‘બાઝીગર’ હાથમાંથી નીકળી જવાનો વસવસો આજે પણ છે દીપક તિજોરીને

26 February, 2023 12:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

​દીપક તિજોરીને આજે પણ એ વાતનો વસવસો છે કે તેના હાથમાંથી ‘બાઝીગર’ જતી રહી.

‘બાઝીગર’ હાથમાંથી નીકળી જવાનો વસવસો આજે પણ છે દીપક તિજોરીને

​દીપક તિજોરીને આજે પણ એ વાતનો વસવસો છે કે તેના હાથમાંથી ‘બાઝીગર’ જતી રહી. આ ફિલ્મનો ઓરિજિનલ આઇડિયા દીપક તિજોરીએ ફિલ્મમેકર જોડી અબ્બાસ-મસ્તાનને આપ્યો હતો. આ ફિલ્મ ‘અ કિસ બિફોર ડાઇંગ’ની હિન્દી રીમેક છે. જોકે ‘બાઝીગર’ દીપક તિજોરીને બદલે શાહરુખ ખાનને આપવામાં આવી હતી. આ ફિલ્મે શાહરુખને સ્ટાર બનાવી દીધો હતો. એ આખી ઘટના વિશે દીપક તિજોરીએ કહ્યું કે ‘મેં ‘અ કિસ બિફોર ડાઇંગ’ જોઈ હતી અને એની આખી સ્ક્રિપ્ટ મેં અબ્બાસ-મસ્તાનને સંભળાવી હતી. તેમને પણ એ ગમી હતી. એ વખતે હું મારા વિશે પણ વિચારતો હતો અને મેં તેમને જણાવ્યું કે એ ફિલ્મના વિલનનો રોલ હું કરીશ.’ 
ત્યારે પ્રોડ્યુસર પહલાજ નિહલાનીએ પણ આ ફિલ્મમાં રસ દેખાડ્યો. એ વિશે દીપક તિજોરીએ કહ્યું કે ‘તેમણે મને જણાવ્યું કે આપણે એના પર ફિલ્મ બનાવીશું. તેમણે લીડ ઍક્ટ્રેસ વિશે પૂછ્યુ તો મેં કહ્યું કે પૂજા ડબલ રોલ કરશે. તેમની પાસે તેમના ડિરેક્ટર્સ પણ હતા એવું તેમણે જણાવ્યું હતું ત્યારે મેં તેમને કહ્યું કે અબ્બાસ-મસ્તાન આ ફિલ્મ ડિરેક્ટ કરશે.’
ત્યાર બાદ પહલાજ નિહલાની અને અબ્બાસ-મસ્તાનની મુલાકાત થઈ હતી. તેમણે ‘બાઝીગર’ શાહરુખ ખાનને આપી દીધી હતી. બાદમાં દીપક તિજોરીને અબ્બાસ-મસ્તાને કહ્યું કે ‘દીપકજી, ગલતી હો ગયી હૈ. અમે એની ભરપાઈ કરીશું. ભવિષ્યમાં આપણે સાથે કામ કરીશું.’
એ વિશે દીપક તિજોરીએ કહ્યું કે ‘મને એ વાતનું ખૂબ દુ:ખ લાગ્યું કે મારે આ ફિલ્મમાં કામ કરવું હતું, પણ ન કરી શક્યો. એ વખતે ઇન્ડસ્ટ્રીમાં સામાન્ય શબ્દો હોય છે કે ક્યારેક એની ભરપાઈ કરીશું, પણ એની ભરપાઈ કદી નથી થતી.’

bollywood news entertainment news Shah Rukh Khan baazigar