11 August, 2023 08:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફુલેનું પોસ્ટર
મહાત્મા જ્યોતિરાવ ફુલેની બાયોપિક ‘ફુલે’ના પોસ્ટ-પ્રોડક્શનનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં પ્રતીક ગાંધી જ્યોતિરાવ ફુલેના રોલમાં અને તેમની વાઇફ સાવિત્રીબાઈ ફુલેના રોલમાં પત્રલેખા જોવા મળવાની છે. આ ફિલ્મને અનંત મહાદવને ડિરેક્ટ કરી છે. જ્યોતિરાવ ફુલે અને સાવિત્રીબાઈએ છોકરીઓને શિક્ષિત કરવાની પહેલ શરૂ કરી હતી. તેમણે ૧૮૪૮માં પુણેમાં છોકરીઓ માટે પહેલી શાળાની શરૂઆત કરી હતી. ૧૮૭૩માં સુવિધાથી વંચિત લોકોના અધિકાર માટે સત્યશોધક સમાજની તેમણે સ્થાપના કરી હતી. તેમનાં કાર્યો વિશે અનંત મહાદવને કહ્યું કે ‘તે બન્ને પતિ-પત્ની અદ્ભુત હતાં. એ સમયમાં જ્યારે છોકરીઓને શિક્ષણ નહોતું અપાતું અને નાની વયે તેમનાં લગ્ન કરવામાં આવતાં હતાં એવા સમયે જ્યોતિરાવે તેમની પત્ની, જે માત્ર ૧૧ વર્ષનાં હતાં, તેમને ભણાવવાની શરૂઆત કરી હતી. જ્યોતિરાવ એ વખતે ૧૭ વર્ષના હતા જ્યારે તેમનાં લગ્ન થયાં હતાં, કારણ કે એ સમયે બાળવિવાહ થતા હતા. આ સમસ્યા હજી પણ ચલણમાં છે. એ પછી ભારતમાં હોય કે પછી વિશ્વના કોઈ અન્ય ભાગમાં હોય. આજે પણ લિંગભેદ અને જાતિભેદ દરેક ઠેકાણે જોવા મળે છે. ફુલેએ આ ભેદભાવ સામે લડત ચલાવી હતી.’