17 May, 2023 03:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાહરુખ ખાન તેની પત્ની ગૌરી ખાનની બુક ‘માય લાઇફ ઇન ડિઝાઇન’ને લૉન્ચ કરવા માટે બાંદરાના તાજ લૅન્ડ્સ એન્ડ હોટેલમાં જોવા મળ્યો હતો. તસવીર સતેજ શિંદે
શાહરુખ ખાનનું કહેવું છે કે અમારી ફૅમિલીમાં ઉંમર વધવાની જગ્યાએ ઓછી થાય છે. શાહરુખે હાલમાં જ એક ઇવેન્ટમાં તેની પત્ની ગૌરી ખાને ક્યારે કરીઅરની શરૂઆત કરી હતી એ ઉંમર ખોટી બોલી હતી. ગૌરીએ હાલમાં જ તેની કૉફી ટેબલ બુક ‘માય લાઇફ ઇન ડિઝાઇન’ને લૉન્ચ કરી હતી. આ વિશે વાત કરતાં શાહરુખે કહ્યું કે ‘હું યુવાનોને કહેવા માગું છું કે જો તેઓ લાઇફમાં પોતાનાં સપનાંઓ પૂરાં કરવાનું ચૂકી જાય તો પણ તેમણે દુખી થવાની જરૂર નથી. તમે કોઈ પણ ઉંમરે નવી શરૂઆત કરી શકો છો. મને લાગે છે કે ગૌરીએ તેની ૩૫ વર્ષની આસપાસ કરીઅરની શરૂઆત કરી હતી.’
ત્યાર બાદ શાહરુખે ગૌરી તરફ જોયું હતું અને તેણે કહ્યું કે તેણે ૪૦ વર્ષની ઉંમરે કરીઅરની શરૂઆત કરી હતી. આ વિશે શાહરુખે કહ્યું કે ‘૪૦? ફક્ત ૪૦. તે હવે ૩૭ વર્ષની છે. અમારી ફૅમિલીમાં ઉંમર વધતી નથી, ઓછી થાય છે. તેણે ૪૦ની ઉંમરે કામ શરૂ કર્યું હતું અને એ સમયે મેં તેને કહ્યું હતું કે હું મદદ કરી શકું? મારા કેટલાક ફ્રેન્ડ્સ છે જેને હું કહી શકું. જોકે તેણે ના પાડી દીધી હતી. તેણે લોઅર પરેલમાં ૧૦ x ૨૦ ફુટની ઑફિસથી કરીઅરની શરૂઆત કરી હતી. તેણે પોતાના દમ પર કામ શરૂ કર્યું હતું અને તે આજે પણ કરી રહી છે.’