂરો અંદર ફસાઈ ગયા હતા. તેમને સુરક્ષિત બહાર કાઢવા માટે ૧૭ દિવસ સુધી પડકારજનક રેસ્ક્યુ-ઑપરેશન ચલાવવામાં આવ્યું હતું. દેશ-વિદેશની એજન્સીઓ અને નિષ્ણાતોની મદદથી ધીરજ, ટીમવર્ક અને હિંમતના સહારે તમામ ૪૧ મજૂરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.

tabu r madhavan netflix web series entertainment news yash raj films