16 October, 2023 03:29 PM IST | Mumbai | Mayank Shekhar
કરીના કપૂર ખાન
કરીના કપૂર ખાન છેલ્લાં ૨૩ વર્ષથી બૉલીવુડની સ્પૉટલાઇટમાં છે અને તે જ્યારે પણ ઇન્ટરવ્યુ આપે છે ત્યારે કોઈ પણ જાતની મહેનત કર્યા વગર તે ખૂબ જ સરળતાથી જવાબ આપે છે અને એમ છતાં એ ઇન્ટરવ્યુ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ હોય છે. તે ખૂબ જ બુદ્ધિશાળી હોવાની સાથે સ્ક્રીન પર ખૂબ જ અદ્ભુત ઍક્ટર પણ છે. કરીના તેની પબ્લિક ઇમેજથી એકદમ હટીને પાત્રો ભજવે છે અને તે એના દ્વારા દરેકને સરપ્રાઇઝ પણ કરી દે છે. આ વિશે કરીનાએ કહ્યું કે ‘મેં મારી સ્ટારડમની ઇમેજ અને કૅરૅક્ટર ડ્રિવન ફિલ્મો વચ્ચે હંમેશાં બૅલૅન્સ જાળવી રાખ્યું છે. હું ૨૨ વર્ષની હતી જ્યારે મેં ‘ચમેલી’ કરી હતી (આ ફિલ્મમાં તેણે સેક્સ-વર્કરની ભૂમિકા ભજવી હતી અને લોકોએ એને ખૂબ જ પસંદ કરી હતી).’
૪૩ વર્ષની કરીનાએ તરત જ કહ્યું કે ‘હા, હું બિગ-ટિકિટ ફિલ્મો પણ કરતી રહું છું. જોકે સ્ટારડમવાળી નહીં. હું ચૅલેન્જિંગ પાત્ર હોય એમાં વધુ ઇન્ટરેસ્ટ લઉં છું.’ તેણે આ તેની હાલમાં જ નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ‘જાને જાં’ વિશે કહ્યું છે. આ ફિલ્મમાં તેની સાથે જયદીપ અહલાવત અને વિજય વર્માએ કામ કર્યું છે. આ ફિલ્મની પસંદગી વિશે કરીનાએ કહ્યું કે ‘હું ઘરે ક્રાઇમ થ્રિલર્સ ખૂબ જોઉં છું. હાર્લન કોબેન્સની બુક પરથી બનાવેલા બધા શોને મેં નેટફ્લિક્સ પર જોયા છે. આથી મેં નક્કી કર્યું હતું કે જો હું સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ પર આવીશ તો એ એવો જ પ્રોજેક્ટ હશે જેને હું પોતે સ્ક્રીન પર જોવાનું પસંદ કરું છું.’
છેલ્લા બે દાયકાથી બૉલીવુડમાં ખાન ત્રિપુટીનો દબદબો છે. જોકે આ દરમ્યાન ત્રણેય સાથે જો કોઈ ઍક્ટ્રેસ હંમેશાં રહી હોય તો એ કરીના છે એમ કહેવું ખોટું નથી. ઘણી વાર તે ફિલ્મોને તેનો રોલ કેટલો મોટો છે એ જોવા કરતાં ફિલ્મ કેટલી મોટી છે એ જોઈને પણ પસંદ કરે છે. ખાન ત્રિપુટી કેવી રીતે અલગ-અલગ કામ કરે છે એ વિશે પૂછતાં કરીનાએ શાહરુખ વિશે કહ્યું કે ‘શાહરુખ ખાન એ દરેક વસ્તુ છે જે તમે તેના વિશે સાંભળી છે. તેને શાહ કહો કે એમ્પરર કહો કે કૉન્કરર કહો. તેના માટે ફિલ્મ દરેક વ્યક્તિ માટે છે. સેટ પર કો-સ્ટારથી લઈને લાઇટ બૉયથી લઈને દરેક માટે. તે જ્યારે સેટ પર તમારી સામે ઊભો હોય ત્યારે તમને તેનું સ્ટારડમ જોવા નહીં મળે. તે જ્યારે દરેકને સ્પેશ્યલ ફીલ કરાવી રહ્યો હોય ત્યારે તેને મલ્ટિટાસ્ક કરતો જોઈ શકાય છે. તે નોખી માટીનો માનવી છે.’
