15 June, 2024 09:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુનીલ ગ્રોવર
સુનીલ ગ્રોવરે તેની કૉમેડીથી લોકોને ખૂબ હસાવ્યા છે. તેની સફળતાની પાછળ સંઘર્ષ પણ ઘણો છે. તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘બ્લૅક આઉટ’માં અને વેબ-સિરીઝ ‘તાંડવ’માં તેણે નેગેટિવ રોલ કર્યો હતો. એથી કૉમેડી હોય કે નેગેટિવ રોલ હોય, તે દર્શકોને મનોરંજન પૂરું પાડે છે. તેનું એવું કહેવું છે કે કલાકારને તેની કાબેલિયત સાબિત કરવાની તક ત્યારે જ મળે છે જ્યારે તેને અલગ રોલ કરવા મળે. સાથે જ તે માને છે કે તે તમામ પ્રકારના રોલ કરી શકે છે. એ વિશે સુનીલ કહે છે, ‘ખરું કહું તો કૉમેડી કરીને હું ખુશ છું. હસાવવું સૌથી અઘરું કામ છે. કૉમેડીથી અલગ રોલ કરવા મળે તો મને એક બ્રેક જેવું લાગે છે.’
લાઇફમાં ઉઠાવેલી તકલીફ વિશે સુનીલ કહે છે, ‘હું નાનકડા શહેરથી આવું છું જ્યાં વીજળી મોટા ભાગે રાતે જાય છે. ગરમીમાં રાતે બે-ત્રણ વાગ્યે વીજળી આવતી અને પંખો ફરતો તો લાગતું કે દુનિયામાં સૌથી વધુ ખુશી આ જ છે. મારે સવારે છ વાગ્યે ઊઠવાનું રહેતું. રાતે બહાર નીકળવું પડતું તો ટૉર્ચ લઈને જવું પડતું. મારા જીવનમાં મેં અજવાળું ઓછું અને અંધારું વધુ જોયું હતું. એથી કપરી સ્થિતિમાં હું પરેશાન નથી થતો.’