Entertainment Updates: મટકા કિંગની સફળતાને પગલે ક્રિતિકા કામરાને મળ્યો લીડ હિરોઇન બનવાનો ચાન્સ

21 May, 2026 01:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

થોડા સમય પહેલાં જ આવેલી વેબ-સિરીઝ ‘મટકા કિંગ’માં ક્રિતિકા કામરાની ઍક્ટિંગને ખૂબ પસંદ કરવામાં આવી હતી. હવે આ સફળતા બાદ ક્રિતિકાને એક ફીચર ફિલ્મમાં લીડ ઍક્ટ્રેસ બનવાનો ચાન્સ મળ્યો છે.

ક્રિતિકા કામરા

થોડા સમય પહેલાં જ આવેલી વેબ-સિરીઝ ‘મટકા કિંગ’માં ક્રિતિકા કામરાની ઍક્ટિંગને ખૂબ પસંદ કરવામાં આવી હતી. હવે આ સફળતા બાદ ક્રિતિકાને એક ફીચર ફિલ્મમાં લીડ ઍક્ટ્રેસ બનવાનો ચાન્સ મળ્યો છે. ક્રિતિકાએ થોડા સમય પહેલાં ગૌરવ કપૂર સાથે લગ્ન કર્યાં છે અને લગ્ન પછી તેનો આ પહેલો મોટો પ્રોજેક્ટ છે. હાલમાં આ ફિલ્મનું વર્કિંગ ટાઇટલ ‘ડમ્બેલ’ રાખવામાં આવ્યું છે અને જૂન મહિનાથી ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઈ જશે. આ ફિલ્મ ક્રિતિકાની કરીઅરમાં ખૂબ મહત્ત્વપૂર્ણ સાબિત થવાની છે, કારણ કે એમાં તે એકદમ અલગ અંદાજમાં જોવા મળશે.

મૌની રોયે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પહેર્યું પટોળા પ્રિન્ટવાળું ગાઉન, બનાવવા માટે લાગ્યો હતો 300 કલાકથી વધુ સમય

મૌની રોયે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાની આગામી ફિલ્મ ‘બૉમ્બે સ્ટોરીઝ’ના ટીઝર અને પોસ્ટર લૉન્ચિંગ પ્રસંગે ગુજરાતની ૭૦૦ વર્ષ જૂની હસ્તકલાથી પ્રેરિત પટોળા પ્રિન્ટનો બૅકલેસ ગાઉન પહેરીને લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. આ ગાઉનની પસંદગી ‘ધ હાઉસ ઑફ પટોલા’ના કલેક્શનમાંથી કરવામાં આવી હતી અને એને પૂજા શાહ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે આ ગાઉનમાં ગુજરાતી પટોળાની રંગબેરંગી એમ્બ્રૉઇડરી કરવા માટે કારીગરોને લગભગ 300 કલાકથી વધુનો સમય લાગ્યો હતો. આ ગાઉન સાથે કોબાલ્ટ બ્લુ કલરની સૅટિન ટ્રેલ લગાવીને એને આધુનિક લુક આપવામાં આવ્યો હતો.

બીજી વખત મમ્મી બનવા તૈયાર દીપિકા પાદુકોણ કામમાં ગળાડૂબ

બૅન્ગલોરમાં એક ઍડનું શૂટિંગ કરતી જોવા મળી
દીપિકા પાદુકોણ બીજી વખત મમ્મી બનવા તૈયાર છે અને હાલમાં પ્રેગ્નન્સીના તબક્કામાંથી પસાર થઈ રહી છે. જોકે આ સમયગાળામાં પણ તેની કામ પ્રત્યેની પ્રતિબદ્ધતા યથાવત્ છે. દીપિકા હાલમાં બૅન્ગલોરમાં એક નવી જાહેરાતનું શૂટિંગ કરતી જોવા મળી હતી અને આ સેટ પરનો વિડિયો સોશ્યલ મીડિયામાં ચર્ચામાં છે. 
આ વિડિયોમાં દીપિકા સ્ટાઇલિશ બ્લુ પૅન્ટસૂટમાં જોવા મળે છે અને તે સેટ પર ખૂબ જ ખુશ અને મસ્તીના મૂડમાં દેખાઈ રહી હતી. પોતાની પ્રેગ્નન્સી દરમ્યાન દીપિકા પોતાના કામમાં ગળાડૂબ છે. તે હાલમાં જ શાહરુખ ખાન સાથેની ફિલ્મ ‘કિંગ’નું કેપટાઉનમાં બીજા અસાઇન્મેન્ટ પર ધ્યાન આપી રહી છે.

ધુરંધર : ધ રિવેન્જને કારણે દેશની સુરક્ષા અને અખંડિતતાને ખતરો?

દિલ્હી હાઈ કોર્ટમાં આવી ફરિયાદ સાથે જાહેર હિતની અરજી થઈ, કેન્દ્ર સરકાર અને સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશનને તપાસનો આદેશ
દિલ્હી હાઈ કોર્ટે ગઈ કાલે કેન્દ્ર સરકાર અને સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)ને ‘ધુરંધર : ધ રિવેન્જ’ સામે લગાવવામાં આવેલા ગંભીર આરોપોની તપાસ કરવા નિર્દેશ આપ્યો છે. કોર્ટમાં સશસ્ત્ર સીમા બળના હેડ કૉન્સ્ટેબલ દીપક કુમારે દાખલ કરેલી જાહેર હિતની અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે ફિલ્મમાં ભારતીય સશસ્ત્ર દળોનાં ઑપરેશન્સ સાથે જોડાયેલી સંવેદનશીલ માહિતી બતાવવામાં આવી છે, જેના કારણે દેશની સુરક્ષા અને અખંડિતતાને ખતરો ઊભો થઈ શકે છે. આ અરજીમાં જણાવાયું છે કે ફિલ્મમાં કેટલાંક સૈન્ય ઑપરેશન્સનાં સ્થળો, ઉચ્ચ અધિકારીઓ અને શહીદ સૈનિકો જેવા દેખાતાં પાત્રોને ખૂબ સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યાં છે જેના કારણે ગોપનીય માહિતી જાહેર થવાની શક્યતા છે.
આ અરજી પર સુનાવણી કરતાં મુખ્ય ન્યાયાધીશ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને ન્યાયમૂર્તિ તેજસ કારિયાની ખંડપીઠે જણાવ્યું હતું કે ભલે ફિલ્મ કલ્પિત હોય અને મનોરંજનના હેતુથી બનાવવામાં આવી હોય, પરંતુ સુરક્ષા દળના એક કર્મચારી દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓને અવગણવી શક્ય નથી. કોર્ટે માહિતી અને પ્રસારણ મંત્રાલય તથા CBFCને નિર્દેશ આપ્યો હતો કે તેઓ આ અરજીને પ્રતિનિધિત્વ તરીકે સ્વીકારે અને તપાસ કરે કે ફિલ્મે ઑફિશિયલ સીક્રેટ્સ ઍક્ટનું ઉલ્લંઘન કર્યું છે કે નહીં.

kritika kamra web series upcoming movie bollywood buzz bollywood news bollywood entertainment news mouni roy deepika padukone ranveer singh dhurandhar