શાહરુખ સાથે ‘અશોકા’માં કામ કર્યું ત્યારે કરીના ૨૧ વર્ષની હતી. આ ફિલ્મ વિશે કરીનાએ કહ્યું કે ‘તેના હોમ પ્રોડક્શન માટેની આ સૌથી હિમ્મતવાળી ફિલ્મ હતી. તે આ ફિલ્મને વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં લઈ ગયો હતો. તે લોકો કરતાં ૨૦ વર્ષ આગળ વિચારે છે અને તેનું વિઝન ખૂબ જ જોરદાર છે. એ સમયે તેને ખબર હતી કે સિનેમા બદલવા જઈ રહ્યું છે અને એથી તેણે એ સમયે વિઝ્યુઅલ ઇફેક્ટ્સ સ્ટુડિયોમાં ખૂબ જ મોટું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું.’
કરીનાની થિયેટરમાં રિલીઝ થયેલી છેલ્લી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ બૉક્સ-ઑફિસ પર પિટાઈ ગઈ હતી. આ વિશે કરીનાએ કહ્યું કે ‘આ ફિલ્મના પ્રોડક્શન પાછળ ઘણાં વર્ષોનો સમય લાગ્યો હતો.’
આ ફિલ્મ બાદ થોડા જ સમયમાં કરીનાને બીજો દીકરો થયો હતો. તેની પાસે ફિલ્મની નિષ્ફળતાના દુઃખ માટે વિચારવાનો પણ સમય નહોતો. આ વિશે કરીનાએ કહ્યું કે ‘આમિર અને હું હાલમાં જ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના ઉદ્ઘાટનમાં મળ્યાં હતાં. ‘લાલ’ બાદ અમે પહેલી વાર ત્યાં મળ્યાં હતાં. મેં જ્યારે તેનો ચહેરો જોયો ત્યારે તે મારી તરફ કેવી રીતે જોઈ રહ્યો હતો એ મને હજી પણ યાદ છે. તેના ચહેરા પર દુઃખ દેખાઈ રહ્યું હતું અને એ જ સમયે આ શું થઈ ગયું એવા પણ તેના હાવભાવ હતા. અમે સાથે ‘3 ઇડિયટ્સ’ અને ‘તલાશ’ જેવી મોટી અને સારી ફિલ્મો આપી છે. જોકે એનાથી કોઈ ફરક નથી પડતો. ત્યાર બાદ મેં આમિર અને ડિરેક્ટર અદ્વૈત ચંદનને વૉટ્સઍપ પર મોટો લેટર લખ્યો હતો. મેં તેમને કહ્યું હતું કે આપણાં રિલેશન અને ટૅલન્ટ ફિલ્મ કેવી રહી છે એના પર આધાર નથી રાખતાં. પોસ્ટ-કોવિડ બાદનો સમય હતો. લોકો ફિલ્મમાં વધુપડતા એન્ટરટેઇનમેન્ટની રાહ જોઈ રહ્યા હતા. ‘લાલ સિંહ ચઢ્ઢા’ ડાર્ક ફિલ્મ હતી. અમે જ્યારે ફિલ્મ બનાવી રહ્યાં હતાં ત્યારે પણ આમિર અને હું ડિસ્કસ કરી રહ્યાં હતાં કે અમે શું મારા પાત્ર રૂપાને વધુપડતું ડાર્ક તો બનાવી નથી રહ્યાં. મેં આમિરને કહ્યું કે પાત્ર જેવું છે એ જ રહેવા દેવું.’
