05 January, 2022 01:04 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
દીપિકા પાદુકોણ અને સિદ્ધાંત ચર્તુવેદી ‘ગહરાઇયાં’માં
દીપિકા પાદુકોણ (Deepika Padukone)નો આજે એટલે કે ૫ જાન્યુઆરીના રોજ જન્મદિવસ છે. અભિનેત્રીના જન્મદિવસે ઍમેઝૉન પ્રાઇમ (Amazon Prime)એ ફેન્સને ગિફ્ટ આપી છે. દીપિકાની આવનારી ફિલ્મ ‘ગહરાઇયાં’ (Gehraiyaan)નું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. સાથે જ ફિલ્મની તારીખ લંબાઈ હોવાની પણ જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ, અનન્યા પાન્ડે અને સિદ્ધાંત ચતુર્વેદીની ‘ગહરાઇયાં’ ૨૫ જાન્યુઆરીએ ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થવાની હતી. પરંતુ હવે ૧૧ ફેબ્રુઆરીએ રિલીઝ થશે. પ્રાઇમ વીડિયો પર વિશ્વના ૨૪૦ દેશોમાં તેનું ડિજિટલ પ્રીમિયર થશે.
પ્રાઇમ વિડિયોએ દીપિકા પાદુકોણના બર્થડે નિમિત્તે ફિલ્મ ‘ગહરાઇયાં’ ના છ નવા પોસ્ટર રિલીઝ કર્યા છે. શકુન બત્રા (Shakun Batra)ની આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ, અનન્યા પાન્ડે (Ananya Panda) અને સિદ્ધાંત ચતુર્વેદી (Siddhant Chaturvedi)ની સાથે ધૈર્ય કારવા (Dhairya Karwa), નસીરુદ્દીન શાહ (Naseeruddin Shah) અને રજત કપૂર (Rajat Kapoor) પણ જોવા મળશે. આ ફિલ્મને કરણ જોહરે વાયકૉમ 18 સાથે મળીને પ્રોડ્યુસ કરી છે. ફિલ્મની સ્ટોરી મૉડર્ન રિલેશનશિપ પર આધારિત છે.
ફિલ્મના નવા પોસ્ટરમાં, તેના મુખ્ય કલાકારો દીપિકા પાદુકોણ, સિદ્ધાંત ચતુર્વેદી, અનન્યા પાંડે અને ધૈર્ય કરવા જોવા મળે છે.
સૌપ્રથમ દીપિકા પાદુકોણે તેના સોશ્યલ મીડિયા પર આ પોસ્ટર્સ શૅર કર્યા હતા અને લખ્યું હતું કે, ‘તમારા ધૈર્ય અને ઘણા પ્રેમ માટે, આ ખાસ દિવસે તમારા બધા માટે આ એક ખાસ ભેટ છે.’
એક મુલાકાતમાં ફિલ્મને લઈને શકુન બત્રાએ કહ્યું હતું કે ‘મારા માટે ‘ગહરાઇયાં’ માત્ર ફિલ્મ નથી. એ તો સંબંધોની આંટીઘૂંટી છે. એમાં મૉડર્ન ઍડલ્ટ રિલેશનશિપનો આઇનો છે. કેવી રીતે આપણે સંવેદના, લાગણીઓમાંથી પસાર થઈએ છીએ. દરેક પગલું, દરેક નિર્ણય કેવી રીતે આપણા પર અને આપણી આસપાસના લોકો પર અસર કરે છે એ દેખાડવામાં આવશે.’
ફિલ્મને લઈને કરણ જોહરે કહ્યું હતું કે ‘ફિલ્મ ‘ગહરાઇયાં’ મૉડર્ન રિલેશનશિપનું એક આક્રમક, ખરું અને પ્રામાણિક નિરીક્ષણ છે. વ્યક્તિઓના ભાવને નિખારવા માટે શકુને પ્રશંસનીય કામ કર્યું છે.’