30 April, 2022 12:56 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘નો એન્ટ્રી’ની સીક્વલનું ટૂંક સમયમાં શૂટિંગ શરૂ થશે
સલમાન ખાન હવે ટૂંક સમયમાં ‘નો એન્ટ્રી’ની સીક્વલનું શૂટિંગ શરૂ કરવાનો છે એવી માહિતી ફિલ્મમેકર અનીસ બઝ્મીએ આપી છે. ૨૦૦૫માં આવેલી ‘નો એન્ટ્રી’એ લોકોને ખૂબ હસાવ્યા હતા. એ ફિલ્મમાં સલમાન ખાન, અનિલ કપૂર, ફરદીન ખાન, બિપાશા બાસુ, લારા દત્તા, ઈશા દેઓલ અને સેલિના જેટલી લીડ રોલમાં હતાં. આ ફિલ્મની સીક્વલની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી. આખરે હવે ડિરેક્ટરે ફિલ્મની સીક્વલ પર મહોર લગાવી દીધી છે. એ વિશે અનીસ બઝ્મીએ કહ્યું કે ‘અમે વહેલાસર ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાના છીએ. મેં ચારથી પાંચ વખત સલમાનભાઈ સાથે મુલાકાત કરી હતી અને તેમને જણાવી દીધું છે કે ફિલ્મ જલદી શરૂ કરવાની છે. તે પણ આ ફિલ્મ માટે ગંભીર છે. સલમાનભાઈની સાથે જ ફરદીન અને અનિલ કપૂર પણ આ ફિલ્મમાં રહેવાના છે.’