આમિરને મિસ્ટર પર્ફેક્શનિસ્ટ કહેવામાં આવે છે. આ વિશે કરીનાએ કહ્યું કે ‘તે પોતાના પર ખૂબ જ ફોકસ કરે છે. કેટલીક વાર તો હું પણ કહી દઉં છું કે બહુત હો ગયા યાર. તેની સાથે ફિલ્મ પર તમે જ્યારે કામ કરી રહ્યા હો ત્યારે એ સિવાય તમે બીજું કંઈ નહીં કરી શકો. આ આમિર ખાન છે અને એથી જ આપણે તેને પસંદ કરીએ છીએ.’
કરીના મારી સામે બેઠેલી હતી એટલે નથી કહેતો, પરંતુ સ્ટાર ઍક્ટરમાં મારો ફેવરિટ ખાન તેનો પતિ છે. અન્ય ખાનની સામે સૈફ અલી ખાને તેની કરીઅરમાં વારંવાર તેની અર્બન કૂલ ઇમેજને ખૂબ જ સારી રીતે સાબિત કરી છે. ૨૦૦૫માં જ્યારે ઑનલાઇન પ્લૅટફૉર્મ નહોતાં ત્યારે પણ સૈફે ઓવર ધ ટૉપ ફિલ્મ ‘બીઇંગ સાયરસ’ આપી હતી. આ વાત પર સંમતિ આપતાં કરીનાએ કહ્યું કે ‘તે એક અદ્ભુત આર્ટિસ્ટ છે. તે તેના કામમાં રચ્યોપચ્યો હોય છે. તેણે ‘લાલ કપ્તાન’ પણ તો આપી હતી.’
કરીનાની ફિલ્મોની સ્ટોરીની શરૂઆત તેની બહેન કરિશ્મા કપૂરથી થાય છે. તે પહેલાં ફિલ્મમાં આવી હતી અને એમ પણ તે કપૂર ફૅમિલીની પહેલી મહિલા હતી જેણે ફિલ્મમાં કામ શરૂ કર્યું હતું. બૉલીવુડની પહેલી ફૅમિલી તરીકે પૃથ્વીરાજ કપૂરની ફૅમિલીને ઓળખવામાં આવે છે. તેમની ચોથી જનરેશન કરિશ્માએ ઍક્ટર તરીકે શરૂઆત કરી હતી. બબીતાએ એકલા હાથે તેની દીકરીને ઉછેરી હતી અને એ જ કારણ છે કે તેણે ફિલ્મોમાં કરીઅર બનાવી. આ વિશે કરીનાએ કહ્યું કે ‘કૉન્ફિડન્ટ અને ઇન્ડિપેન્ડન્ટ હોવાનું હું મારી મમ્મીને જોઈને શીખી છું. તે એક શેરની છે જેણે તેનાં બાળકોને ખૂબ જ સારી રીતે ઉછેર્યાં છે. મારી અને મારી બહેનમાં જે આગ છે તે મારી મમ્મીમાંથી આવી છે. હજી પણ મારી મમ્મીમાં તેનાં બાળકો માટે એ જ આગ જોવા મળે છે. તેણે કહ્યું હતું કે એક છતની નીચે જો ત્રણ મહિલા હોય તો કંઈ પણ કરી શકે છે. આવું કહી તેણે કરિશ્માને કરીઅર બનાવવા પ્રોત્સાહિત કરી હતી. તે પર્સનલી તેને સાઉથમાં રામા નાયડુને મળવા માટે લઈ ગઈ હતી.’
