18 August, 2024 08:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નીના ગુપ્તા
નીના ગુપ્તાને ‘ઊંચાઈ’ માટે બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટ્રેસનો નૅશનલ અવૉર્ડ જાહેર થયો છે. આ અવૉર્ડ માટે જ્યારે પોતાના નામની જાહેરાત થઈ ત્યારે નીના ગુપ્તાને પહેલાં તો વિશ્વાસ જ નહોતો બેસતો. એ વિશે નીના કહે છે, ‘મને જ્યારે આ ન્યુઝ મળ્યા ત્યારે મને ખુશીની સાથે આશ્ચર્ય પણ થયું હતું. એથી ખાતરી માટે મેં મારા મૅનેજરને ડબલ-ચેક કરવા કહ્યું હતું. એ પછી હું અતિશય ખુશ અને ઇમોશનલ થઈ ગઈ હતી. હું ખૂબ ઉત્સુક છું. અન્ય વિનર્સની સાથે મારું નામ વાંચવાનું સારું લાગ્યું. આ સન્માન દેખાડે છે કે મારી સખત મહેનતની નોંધ લેવામાં આવી છે. મને એવું લાગે છે કે તમારે માત્ર કામ કરતા રહેવું જોઈએ. ક્યારેક ને ક્યારેક એનું ફળ મળે જ છે, આજે નહીં તો કાલે મળશે. ૯૦ના દાયકામાં મને ડૉક્યુમેન્ટરીઝ માટે બે નૅશનલ અવૉર્ડ મળ્યા હતા. હવે ૩૦ વર્ષ બાદ ફરીથી મને અવૉર્ડ મળ્યો છે જે મારા માટે ખૂબ મોટી બાબત છે. હું આ અવૉર્ડ કોઈને નહીં, પરંતુ મારી જાતને સમર્પિત કરવા માગું છું, કારણ કે મહેનત તો મેં કરી હતી. મારી સખત મહેનતનું જ આ પરિણામ છે. આ મારી જર્નીને રિફ્લેક્ટ કરે છે કે હું કેટલી આગળ પહોંચી ગઈ છું. ક્યારેક ને ક્યારેક પરિણામ મળે છે, આ અવૉર્ડ એનું જ પ્રમાણ છે.’