‘નાટુ નાટુ’ હવે અમારું નહીં, પરંતુ દેશનું ગીત છે : રામચરણ

18 March, 2023 01:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ગીતે ઑસ્કરમાં ઐતિહાસિક જીત મેળવીને દેશને ગર્વ પમાડ્યું છે. એસ. એસ. રાજામૌલીની આ ફિલ્મ દેશ અને દુનિયામાં લોકોને ખૂબ પસંદ પડી છે

રામચરણ

રામચરણે જણાવ્યું છે કે ‘RRR’નું ‘નાટુ નાટુ’ ગીત હવે તેમનું નહીં, પરંતુ દેશનું ગીત બની ગયું છે. આ ગીતે ઑસ્કરમાં ઐતિહાસિક જીત મેળવીને દેશને ગર્વ પમાડ્યું છે. એસ. એસ. રાજામૌલીની આ ફિલ્મ દેશ અને દુનિયામાં લોકોને ખૂબ પસંદ પડી છે. ઑસ્કર અગાઉ પણ અનેક ઇન્ટરનૅશનલ અવૉર્ડ્સ આ ફિલ્મને મળ્યા છે. બેસ્ટ ઓરિજિનલ સૉન્ગ કૅટેગરીનો અવૉર્ડ ‘નાટુ નાટુ’ને મળ્યો છે. ઑસ્કર અવૉર્ડની સેરેમનીમાં રામચરણ તેની વાઇફ ઉપાસના, એસ. એસ. રાજામૌલી, જુનિયર એનટીઆર, મ્યુઝિક ડિરેક્ટર એમ. એમ. કીરાવાણી અને સિંગર કાલભૈરવ પહોંચ્યા હતા. સૌકોઈ હવે ભારત પાછા ફર્યા છે. તેમની ખુશીની હવે કોઈ સીમા નથી રહી. ઍરપોર્ટ પર તેમના સ્વાગત માટે માનવ મહેરામણ ઊમટ્યો હતો. ઍરપોર્ટ બહાર ઊભેલા મીડિયાના સવાલોના જવાબ પણ રામચરણે આપ્યા હતા. ગીત વિશે રામચરણે કહ્યું કે ‘આ હવે અમારું ગીત નથી. ‘નાટુ નાટુ’ હવે દેશનું ગીત છે. તમારા સૌના પ્રેમે એને ઑસ્કર સુધી પહોંચાડ્યો અને એને જીત પણ અપાવી છે.’

entertainment news bollywood news RRR ram charan