કરીનાની બહેન કરિશ્માનું નિકનેમ લોલો છે. આ નેમ ઇટાલિયન ઍક્ટર-મૉડલ જીના લોલો બ્રિગેડા પરથી રાખવામાં આવ્યું હતું એની પુષ્ટિ આપતાં કરીનાએ કહ્યું કે ‘મને એ નથી ખબર કે બેબો નામ કેવી રીતે રાખવામાં આવ્યું હતું.’ કરીનાનું નામ બેબો લિયો ટોલ્સ્ટોયની ‘અન્ના કેરેનિના’ પરથી રાખવામાં આવ્યું હતું. કરીના વખતે બબીતા જ્યારે પ્રેગ્નન્ટ હતી ત્યારે તે આ નૉવેલ વાંચી રહી હતી. શું તેણે આ બુક વાંચી છે એ વિશે અને નામની પુષ્ટિ આપતાં કરીનાએ કહ્યું કે ‘શું તમે બુકની સાઇઝ જોઈ છે ખરી? મારા વાળ બધા સફેદ થઈ જશે તો પણ પૂરી નહીં થાય. તે મારા ઘરે પડેલી છે. તમે ગેસ કરી શકો છો કે એ કોણે વાંચી હશે.’
કરીનાએ તેના પતિ સૈફ તરફ ઇશારો કર્યો હતો. પોતાને પણ વાંચવું ગમે છે એ વિશે કરીનાએ કહ્યું કે ‘મને જોઈને લોકોને એવી વાઇબ આવતી હશે કે હું રીડર નથી, પરંતુ એ ખોટું છે. હું વાંચુ છું, પરંતુ મને ક્રાઇમ ફિક્શન પસંદ છે. સ્કેડી (સ્કેન્ડિનેવિયન) અને જો નેસ્બો મને પસંદ છે. સૈફ આર્ટ હિસ્ટરીનો સ્ટુડન્ટ હોવાથી તેનો ટેસ્ટ અલગ છે.’
કરિશ્માએ ૧૫ વર્ષે ડેબ્યુ કર્યો હતો અને કરીનાએ ૨૦ વર્ષે કર્યો હતો. આ વિશે કરીનાએ કહ્યું કે ‘મારી યુવાની પાર્ટી, શૉટ્સ અને નાઇટક્લબવાળી નહોતી. હું મેહબૂબ સ્ટુડિયોઝમાં મોટા ભાગે રહેતી હતી અને મને એ પસંદ પણ હતું. એ સમયે હું સાડાનવ વાગ્યે સૂઈ જતી હતી અને વહેલી સવારે ઊઠી જતી હતી. તમે ભાગ્યે જ મને કોઈ ફિલ્મી પાર્ટીમાં જોઈ હશે. કોઈ-કોઈ વાર હું લેટ નાઇટ કરી લેતી હતી એ અલગ છે.’
કરીનાની સૌથી મોટી ફૅન હોવાનો દાવો આલિયા ભટ્ટ કરતી આવી છે. તેણે પોતાને કરીના જેવી બનાવી છે. એ વિશે વાત કરતાં કરીનાએ કહ્યું કે ‘તે આર્ટિસ્ટિક બૅલૅન્સ રાખવાની કોશિશ કરી રહી છે. તેની ફિલ્મોની પસંદગીની હું પ્રશંસક છું. તેની પસંદગી જ તેને સારી ઍક્ટર બનાવે છે. તે નાની હતી ત્યારે હું તેને નહોતી ઓળખતી. જોકે આલિયા હવે ફૅમિલી બની ગઈ છે. અમારો સાથે એક ફોટો હતો અને એને જોઈને લોકો કહી રહ્યા હતા કે અમારે સાથે મળીને કામ કરવું જોઈએ. ત્યાર બાદ કરણ જોહરને પણ આ વિશેના મેસેજ મળી રહ્યા હતા. બની શકે કરણ જ અમને બન્નેને સાથે ફિલ્મની ઑફર કરે.’
આલિયા અને કરીનાને જો કરણ જોહર પસંદ કરે તો (મસ્તીમાં કહ્યું કે) ઑનલાઇન ટ્રોલ ફરી નેપોટિઝમને લઈને ચાલુ થઈ જશે. આ વિશે કરીનાએ કહ્યું કે ‘આમાં શું નેપોટિઝમ યાર. હું ૨૩ વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં છું. લોકોએ મારી પડતી પણ જોઈ છે. મેં એ પણ સાબિત કરી દેખાડ્યું છે કે હું હંમેશાં કમબૅક કરતી રહીશ.’
