20 September, 2024 05:30 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રૂકસાના બાનો
મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ઈન્ડસ્ટ્રીની જાણીતી સંબલપુરી ગાયિકા (Ruksana Bano Death) રૂકસાના બાનોનું અવસાન થયું છે. તે છેલ્લા 15 દિવસથી એઈમ્સ ભુવનેશ્વરમાં પોતાના જીવનની લડાઈ લડી રહી હતી. તમામ પ્રયાસો છતાં તેને બચાવી શકાઈ ન હતી અને બુધવાર 18 સપ્ટેમ્બરના રોજ ગાયિકાએ અંતિમ શ્વાસ લીધા હતા. રૂકસાનાના નિધનથી તેના ચાહકો અને સમુદાયના લોકોમાં શોખ ફેલાયો છે. જોકે સિંગરના મોત બાદ તેના પરિવારે આ અંગે એક ચોંકાવનારો દાવો કર્યો છે.
આ સમગ્ર મામલે સિંગર રૂકસના બાનોના (Ruksana Bano Death) પરિવારનો જુદો જ દાવો છે. તેમના કહેવા પ્રમાણે, રુકસાનાને અન્ય એક સાંબલપુરી ગાયિકા દ્વારા ધીમે ધીમે ઝેર આપીને મોતને ઘાટ ઉતારવામાં આવી હતી. જોકે, આ દાવાઓની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. પ્રારંભિક અહેવાલમાં જાણવા મળ્યું છે કે રૂકસાના 15 દિવસ પહેલા એક ગીતના શૂટિંગ દરમિયાન અચાનકથી બીમાર પડી ગઈ હતી. 27 ઓગસ્ટના રોજ, તેમને ભવાનીપટનાની એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, તે બાદ તેને બોલાંગીર ભીમા ભોઈ મેડિકલ કૉલેજ અને પછી બારગઢની એક ખાનગી હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સિંગરની તબિયતમાં સુધારો ન થવાને કારણે રૂકસાનાને ભુવનેશ્વરની એમ્સ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ ત્યાં તેમનો જીવ બચી શક્યો ન હતો.
જ્યારે રૂકસાનાને બારગઢની ખાનગી હૉસ્પિટલમાં દાખલ (Ruksana Bano Death) કરવામાં આવી ત્યારે સંતોષ ટેટે નામના ડૉક્ટરે જણાવ્યું કે રૂકસાના સ્ક્રબ ટાઈફસથી પીડિત છે. તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તે પ્યુમોનિયા, લીવર ઈન્ફેક્શન અને હૃદયની સમસ્યાથી પીડિત હોવાનું પણ જાણવા મળ્યું હતું. તે વેન્ટિલેટર સિસ્ટમ પર હતી. આ કેસને લઈને AIIMSના અધિકારીઓ દ્વારા કોઈ સત્તાવાર માહિતી શૅર કરવામાં આવી નથી. રૂકસાના માત્ર 27 વર્ષની હતી અને હજી પણ તેના મૃત્યુનું કારણ બહાર આવ્યું નથી.
રૂકસાનાના નિધનથી તેના પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. તેની માતા અને બહેનનો આરોપ છે કે પશ્ચિમી ઓડિશાના પ્રતિસ્પર્ધી ગાયકે રૂકસાનાને ઝેર આપ્યું હતું. તેમનો દાવો છે કે રૂકસાનાને અગાઉ પણ ધમકીઓ મળી હતી. મીડિયા સાથે વાત કરતા રુક્સાનાની બહેન રૂબી (Ruksana Bano Death) બાનોએ દાવો કર્યો હતો કે શૂટ દરમિયાન તેની બહેનને થોડો જ્યૂસ આપવામાં આવ્યો હતો, જે પીધા બાદ તે બીમાર પડી ગઈ હતી. રુકસાનાની માતાએ એક વીડિયો મેસેજ જાહેર કરીને તેની દીકરીને ન્યાય આપવા સરકાર સમક્ષ વિનંતી કરી હતી. આ મામલે પોલીસ દ્વારા કોઈપણ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી તેમ છતાં આ મૃત્યુ પાછળનું ખરું કારણ શોધવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.