ધર્મેન્દ્રની નેવુંમી જન્મજયંતીએ ફૅન્સ માટે ખોલવામાં આવશે તેમના ખંડાલાના ફાર્મહાઉસના દરવાજા

05 December, 2025 09:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રિપોર્ટ પ્રમાણે સની અને બૉબીએ પોતાના પિતાની યાદ અને તેમના વારસાને સન્માન આપવા ફાર્મહાઉસ જવાનું નક્કી કર્યું

ધર્મેન્દ્ર

૨૪ નવેમ્બરે ૮૯ વર્ષની વયે ધર્મેન્દ્રનું નિધન થયું હતું. ૨૫ નવેમ્બરે પરિવારજનોએ ખૂબ જ ખાનગી રીતે, ઉતાવળમાં તેમના અંતિમ સંસ્કાર કર્યા હોવાથી તેમના અનેક ફૅન્સનાં દિલ તોડી નાખ્યાં હતાં. તેમના આ પ્રકારના અભિગમથી ફૅન્સ સોશ્યલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરી રહ્યા હતા. હવે ધર્મેન્દ્રના દીકરાઓ સની દેઓલ અને બૉબી દેઓલે ફૅન્સની ફરિયાદ દૂર કરવાનો નિર્ણય કર્યો છે. હવે આઠમી ડિસેમ્બરે ધર્મેન્દ્રની નેવુંમી જન્મજયંતીના અવસર પર સમગ્ર દેઓલ પરિવાર ખંડાલાસ્થિત તેમના ફાર્મહાઉસ પર ભેગો થશે અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. ખાસ વાત તો એ  છે કે આ ફંક્શન વખતે ફાર્મહાઉસના ગેટ ફૅન્સ માટે પણ ખોલવામાં આવશે.

રિપોર્ટ પ્રમાણે સની અને બૉબીએ પોતાના પિતાની યાદ અને તેમના વારસાને સન્માન આપવા ફાર્મહાઉસ જવાનું નક્કી કર્યું. પારિવારિક ચર્ચા દરમ્યાન તેમને સમજાયું કે ઘણા ફૅન્સ ધર્મેન્દ્રને છેલ્લી વાર જોવા અથવા તેમને શ્રદ્ધાંજલિ આપવા ઇચ્છતા હતા. આ કારણે તેમણે ફૅન્સને ફાર્મહાઉસ પર આવવાની મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે. દેઓલ પરિવાર પણ ત્યાં ફૅન્સને મળશે. મળતી માહિતી પ્રમાણે દેઓલ પરિવાર કોઈ ખાસ ફૅનઇવેન્ટ યોજી રહ્યો નથી, પરંતુ તેમણે ફક્ત એવા ફૅન્સ માટે દરવાજા ખોલ્યા છે જે ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ આપવા માગે છે. હાલમાં કેટલા લોકો અહીં આવવાના છે એની સંખ્યા નિશ્ચિત નથી, પરંતુ જરૂર પડશે તો ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા પર પણ વિચારણા થઈ શકે છે.

bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news dharmendra