ફિલ્મોને બાદ કરતાં કરીનાનું સૌથી મોટું પ્રોડક્શન તેનો દીકરો તૈમુર છે. તેના જન્મથી જ તે મીડિયામાં બ્લૉકબસ્ટર રહ્યો છે. લોકો સ્ટાર-ચિલ્ડ્રનમાં કેટલો ઇન્ટરેસ્ટ લે છે એ આના પરથી જોવા મળે છે અને એ જ નેપોટિઝમને એક્સપ્લેન કરે છે. તૈમુર તેની કરીઅર પસંદ કરે એ પહેલાં જ તે ઇન્ડિયાનો સૌથી ફેમસ બાળક થઈ ગયો છે. આ વિશે વાત કરતાં કરીનાએ કહ્યું કે ‘તે મારી સાથે હોય તો તેનો ફોટો લેવામાં આવે છે. હું પણ તેનો ચહેરો કવર કરી શકું છું, પરંતુ એ ખૂબ જ સ્કૅરી છે. તે ખૂબ જ સ્માર્ટ છોકરો છે. તેને ખબર છે કે તેના પેરન્ટ્સ ખૂબ જ ફેમસ છે.’
કરીના જ્યારે સ્કૂલ-કૉલેજમાં હતી ત્યારે તેણે આ બધું સહન નહોતું કરવું પડ્યું જે તૈમુર જોઈ રહ્યો છે. તે પોતે પણ સેલિબ્રિટી ચાઇલ્ડ હતી. તે ટીનેજથી જ બૉલીવુડ સ્ટાર હતી. તેણે મીડિયાને બદલતાં જોયું છે. તે જ્યારે કામ કરતી ત્યારે ન્યુઝમાં ફક્ત કૅટફાઇટ્સ અને ગૉસિપ કરવામાં આવતી હતી. કરીનાએ એ સમયે પોતાને પ્રૂવ કરવા કેટલીક વાતો કરી હતી અને એને લઈને તેને આજે પણ અફસોસ છે. એ સમયે કરીના અને પ્રિયંકા ચોપડા જોનસ વચ્ચેની કૅટફાઇટ ખૂબ જ ચર્ચામાં હતી. જોકે એ વાતમાં દમ નહોતો અને ખોટા સમાચાર હતા, જે વહેતા કરવામાં આવ્યા હતા.
કરીનાનો ૨૦૧૯માં એક વિડિયો હાલમાં જ વાઇરલ થયો હતો જેમાં એન. નારાયણમૂર્તિ પણ હતા. ઇન્ફોસિસના ફાઉન્ડર સંજોગવશાત એ પ્લેનમાં કો-પૅસેન્જર હતા. કરીનાને જે અટેન્શન મળી રહ્યું હતું એને લઈને વિવાદ હતો અને એ સમયે નારાયણમૂર્તિની પત્ની કરીનાનો પૉઇન્ટ ઑફ વ્યુ લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહી હતી. કરીના એક દિવસ માટે કન્ટ્રોવર્સીનો પાર્ટ બની હતી. આ વિશે પૂછતાં કરીના ઇન્ટરવ્યુ પૂરો કરવા માટે તૈયારી કરી રહી હોય એવું લાગી રહ્યું હતું. કરીનાની ટીમ મારા સવાલથી નારાજ હતી અને મારા કલીગને તેમની ટીમે આ સવાલને લઈને નારાજગી વ્યક્ત પણ કરી હતી. આ થોડું સ્ટ્રેન્જ હતું, કારણ કે છેલ્લાં પાંચ વર્ષમાં ‘સિટ વિથ હિટલિસ્ટ’ની આ સિરીઝમાં આવું પહેલાં ક્યારેય નહોતું થયું.