14 December, 2025 01:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષય ખન્ના
અક્ષય ખન્ના ‘ધુરંધર’માં રહમાન ડકૈતનું પાત્ર ભજવીને ફરી ચર્ચામાં આવ્યો છે. એક તરફ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર સફળતા મેળવી રહી છે ત્યારે તેના જીવનની અજાણી બાજુ પણ મીડિયા સામે આવી રહી છે. હાલમાં અક્ષયની એક ભૂતપૂર્વ ક્લાસમેટની પોસ્ટ સોશ્યલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. આ પોસ્ટમાં અક્ષયના સ્કૂલના દિવસોને લઈને અનેક ખુલાસા કરવામાં આવ્યા છે.
ઊટીના હિલ-સ્ટેશન લવડેલમાં આવેલી લૉરેન્સ સ્કૂલની ભૂતપૂર્વ સ્ટુડન્ટ સાયરા શાહ હલીમે અક્ષય ખન્નાના સ્કૂલના સમયની યાદો શૅર કરી છે. સ્કૂલમાં અક્ષય તેનો સિનિયર હતો. સાયરાએ સોશ્યલ મીડિયામાં લખ્યું હતું, ‘લૉરેન્સ સ્કૂલ લવડેલ, ઊટીનો ઓરિજિનલ હાર્ટબ્રેક કિડ. કદાચ મેં આ પહેલાં શૅર નથી કર્યું, પરંતુ અક્ષય ખન્ના લૉરેન્સ સ્કૂલ, લવડેલમાં મારાથી થોડાં વર્ષ સિનિયર હતો. અહીં હું મારા ભાઈ મેજર અલી શાહ સાથે બોર્ડિંગ સ્કૂલમાં રહેતી હતી. એક દિવસ સ્કૂલના કૉરિડોરમાં ભારે ઉત્સાહનો માહોલ હતો. ચર્ચા હતી કે વિનોદ ખન્નાનો દીકરો અગિયારમા ધોરણમાં ઍડ્મિશન લઈ રહ્યો છે. અમે બધા તેના વિશે જાણવા ઉત્સુક હતા. આગલાં બે વર્ષ સુધી અમે તેને રોજ જોતા રહ્યા. તે ક્યારેક અમારી પાસેથી પસાર થતો, ક્યારેક કૅમ્પસમાં ફરતો, તો ક્યારેક કૅન્ટીનમાંથી બહાર નીકળતો જોવા મળતો. સાચું કહું તો તે સ્કૂલનો ક્રશ હતો.’
સાયરાએ ટીનેજ અક્ષયને વર્ણવતાં લખ્યું હતું કે ‘તે સામાન્ય રીતે ફેમસ સિનિયર વિદ્યાર્થીઓથી અલગ હતો. અક્ષય ફુટબૉલ ટીમનો ધમાલ મચાવતો કૅપ્ટન નહોતો, પણ એક શાંત તોફાન હતો. તે ઓછું બોલતો અને ગંભીર સ્વભાવનો હતો, પણ તેને જોઈને સ્કૂલમેટ્સના દિલમાં હલચલ થતી રહેતી. અક્ષય એક મિસ્ટરીમૅન હતો. તે ક્યારેય સ્કૂલની સોશ્યલ ઇવેન્ટ્સમાં ભાગ નહોતો લેતો કે મોટા ગ્રુપમાં પણ દેખાતો નહોતો. તે માત્ર લૉનમાં ચા પીતો કે સ્કૂલ-કૅમ્પસમાં એકલો ફરતો જોવા મળતો. તે કૅમ્પસનો સૌથી પૉપ્યુલર સિનિયર હતો. અક્ષયના પિતા વિનોદ ખન્ના અને સાવકી માતા ઘણી વાર તેને મળવા આવતાં હતાં.’