12 June, 2025 07:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કૅટરિના કૈફ
મૉલદીવ્ઝ માર્કેટિંગ ઍન્ડ પબ્લિક રિલેશન્સ કૉર્પોરેશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે બૉલીવુડ-સ્ટાર અને સ્ટાઇલ આઇકૉન કૅટરિના કૈફ હવે મૉલદીવ્ઝના ‘સની સાઇડ ઑફ લાઇફ’ની ગ્લોબલ બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર હશે. હાલમાં કૉર્પોરેશન દ્વારા વિશ્વભરના પ્રવાસીઓને મૉલદીવ્ઝની દરિયાઈ સુંદરતા તરફ આકર્ષવા માટે સમર સેલ કૅમ્પેનની શરૂઆત કરવામાં આવી છે અને એ સમયે જ બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર તરીકે કૅટરિનાના નામની જાહેરાત કરવામાં આવી છે. સમર સેલ કૅમ્પેન હેઠળ મૉલદીવ્ઝનાં લક્ઝરી રિસૉર્ટ્સ, બુટિક હોટેલ્સ અને ફૅમિલી-ફ્રેન્ડ્લી રોકાણ પર ખાસ ઑફર્સ આપવામાં આવી રહી છે.
કૅટરિનાએ પોતાની આ જવાબદારી વિશે કહ્યું હતું કે ‘મૉલદીવ્ઝ મારા માટે માત્ર એક સ્થળ નથી, એક અનુભવ છે જ્યાં પ્રકૃતિ પોતાના સૌથી સુંદર રૂપમાં મળે છે. મને ખૂબ આનંદ છે કે હું ‘સની સાઇડ ઑફ લાઇફ’નો ચહેરો બની રહી છું. આ અભિયાન દ્વારા હું ઇચ્છું છું કે વિશ્વભરના લોકો આ સ્વર્ગ જેવા ટાપુ-દેશની સુંદરતાનો અનુભવ કરે.’
‘બૉયકૉટ મૉલદીવ્ઝ’ બાદ મોટું પગલું
જાન્યુઆરી ૨૦૨૪માં મૉલદીવ્ઝના કેટલાક પ્રધાનોએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર કરેલી અપમાનજનક ટિપ્પણી બાદ સોશ્યલ મીડિયા પર ‘બૉયકૉટ મૉલદીવ્ઝ’ ટ્રેન્ડ શરૂ થયો હતો એને કારણે ઘણા લોકોએ મૉલદીવ્ઝની યાત્રા રદ કરી હતી અને મૉલદીવ્ઝના પ્રધાનોની ચારે તરફ ટીકા થઈ હતી. આ ઘટનાને કારણે ભારત-મૉલદીવ્ઝ સંબંધો પર અસર પડી હતી, પરંતુ કૅટરિના કૈફની નિમણૂક અને વડા પ્રધાન મોદીની જુલાઈ ૨૦૨૫માં આયોજિત મૉલદીવ્ઝની મુલાકાત દ્વિપક્ષીય સંબંધોમાં સુધારાના સંકેત આપે છે.