૧૦૦૦થી વધુ છોકરીઓનાં ઑડિશન જોઈને પછી પસંદ થઈ હતી યલિના જમાલી

31 March, 2026 11:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ધુરંધર : ધ રિવેન્જના કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબડાએ સારાની સિલેક્શન પ્રક્રિયા જણાવી

સારાના ઑડિશને ડિરેક્ટર આદિત્ય ધરને તરત જ પ્રભાવિત કરી દીધો હતો

‘ધુરંધર : ધ રિવેન્જ’  હાલમાં બૉક્સ-ઑફિસ પર ધૂમ મચાવી રહી છે. ફિલ્મમાં રણવીર સિંહે હમઝા ઉર્ફ જસકિરતનું પાત્ર ભજવ્યું છે, જ્યારે સારા અર્જુને તેની પત્ની યલિના જમાલીનું પાત્ર નિભાવ્યું છે. હાલમાં ફિલ્મના કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબડાએ ફિલ્મમાં સારાની પસંદગીની પ્રક્રિયા જણાવતાં કહ્યું હતું કે ૧૦૦૦થી વધુ છોકરીઓનાં ઑડિશન જોઈને આ રોલ માટે સારાની પસંદગી કરવામાં આવી હતી.

મુકેશ છાબડાએ ખુલાસો કર્યો હતો કે ફિલ્મ માટે સારાના ઑડિશને ડિરેક્ટર આદિત્ય ધરને તરત જ પ્રભાવિત કરી દીધો હતો અને આદિત્યએ ઑડિશન જોઈને તરત પૂછ્યું, ‘આ કોણ છે?’ અને ત્યાર બાદ સારાને આ મહત્ત્વપૂર્ણ રોલ મળી ગયો.

મુકેશ છાબડાએ જણાવ્યું હતું કે ‘યલિનાના પાત્ર માટે એકદમ નવા ચહેરાની શોધ ચાલી રહી હતી. શરૂઆતમાં કેટલીક જાણીતી અભિનેત્રીઓ વિશે વિચાર કરવામાં આવ્યો હતો, પરંતુ ટીમનું ફોકસ એક ફ્રેશ ફેસ પર હતું. અમને ખાસ સૂચના આપવામાં આવી હતી કે આ પાત્ર માટે કોઈ એવો ચહેરો પસંદ કરવો જે દર્શકોને સંપૂર્ણ નવો લાગે. શરૂઆતમાં ટીમને થોડી શંકા હતી કે સારા આ પાત્ર માટે ઉંમરમાં કદાચ નાની લાગશે, પણ પછી વિચારવામાં આવ્યું કે વાર્તા મુજબ આ યોગ્ય લાગશે. અંતે સારાના જબરદસ્ત ઑડિશનને કારણે તેને પસંદ કરવામાં આવી.’

dhurandhar sara arjun mukesh chhabra aditya dhar entertainment news bollywood bollywood news