12 July, 2024 09:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હિન્દુસ્તાની 2
કમલ હાસનની આજે રિલીઝ થઈ રહેલી ફિલ્મ ‘હિન્દુસ્તાની 2’ને ‘ઇન્ડિયન 2’ તરીકે પણ ઓળખવામાં આવી રહી છે. એસ. શંકર દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી ફિલ્મ ૧૯૯૬માં આવેલી ‘ઇન્ડિયન’ની સીક્વલ છે. આ ફિલ્મમાં કમલ હાસને સેનાપતિનું પાત્ર ભજવ્યું છે જે ભૂતપૂર્વ ફ્રીડમ-ફાઇટર હોય છે. તે દેશમાં ચાલતા કરપ્શન સામે લડતો હોય છે. આ સીક્વલમાં એક યુવાન ઇન્ટરનેટ પર વિડિયો શૅર કરીને કરપ્શનને લોકો સામે લાવતો હોય છે. જોકે તેની લઇફ પર જોખમ આવતાં સેનાપતિ તેની મદદે આવે છે. આ ફિલ્મના શૂટિંગ દરમ્યાન એક ઍક્સિડન્ટ થયો હતો. એ દરમ્યાન ત્રણ મેમ્બરનું મૃત્યુ થયું હતું. કમલ હાસન અને કાજલ અગરવાલ માંડ-માંડ બચી ગયાં હતાં. આ ઘટના બાદ એસ. શંકરે ત્રણેય મેમ્બરની ફૅમિલીને ટોટલ એક કરોડ રૂપિયાની મદદ કરી હતી. આ ફિલ્મ ઍક્શનથી ભરપૂર છે અને એની સાથે આ સિરીઝની ત્રીજી ફિલ્મનું પણ શૂટિંગ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં તેમની સાથે સિદ્ધાર્થ અને રકુલ પ્રીત સિંહ પણ જોવા મળી રહ્યાં છે.
વિઝ્યુઅલ ઇફેક્ટ્સ સમયસર બનતાં છ મહિનામાં આવશે ઇન્ડિયન 3
કમલ હાસનની ‘ઇન્ડિયન 2’ આજે રિલીઝ થઈ રહી છે. એવામાં એનો ત્રીજો પાર્ટ પણ રિલીઝ થવાનો છે. જોકે મેકર્સનું કહેવું છે કે જો વિઝ્યુઅલ ઇફેક્ટ્સ સમયસર બની જશે તો ‘ઇન્ડિયન 3’ને છ મહિનામાં રિલીઝ કરવામાં આવશે. ત્રણ કલાકની આ ફિલ્મ આજે હિન્દી, તામિલ અને તેલુગુમાં રિલીઝ થવાની છે. લોકો આ ફિલ્મની ઘણા વખતથી રાહ જોતા હતા અને આખરે એ દિવસ આજે આવી ગયો છે. એ દરમ્યાન ‘ઇન્ડિયન 2’ના ડિરેક્ટર શંકરે જણાવ્યું છે કે ‘ઇન્ડિયન 3’માં કમલ હાસનના યુવાનીના દિવસો પર પ્રકાશ પાડવામાં આવશે.