‘પઠાન’નો ગુસ્સો ‘ડંકી’ પર

20 December, 2022 03:52 PM IST  |  Jabalpur | Gujarati Mid-day Correspondent

જબલપુરમાં લોકોએ રાજકુમાર હીરાણીની ફિલ્મનું શૂટિંગ અટકાવ્યું

શાહરુખ ખાનની ફિલ્મ પઠાન

‘પઠાન’ને લઈને લોકોનો ગુસ્સો શાંત નથી પડી રહ્યો. લોકોએ પોતાનો રોષ ‘ડંકી’ પર ઉતારતાં જબલપુરમાં આ ફિલ્મનું શૂટિંગ અટકાવ્યું છે. રાજકુમાર હીરાણીની ‘ડંકી’માં શાહરુખ ખાન અને તાપસી પન્નુ લીડ રોલમાં છે. જબલપુરમાં શૂટિંગ દરમ્યાન એ લોકો હાજર નહોતાં. આ ફિલ્મ આવતા વર્ષે બાવીસ ડિસેમ્બરે રિલીઝ થવાની છે. ‘પઠાન’ના ‘બેશરમ રંગ’ ગીતને લઈને લોકોનો આક્રોશ ફૂટી નીકળ્યો છે. આ ગીતમાં દીપિકા પાદુકોણ અને શાહરુખ દેખાય છે. ગીતમાં દીપિકાએ કેસરી બિકિની પહેરી છે એને લઈને દેશમાં વિરોધનો વંટોળ ફુંકાયો છે. ફિલ્મની રિલીઝને અટકાવવાની માગણી અનેક હિન્દુ સંગઠનોએ કરી છે. તાજેતરમાં જ ‘પઠાન’નો ગુસ્સો ‘ડંકી’ પર ઉતારતાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સદસ્યોએ જબલપુરમાં વિરોધ-પ્રદર્શન કર્યું હતું. તેમણે સૂત્રોચ્ચાર કર્યા હતા અને સલામતી માટે પોલીસે મૂકેલાં બૅરિકૅડ્સ પણ તેમણે હટાવવાનો પ્રયાસ કર્યો હતો. સિટી સુપરિન્ટેન્ડન્ટ પ્રિયંકા શુક્લાએ કહ્યું કે ‘અમે તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જબલપુર કલેક્ટરની મંજૂરી બાદ જ શૂટિંગ કરવામાં આવ્યું હતું. 

શુક્રવારે જ ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું હતું. દેખાવકર્તાઓએ શૂટિંગ અટકાવવા માટે તહસીલદારને મેમોરન્ડમ પણ સોંપ્યું છે.’ મુંબઈના સાકીનાકા પોલીસ સ્ટેશનમાં શાહરુખ ખાનની “પઠાન” વિરુદ્ધ એફઆઈઆર ફાઈલ કરવા માટે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જે લીડ કાસ્ટ, પ્રોડ્યુસર અને ડિરેક્ટર વિરુદ્ધ કરવામાં આવી છે.

entertainment news bollywood news bollywood gossips bollywood Shah Rukh Khan pathaan rajkumar hirani jabalpur