15 August, 2023 01:41 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
`યે દેશ` સૉન્ગ
આજે જ્યારે સંપૂર્ણ રાષ્ટ્ર 77મા સ્વતંત્રતા દિવસ (Independence Day 2023)ની ઉજવણી કરી રહી છે. ત્યારે જાણીતા તબલા કલાકાર અને સંગીતકાર બિક્રમ ઘોષ અને અન્ય કલાકાર મિત્રો દ્વારા અનોખી રીતે આ દિવસની ઉજવણી કરવામાં આવી છે. સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ મ્યુઝિક મેસ્ટ્રો બિક્રમ ઘોષનું મ્યુઝિક લેબલ ઇટરનલ સાઉન્ડ્સ દ્વારા `યે દેશ` રાષ્ટ્રગીત લૉન્ચ કરવામાં આવ્યું છે.
આ અવસરે બિક્રમ ઘોષે કહ્યું, “આપણા સ્વતંત્રતા દિવસ 2023ના અવસર પર Eternal Sounds દ્વારા `યે દેશ` નામનું એક ગીત રિલીઝ કરવામાં આવ્યું છે જે મેં કંપોઝ કર્યું છે. અનેક જાણીતા ગાયકોએ આ ટ્રેક પર પોતાનો સૂર રેલાવ્યો છે.” આજે જ્યારે આ સોન્ગ લૉન્ચ થયું છે ત્યારે તે ભારતના સ્વતંત્રતા દિવસને સમર્પિત કરવામાં આવ્યું છે. આ આકર્ષક રીતે તૈયાર કરવામાં આવેલ સોન્ગ અનેક પ્રકારની કલાત્મક પ્રતિભાની સુંદરતા દર્શાવે છે.
ઇન્દ્રજીત નટ્ટોજી આ સોન્ગ વિશે પોતાની વાત રજૂ કરતાં જણાવે છે કે, `રંગી સારી`ના દ્રશ્યોથી બિક્રમ ઘોષ ખૂબ જ પ્રભાવિત થયા હતા. ત્યારે તેઓએ આ ચિત્રો સાથે સંગીત કૌશલ્યનો મને પરિચય કરાવ્યો. જે ખરેખર પ્રશંસનીય છે”
ઇન્દ્રજીત નટ્ટોજી
હરિહરન, વિશ્વ મોહન ભટ્ટ, મહાલક્ષ્મી, શાન, રાહુલ વૈદ્ય, રોનુ મજુમદાર, કવિતા સેઠ, બિક્રમ ઘોષ અને ઈન્ડિયન આઈડોલ (Indian Idol)ની જાણીતી પ્રતિભાઓની આ સોન્ગ ટ્રેકમાં મહેનત ઉડીને આંખે વળગે છે. તેઓના યોગદાન થકી જ આ સોન્ગ જબરદસ્ત બન્યું છે. નટ્ટોજીની વિઝ્યુઅલ નરેશન સ્ટાઈલના તો વખાણ કરવા જ રહ્યા. આ સોન્ગમાં જે એનિમેટેડ આર્ટની એક રચના કરવામાં આવી છે તે લોકો સમક્ષ ભારતના વિશાળ સાંસ્કૃતિક વારસાને રજૂ કરી આપે છે.
આ સોન્ગની વિશેષતા બાબતે નટ્ટોજી કહે છે કે, "મારો ઉદ્દેશ્ય તો માત્ર આપણા રાષ્ટ્રીય `તિરંગા`ના સન્માનની ઉજવણી કરવાનો હતો. જાણીતી ડાન્સર અને એક્ટ્રેસ ભાવના પાની સાથે મળીને અમે આ ગીતને તૈયાર કરવામાં આવ્યું છે. ઉપરાંત આ સોન્ગમાં ભરતનાટ્યમ કલાકાર સુરભી અંદરેનો પણ વિશેષ ફાળો રહેલો છે. આ રીતે જોતાં આ સોન્ગમાં ભરતનાટ્યમ આણે કથકનું મિશ્રણ જોવા મળે છે.”
ઇન્દ્રજિત નટ્ટોજીની ઝીણવટભરી દ્રષ્ટિ તેમ જ નિર્દેશન દ્વારા આ કાર્ય સફળ રીતે પાર પડ્યું છે. ઇન્દ્રજિત નટ્ટોજી તો આ કાર્યને શરૂઆતમાં અત્યંત મુશ્કેલ માનતા હતા. પરંતુ સૌના સહયોગથી આ એનિમેટેડ વિઝ્યુઅલ્સ સાથેના વિવિધ ડાન્સ પર્ફોર્મન્સના મિશ્રણથી એક અદભૂત વિઝ્યુઅલ કોન્સર્ટ તૈયાર થયું છે.
ખરેખર ‘યે દેશ’ ભારતના સ્વતંત્રતા દિવસની ઉજવણીનો જ એક અમૂલ્ય હિસ્સો છે. જેમાં અનેક કલાઓનો સંગમ જોવા મળે છે. આ આર્ટવર્ક દ્વારા નક્કી આજના યુવાનોમાં રાષ્ટ્ર ગૌરવની ભાવના વિકસિત થશે. આ સોન્ગમાં રાષ્ટ્ર ભાવનાને મહત્વ આપવામાં આવ્યું છે. ઉપરાંત ભારતની વિવિધતાનો જાદુ પણ દેખાઈ આવે છે. આ `યે દેશ` સંગીત તેમ જ આર્ટ બંનેને સાંકળીને તૈયાર કરવામાં આવ્યું છે.