17 April, 2020 04:26 PM IST | Mumbai | Gujarati Mid-Day Correspondent
ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર હૉલીવુડ ફિલ્મોનો ધમાકો થઈ રહ્યો છે. ‘ઇટ ચૅપ્ટર 2’, ‘ગૉડ્ઝિલા: ધ કિંગ ઑફ મૉન્સ્ટર્સ’ રિલીઝ કર્યા બાદ આ પ્લૅટફૉર્મ હવે અવૉર્ડ વિનિંગ ફિલ્મ ‘જોકર’ રિલીઝ કરવા જઈ રહ્યું છે. અનેક અવૉર્ડ્સ જીત્યા બાદ ‘જોકર’ બહુચર્ચિત ફિલ્મ બની હતી અને દર્શકો આ ફિલ્મ ક્યારે ડિજિટલ પ્લૅટફૉર્મ પર રિલીઝ થાય એની રાહ જોઈને બેઠા હતા. આખરે ઍમેઝૉન પ્રાઇમ વિડિયોએ તેમની ઇંતેજારીનો અંત આણ્યો છે અને ‘જોકર’ને ૨૦ એપ્રિલે રિલીઝ કરવાનું નક્કી કર્યું છે.
ઉલ્લેખનીય છે કે ફિલ્મના લીડ ઍક્ટર વૉકિન ફિનિક્સને આ ફિલ્મ માટે બેસ્ટ ઍક્ટરનો ઑસ્કર અવૉર્ડ મળ્યો છે અને તેના અભિનયની પ્રશંસા ચારેકોર થઈ રહી છે. ‘જોકર’ પહેલાં ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર વૉર્નર બ્રધર્સના ડીસી કૉમિક્સ વર્લ્ડમાંથી ૬ ફિલ્મો રિલીઝ થઈ ચૂકી છે જેમાં શાઝામ, ઍક્વામૅન, વન્ડર વુમન, સુસાઇડ સ્ક્વૉડ, બૅટમૅન વર્સસ સુપરમૅન, ડૉન ઑફ જસ્ટિસ અને મૅન ઑફ સ્ટીલનો સમાવેશ છે.