10 June, 2026 11:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર : ધ રિવેન્જ’
રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર : ધ રિવેન્જ’એ સિનેમાઘરોમાં ધૂમ મચાવ્યા બાદ હવે OTT પર પણ જબરદસ્ત સફળતા મેળવી છે. તાજેતરમાં ફિલ્મ જિયોહૉટસ્ટાર પર સ્ટ્રીમ થઈ રહી છે અને રિલીઝ થતાં જ તેને દર્શકો તરફથી ભારે પ્રતિસાદ મળ્યો છે. ઓપનિંગ વીકએન્ડમાં જ ફિલ્મે રેકૉર્ડબ્રેક વ્યુઅરશિપ મેળવીને નવો માઇલસ્ટોન સ્થાપ્યો છે. આ ફિલ્મ સતત વ્યુઅરશિપના નવા રેકૉર્ડ બનાવી રહી છે. સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મના જણાવ્યા અનુસાર રિલીઝના પ્રથમ વીકએન્ડમાં જ પાંચ કરોડથી વધુ દર્શકોએ ફિલ્મ જોઈ લીધી હતી. આ સાથે ફિલ્મે OTT પર એક નવો રેકૉર્ડ પોતાના નામે કર્યો છે.
‘ધુરંધર : ધ રિવેન્જ’ હિન્દીની સાથે સાથે તામિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડા ભાષાઓમાં પણ ઉપલબ્ધ છે. અનેક ભાષાઓમાં ઉપલબ્ધ હોવાને કારણે ફિલ્મને દેશભરના વિવિધ વિસ્તારોમાં મોટી સંખ્યામાં દર્શકો મળ્યા છે. ફિલ્મ સાથે જોડાયેલી એક રસપ્રદ માહિતી પણ સામે આવી છે. કુલ વૉચ-ટાઇમમાંથી આશરે ૬૦ ટકા હિસ્સો કનેક્ટેડ ટીવી ડિવાઇસિસ દ્વારા આવ્યો છે. આ આંકડો દર્શાવે છે કે હવે દર્શકો OTT કન્ટેન્ટને માત્ર મોબાઇલ કે લૅપટૉપ પર નહીં પણ પરિવાર સાથે મોટી સ્ક્રીન પર જોવાનું વધુ પસંદ કરી રહ્યા છે.