22 March, 2025 07:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એશા દેઓલ અને અજય દેવગન ફાઇલ તસવીર
ડિવૉર્સ પછી ફરી ફિલ્મોમાં આવી ગઈ છે એશા દેઓલ, આજે રિલીઝ થાય છે નવી ફિલ્મ.
હેમા માલિની અને ધર્મેન્દ્રની દીકરી એશા દેઓલ ડિવૉર્સ પછી પહેલી વાર ફિલ્મમાં આવી રહી છે. એશાની ફિલ્મ ‘તુમકો મેરી કસમ’ આજે થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે. મોટી સ્ક્રીન પર તે ૧૪ વર્ષે પાછી ફરી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે અદા શર્મા, અનુપમ ખેર અને ઇશ્વક સિંહ છે. વિક્રમ ભટ્ટ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ દેશભરમાં ઇન્દિરા IVF નામનાં ફર્ટિલિટી ક્લિનિક્સ શરૂ કરનાર ડૉ. અજય મુરડિયાના જીવન પર આધારિત હોવાનું કહેવાય છે.
આ ફિલ્મના પ્રમોશન દરમ્યાન એશાને તેણે કરીઅરની શરૂઆતનાં વર્ષોમાં પોતાના વિશે સાંભળેલી સૌથી વિચિત્ર અફવા વિશે પૂછવામાં આવેલું. આ સવાલના જવાબમાં એશાએ કહેલું, ‘એ વખતે મારા ઘણા હીરો સાથે મારું નામ જોડવામાં આવેલું. એમાંથી કેટલીક વાતો સાચી હશે, પણ મોટા ભાગની ખોટી હતી. મને એ વખતે અજય દેવગન સાથે લિન્ક કરવાની કોશિશ પણ કરવામાં આવી હતી. અજય સાથે મારો ખૂબ જ સુંદર અને અલગ જ પ્રકારનો બૉન્ડ છે. આ બૉન્ડમાં એકબીજા માટે આદર, પ્રેમ અને પ્રશંસા છે. એટલે અજય સાથે મારું નામ જોડાયું એ ખૂબ જ વિચિત્ર અફવા હતી.’
આવું શા માટે થયું હશે એનું કારણ જણાવતાં એશા કહે છે, ‘એ વખતે અમે ઘણી ફિલ્મોમાં સાથે કામ કરી રહ્યાં હતાં એટલે ઘણી સ્ટોરીઓ ઊપજાવી કાઢવામાં આવી હતી.’
અજય અને એશાએ ‘યુવા’, ‘મૈં ઐસા ક્યોં હૂં’, ‘કાલ’, ‘ઇન્સાન’ અને ‘કૅશ’માં સાથે કામ કર્યું હતુ. ૨૦૨૨માં તેઓ વેબ-સિરીઝ ‘રુદ્ર’માં પાછાં ભેગાં થયાં હતાં.
૨૦૦૨માં આવી હતી બૉલીવુડમાં એશા દેઓલ
૪૩ વર્ષની એશા દેઓલે ૨૦૦૨માં ‘કોઈ મેરે દિલ સે પૂછે’ ફિલ્મથી બૉલીવુડમાં પ્રવેશ કર્યો હતો. એ ફિલ્મમાં તેનો હીરો આફતાબ શિવદાસાણી હતો. એશાએ ૨૦૧૨માં બિઝનેસમૅન ભરત તખ્તાણી સાથે લગ્ન કર્યાં હતાં, જેનાથી તેમને બે બાળકો છે. એશા અને ભરતના ગયા વર્ષે ડિવૉર્સ થયા હતા.