૪ જણનો એક પરિવાર સાથે ફિલ્મ જોવા જાય તો ૧૦,૦૦૦ રૂપિયા તો ખર્ચાઈ જાય

27 September, 2024 07:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મલ્ટિપ્લેક્સમાં મોંઘીદાટ ટિકિટ અને ખાણીપીણી વિશે ચિંતા વ્યક્ત કરી કરણ જોહરે, ઝોયા અખ્તરે પણ એમાં પુરાવ્યો સાથ, કહ્યું કે નાના બજેટની લાપતા લેડીઝ જેવી ફિલ્મ પણ વધુ પડતી મોંઘી ટિકિટ અને મોંઘી ફૂડ-પ્રાઇસને કારણે પરવડતી નથી

કરણ જોહર, ઝોયા અખ્તર

લોકો થિયેટરમાં જઈને ફિલ્મો જોવાનું શા માટે ટાળી રહ્યા છે એ વિશે વિગતે વાત કરતાં ફિલ્મનિર્માતાઓ કરણ જોહર અને ઝોયા અખ્તરે કહ્યું કે ટિકિટના મોંઘા ભાવ અને ત્યાં મળતી મોંઘી 
ફૂડ-આઇટમોને કારણે લોકો થિયેટરમાં જઈને ફિલ્મ જોવાનું ટાળી રહ્યા છે. 

આ મુદ્દે કરણ જોહરે કહ્યું કે મને એક સર્વેમાં જાણ થઈ હતી કે ‘સરેરાશ લોકોએ થિયેટરમાં જઈને ફિલ્મ જોવાની આદત ઘટાડીને વર્ષમાં માત્ર બે ફિલ્મ પૂરતું સીમિત કરી દીધું છે. થિયેટરમાં જઈને ફિલ્મ જોતી વખતે મોંઘા ભાવનાં સ્નૅક્સ ખરીદવાને બદલે તેઓ કોઈ સારી રેસ્ટોરાંમાં જઈને પરિવાર સાથે સમય વિતાવવાનું વધારે પસંદ કરે છે.’ 

આ મુદ્દે ઝોયા અખ્તરે કહ્યું કે થિયેટરોમાં ફૂડ ખૂબ મોંઘાં હોય છે. આ બેઉ ફિલ્મમેકરોએ એક ચર્ચાસત્રમાં ભાગ લીધો ત્યારે ઉપરોક્ત વાત જણાવી હતી.

આ મુદ્દે ઝોયા અખ્તરે વધુમાં જણાવ્યું હતું કે ‘થિયેટરમાં જઈને ફિલ્મ જોવાનું હવે લોકોને પોસાય એવું રહ્યું નથી. તેમને સિનેમા-થિયેટરમાં જઈને ફિલ્મ જોવાનું ગમે છે, પણ જો બે વાર જવાનું હોય તો તેઓ હવે પસંદગી કરે છે કે બેમાંથી કઈ ફિલ્મ જોવા જેવી છે. જો મારે ‘લાપતા લેડીઝ’ જેવી ફિલ્મ જોવા જવું હોય તો એ પણ મને પોસાય એમ નથી.’

આ મુદ્દે કરણ જોહરે એક સર્વેને ટાંકીને વધુમાં કહ્યું હતું કે ‘સર્વે કરનારાઓ ૧૦૦ ઘરે ગયા હતા અને આ ૧૦૦ ઘરના લોકો પૈકી ૯૦ ટકા લોકોએ કહ્યું કે તેઓ વર્ષમાં માત્ર બે વાર જ થિયેટરમાં જઈને ફિલ્મ જોશે. આ એ આવક-જૂથનો હિસ્સો છે જેઓ અમારો ઑડિયન્સ બેઝ છે. તેમને થિયેટરમાં જઈને ફિલ્મ જોવાનું પરવડતું નથી. તેઓ કદાચ દિવાળી વખતે ફિલ્મ જોવા જશે અથવા ‘સ્ત્રી 2’ જેવી ફિલ્મની વાત સાંભળે તો એ જોવા ઘરની બહાર નીકળશે. પરિવારના સભ્યો જણાવે છે કે તેઓ સિનેમા-હૉલમાં ફિલ્મ જોવા જવાનું પસંદ કરતા નથી, કારણ કે જ્યારે બાળકો પૉપકૉર્ન કે બીજી કોઈ મોંઘી ખાવાની ચીજની માગણી કરે ત્યારે તેમને નકારવાનું તેમને ખરાબ લાગે છે. આથી આવા લોકો થિયેટરમાં ફિલ્મ જોવા જવાને બદલે રેસ્ટોરાંમાં જમવા જવાનું પસંદ કરે છે, કારણ કે ત્યાં તેમને ફિલ્મની ટિકિટ ખરીદવાની જરૂર પડતી નથી. તેઓ કહે છે કે અમારાં બાળકો કૅરૅમલ પૉપકૉર્ન તરફ આંગળી કરીને એ માગશે, પણ એ અમને પોસાય એમ નથી, કારણ કે ચાર જણનો એક પરિવાર સાથે ફિલ્મ જોવા જાય તો સરેરાશ ૧૦,૦૦૦ રૂપિયાનો ખર્ચ થાય છે. કદાચ એવું પણ બને કે આ ૧૦,૦૦૦ રૂપિયા ફાળવવાનું તેમના બજેટમાં ન હોય.’

મલ્ટિપ્લેક્સ અસોસિએશનનો કરણ જોહરને જવાબ : ચાર જણનો ખર્ચ ૧૦,૦૦૦ નહીં, ૧૫૬૦ રૂપિયા થાય
કરણ જોહરે મોંઘી ટિકિટ અને ખાણીપીણી વિશે વ્યક્ત કરેલી ચિંતા બાબતે મલ્ટિપ્લેક્સ અસોસિએશન ઑફ ઇન્ડિયાએ તેની ટિપ્પણીનો વિરોધ કરતાં કહ્યું હતું કે ચાર જણનો પરિવાર ફિલ્મ જોવા જાય તો ટિકિટ અને ખાણીપીણીનો સરેરાશ ખર્ચ ૧૫૬૦ રૂપિયા થાય. અસોસિએશને કહ્યું હતું કે પીવીઆર આઇનૉક્સની ટિકિટની સરેરાશ કિંમત ફાઇનૅન્શ્યલ યર ૨૦૨૪માં ૨૫૮ રૂપિયા હતી અને અહીં ખાણીપીણી પર વ્યક્તિદીઠ સરેરાશ ૧૩૨ રૂપિયા ખર્ચ થતો હતો.

zoya akhtar karan johar kiran rao aamir khan bollywood buzz bollywood news bollywood bollywood gossips entertainment news