15 January, 2025 01:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાશા પાંચ વર્ષની હતી ત્યારે સલમાન સાથે, રાશા તાજેતરમાં ‘બિગ બૉસ’માં સલમાન સાથે
રવીના ટંડનની દીકરી રાશા થડાણી ‘આઝાદ’થી બૉલીવુડમાં એન્ટ્રી લેવા તૈયાર છે. આ ફિલ્મમાં તેની સાથે અજય દેવગનનો ભત્રીજો અમન દેવગન કામ કરે છે. ડિરેક્ટર અભિષેક કપૂરની આ ફિલ્મ રિલીઝ માટે તૈયાર છે ત્યારે આખી ટીમ પુરજોશમાં ફિલ્મના પ્રમોશન માટે વ્યસ્ત છે.
હાલમાં ‘આઝાદ’ની ટીમ ફિલ્મના પ્રમોશન ‘બિગ બૉસ’ના સેટ પર ગઈ હતી અને તેમણે સલમાન ખાન સાથે મુલાકાત કરી હતી. એ સમયે રાશાએ સલમાન સાથે વાત કરતી વખતે ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.
હાલમાં રાશાએ પોતાના ઇન્સ્ટાગ્રામ હૅન્ડલ પર ‘બિગ બોસ’ના સેટ પર સલમાન સાથેની મુલાકાતના ફોટો શૅર કર્યા હતા. રાશાની આ મુલાકાત વખતે તેની સાથે મમ્મી રવીના ટંડન, ડિરેક્ટર અભિષેક કપૂર અને અમન દેવગન પણ હાજર હતાં.
રાશાએ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરેલી પોસ્ટની કૅપ્શન હતી, ‘ફુલ સર્કલ’. આ પોસ્ટમાં તેના અને સલમાનના એ સમયના ફોટો છે જેમાં રાશા સાવ નાની હતી. રાશા એ વખતે માત્ર પાંચ વર્ષની હતી. આજે તે ૧૯ વર્ષની છે અને સલમાન ૫૯ વર્ષનો છે. ‘આઝાદ’ રાશા અને અમનની પ્રથમ ફિલ્મ છે. આ એક પિરિયડ ફિલ્મ છે. ૧૭ જાન્યુઆરીએ રિલીઝ થનારી આ ફિલ્મ રૉની સ્ક્રૂવાલા અને પ્રજ્ઞા કપૂરે પ્રોડ્યુસ કરી છે.