21 July, 2023 05:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષય કુમાર
મણિપુરમાં બે મહિલાઓ સાથે થયેલી ભયાવહ ઘટના પર બૉલીવુડ ઊકળ્યું છે. આ ઘટના બે મહિના અગાઉ ઘટી છે. એનો વિડિયો હવે વાઇરલ થયો છે. એ બે મહિલાઓને નિર્વસ્ત્ર કરીને જાહેરમાં પરેડ કરાવવામાં આવી હતી. સાથે જ કેટલાક પુરુષો તેમને ઘસડીને લઈ જતા દેખાય છે. તેમના પર બળાત્કાર પણ કરવામાં આવ્યો હતો. આ વિડિયો વાઇરલ થતાં જોનારાનાં દિલ કંપી ગયાં છે અને સૌકોઈ એક જ માગણી કરે છે કે દોષીઓને એવી સખત સજા આપવામાં આવે કે ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય. આ ઘટનાને લઈને બૉલીવુડે બળાપો કાઢ્યો છે.
કોણે શું કહ્યું?
મણિપુરમાં મહિલાઓ સાથે થયેલી હિંસાની ઘટનાનો વિડિયો જોઈને ધ્રૂજી ગયો છું. દોષીઓને એવી કડક સજા આપવામાં આવે કે આવી ભયાનક વસ્તુ કરવાનો કોઈ વિચાર સુધ્ધાં ન કરે.
- અક્ષયકુમાર
મણિપુરના વિડિયોએ દરેકને હચમચાવી નાખ્યા છે. આ મહિલાઓની નહીં, પરંતુ માનવતાની પરેડ કાઢવામાં આવી છે.
- સોનુ સૂદ
મણિપુરનો એ ભયાનક વિડિયો જોઈને સ્તબ્ધ થઈ છું, ધ્રૂજી ગઈ છું. આ ઘટના મેમાં ઘટી છે અને હજી સુધી એના પર કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી. સત્તામાં બેઠેલા લોકો પર ધિક્કાર છે. મીડિયાના જોકર્સ તેમનાં તળિયાં ચાટે છે, સેલિબ્રિટીએ પણ મૌન રાખ્યું છે. પ્રિય ભારતીયો, આપણે આટલી હદ સુધી ક્યારે પહોંચી ગયા?
- ઊર્મિલા માતોંડકર
હું પ્રાર્થના કરું છું કે એ મહિલાઓને વહેલાસર ન્યાય મળે. સાથે જ દોષીઓને કડક સજા મળે.
- કિયારા અડવાણી
સ્ત્રીનું શોષણ, તેમના પર કરવામાં આવેલો અત્યાચાર, તેમનું દમન અને તેમનું અપમાન આખી માનવજાતિ પર એક કલંક છે : આશુતોષ રાણા
ઇતિહાસ સાક્ષી છે જ્યારે પણ મહિલાનું હરણ કે પછી ચીરહરણ કરવામાં આવે છે ત્યારે આખી માનવજાતિને એની કિંમત ચૂકવવી પડે છે. સત્ય, તપ, પવિત્રતા અને દાન આ ધર્મનાં ચાર ચરણ હોય છે. એવી જ રીતે લોકશાહીનાં પણ વિધાયિકા, કાર્યપાલિકા, ન્યાયપાલિકા અને પત્રકારિતારૂપી ચાર ચરણ હોય છે. લોકશાહીના આ ચાર સ્તંભને એકબીજા સાથે કદમથી કદમ મિલાવીને ચાલવું પડશે. ત્યારે જ આવાં અમાનુષી કૃત્યોને પ્રલયના તાપથી મુક્ત કરી શકાશે. હવે સમય આવી ગયો છે જ્યારે રાજકીય દળો અને રાજનેતાઓને, મીડિયા હાઉઝિસ અને મીડિયાકર્મીઓને મતમતાંતર, આરોપ-પ્રત્યારોપને ભૂલીને રાષ્ટ્રકલ્યાણ, લોકકલ્યાણ માટે સામૂહિક રૂપે કામ કરવાનું રહેશે. આ દેશ સૌનો છે અને દેશવાસીઓના રક્ષણ, પોષણ, સંવર્ધન માટે દેશ વચનબદ્ધ છે. આપણે એ વસ્તુ યાદ રાખવી જોઈએ કે સ્ત્રીનું શોષણ, તેમના પર કરવામાં આવેલો અત્યાચાર, તેમનું દમન અને તેમનું અપમાન આખી માનવજાતિ પર એક કલંક સમાન છે.