મનોજકુમારે શહીદ ફિલ્મના નૅશનલ અવૉર્ડની રકમ ભગત સિંહના પરિવારને સોંપી દીધી હતી

06 April, 2025 07:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૯૬૬માં મનોજકુમારે ફરી રાજ ખોસલાની ફિલ્મ ‘દો બદન’માં કામ કર્યું જેમાં હિરોઇન આશા પારેખ હતાં

શહીદ, રોટી, કપડા ઔર મકાન

મનોજકુમારને ફિલ્મ ‘શહીદ’ની સ્ક્રિપ્ટ લખવા માટે બેસ્ટ સ્ક્રિપ્ટરાઇટર તરીકેનો નૅશનલ અવૉર્ડ મળ્યો હતો અને આ અવૉર્ડરૂપે મળેલી તમામ રકમ તેમણે ભગત સિંહના પરિવારને દાનમાં આપી દીધી હતી. એ સમયે મનોજકુમારે કહ્યું હતું કે અવૉર્ડ ક્રીએટિવ માણસને સંતોષની લાગણી અપાવે છે, સરકારે મારા કામની સરાહના કરી છે એનાથી મને સંતોષ છે.

મનોજકુમાર શહીદ ભગત સિંહના જબરદસ્ત ફૅન હતા. એક જૂના ઇટરવ્યુમાં પણ મનોજકુમારે કહ્યું હતું કે બાળપણમાં હું ભગત સિંહને મારો હીરો માનતો હતો. મને તેમના વિશે જાણવાની ખૂબ ઇચ્છા હોવાથી હું કલાકો સુધી લાઇબ્રેરીમાં રિસર્ચ કરતો હતો.

૧૯૬૬માં આશા પારેખ સાથે દો બદન

૧૯૬૬માં મનોજકુમારે ફરી રાજ ખોસલાની ફિલ્મ ‘દો બદન’માં કામ કર્યું જેમાં હિરોઇન આશા પારેખ હતાં. આ ફિલ્મે પણ બૉક્સ-ઑફિસ પર ટંકશાળ પાડી હતી. એ જ વર્ષે તેમણે શર્મિલા ટાગોર સાથે ‘સાવન કી ઘટા’ ફિલ્મ કરી હતી જેને પણ સફળતા મળી હતી.

પત્થર કે સનમ હિટ, અનીતા ફ્લૉપ

‘ઉપકાર’ બાદ મનોજકુમારને વહીદા રહમાન અને મુમતાઝ સાથે ચમકાવતી ‘પત્થર કે સનમ’ આવી જે હિટ રહી હતી, પણ ત્યાર બાદ આવેલી સાધના સાથેની ‘અનીતા’ ફ્લૉપ ગઈ હતી.

નીલ કમલ અને આદમી

૧૯૬૮માં રાજકુમાર અને વહીદા રહમાન સાથેની મનોજકુમારની ફિલ્મ ‘નીલ કમલ’ આવી હતી, બીજી તરફ એ જ વર્ષે દિલીપકુમાર સાથેની ‘આદમી’ આવી હતી અને બેઉ ફિલ્મો બ્લૉકબસ્ટર સાબિત થઈ હતી.

૧૯૬૯માં સાજન સુપરહિટ

૧૯૬૯માં બૉલીવુડને એનો પહેલો સુપરસ્ટાર મળ્યો હતો અને એ વર્ષે રાજેશ ખન્નાની ફિલ્મોએ બૉક્સ-ઑફિસ પર ટંકશાળ પાડી હતી. ‘આરાધના’ અને ‘દો રાસ્તે’ એમ એક પછી એક સુપરહિટ ફિલ્મોની સામે મનોજકુમારની એક જ ફિલ્મ ‘સાજન’ આવી હતી જે આશા પારેખ સાથે હતી અને એ સુપરહિટ થઈ હતી.

પૂરબ ઔર પશ્ચિમ ફિલ્મે દેશ-વિદેશમાં રચ્યો હતો ઇતિહાસ

૧૯૭૦ના દાયકાની શરૂઆતમાં જ દેશભક્તિની થીમ સાથે મનોજકુમારે ફિલ્મો બનાવવાની શરૂઆત કરી અને એમાં ‘પૂરબ ઔર પશ્ચિમ’ દેશમાં અને વિદેશમાં બ્લૉકબસ્ટર સાબિત થઈ હતી. ૧૯૭૧માં આ ફિલ્મ યુનાઇટેડ કિંગડમના લંડનમાં રિલીઝ થઈ હતી અને સતત ૫૦ અઠવાડિયાં ચાલી હતી. એણે એ સમયે ૨,૮૫,૦૦૦ પાઉન્ડ એટલે કે ૨૫ લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. એક વર્ષ પહેલાં રિલીઝ થયેલી રાજેશ ખન્નાની ‘દો રાસ્તે’નો પણ રેકૉર્ડ એ ફિલ્મે તોડ્યો હતો.

