04 December, 2025 10:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જયા બચ્ચન
જયા બચ્ચન અને ફોટોગ્રાફર્સ વચ્ચેના સંબંધ હંમેશાં વિવાદાસ્પદ રહ્યા છે. જોકે જયાએ હાલમાં ફોટોગ્રાફર્સ માટે કરેલાં અપમાનજનક નિવેદનોનો પડઘો આકરો પડ્યો છે. જયાના આ વર્તનને કારણે બધા ફોટોગ્રાફર્સ બહુ અપસેટ છે અને ઘણા ફોટોગ્રાફર્સે તો બચ્ચન-પરિવારનો બહિષ્કાર કરવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરી છે. જયા બચ્ચને જાહેરમાં ફોટોગ્રાફર્સને ગંદાં કપડાં પહેરનાર તથા મોબાઇલ લઈને પ્રાઇવસી પર હુમલો કરતા ઉંદરડા ગણાવ્યા હતા. હવે જયાના આ નિવેદન સામે ફોટોગ્રાફર્સે નારાજગી વ્યક્ત કરી છે.
જયાના આ નિવેદન સામે નારાજગી વ્યક્ત કરીને જાણીતા ફોટોગ્રાફરે જણાવ્યું હતું કે ‘તેમણે જે કહ્યું એ દુર્ભાગ્યપૂર્ણ છે. તેમના દોહિત્ર અગસ્ત્યની ફિલ્મ ‘ઇક્કીસ’ રિલીઝ થવાની છે. જો ફોટોગ્રાફર્સ પ્રમોશન કવર કરવા ન આવે તો શું થશે? અમિતાભ દર રવિવારે પોતાના ઘરની બહાર ચાહકોને મળવા આવે છે, મોટાં મીડિયા-હાઉસ કવર જ કરતાં નથી અને અમે જ એને કવર કરીએ છીએ. કોઈનું તેના લુક અથવા કપડાંના આધારે મૂલ્યાંકન કરવું યોગ્ય નથી. જયા બચ્ચન બધા ફોટોગ્રાફર્સને એક જ ચોકઠામાં મૂકે છે એ યોગ્ય ન કહેવાય. હું તો માનું છું કે આટલી સમસ્યા હોય તો ફોટોગ્રાફર્સે તેમના પરિવારનો બહિષ્કાર કરવો જોઈએ. અમારી ગરીબીને લઈને તેમણે આવી વાત કરી. અમે ક્યારેય કોઈ સેલિબ્રિટીનું અપમાન નથી કર્યું. તેઓ જ લોકો સાથે અપમાનજનક વાત કરે છે. જાહેર જનતાને સત્ય દેખાય છે. અમે ખોટા નથી, અમે પણ સમાજનો જ એક હિસ્સો છીએ.’