‘પૂરબ ઔર પશ્ચિમે’ ૫૦ અઠવાડિયાં સુધી ચાલવાનો રેકૉર્ડ બનાવ્યો એ છેક ૧૯૯૪માં ‘હમ આપકે હૈં કોન?’ ફિલ્મે તોડ્યો હતો. આમ ૨૩ વર્ષ સુધી આ રેકૉર્ડ કોઈ તોડી શક્યું નહોતું.

૧૯૭૦માં મનોજકુમારની ‘યાદગાર’, ‘પેહચાન’ અને ‘મેરા નામ જોકર’ આવી હતી. ‘યાદગાર’ ફ્લૉપ રહી હતી, પણ બબીતા સાથેની ‘પેહચાન’ સફળ રહી હતી. રાજ કપૂરની ‘મેરા નામ જોકર’ તો રિલીઝ વખતે બૉક્સ-ઑફિસ પર ફ્લૉપ રહી હતી, પણ પછી એ ફિલ્મ લોકોમાં પ્રિય બની હતી. એ સિવાય ૧૯૭૧માં ‘બલિદાન’ની મધ્યમ સફળતા બાદ મનોજકુમારે સોહનલાલ કંવરની ફિલ્મ ‘બેઈમાન’માં કામ કર્યું હતું અને એ ફિલ્મ બ્લૉકબસ્ટર સાબિત થઈ હતી. ત્યાર બાદ મનોજકુમારે ‘શોર’ નામની ફિલ્મ બનાવી હતી, જેમાં નંદા હિરોઇન હતી. આ પણ સેમીહિટ રહી હતી.

૧૯૭૪થી ૧૯૭૭નાં ચાર વર્ષમાં પાંચ સુપરહિટ ફિલ્મો આપી

૧૯૭૪થી ૧૯૭૭નાં ચાર વર્ષમાં મનોજકુમારે પાંચ સુપરહિટ ફિલ્મો આપી હતી અને એની શરૂઆત ૧૯૭૪માં ‘રોટી, કપડા ઔર મકાન’થી થઈ હતી. આ ફિલ્મ તેમણે જ ડિરેક્ટ કરી હતી અને એમાં તેમની સાથે શશી કપૂર, અમિતાભ બચ્ચન, ઝીનત અમાન અને મૌસમી ચૅટરજી જેવાં કલાકારો હતાં. ૧૯૭૪ની ૧૮ ઑક્ટોબરે રિલીઝ થયેલી આ ફિલ્મ વર્ષની સૌથી બેસ્ટ ફિલ્મ બની હતી અને બૉક્સ-ઑફિસ પર એણે ૫.૨૫ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.

૧૯૭૫માં ફરી સોહનલાલ કંવરની ફિલ્મ ‘સંન્યાસી’માં તેઓ હેમા માલિની સાથે જોવા મળ્યા હતા અને એ ફિલ્મ પણ બ્લૉકબસ્ટર સાબિત થઈ હતી. આ ફિલ્મમાં મનોજકુમારે ધાર્મિક ઝોક ધરાવતા યુવકની ભૂમિકા ભજવી હતી.

૧૯૭૬માં તેમણે હેમા માલિની અને અમરીશ પુરી સાથે ‘દસ નંબરી’ ફિલ્મ આપી હતી જે પણ સુપરહિટ રહી હતી. આ ફિલ્મે બૉક્સ-ઑફિસ પર ૪.૭૧ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.

૧૯૭૭માં મનોજકુમારની બે ફિલ્મો આવી હતી. સાધના સાથેની ‘અમાનત’ અને ‘શિર્ડી કે સાંઈબાબા’. આ બેઉ ફિલ્મો બૉક્સ-ઑફિસ પર સફળ રહી હતી.

૧૯૭૮માં તેમણે બ્રેક લીધો હતો અને પછી પંજાબી ફિલ્મ ‘જટ પંજાબી’ બનાવી હતી જે પણ હિટ રહી હતી.

bollywood news bollywood gossips bollywood entertainment news manoj kumar celebrity death