18 December, 2022 02:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘પઠાન’ પર વીફર્યું મુસ્લિમ બોર્ડ
દેશમાં ‘પઠાન’ને લઈને એક પ્રકારનો આક્રોશ ફાટી નીકળ્યો છે. કર્ણાટકની શ્રીરામ સેના, વિશ્વ હિન્દુ પરિષદ અને અનેક રાજકીય પાર્ટીઓએ પણ ફિલ્મના ગીતને લઈને ગુસ્સો વ્યક્ત કર્યો છે. એ કડીમાં હવે મધ્ય પ્રદેશના મુસ્લિમ બોર્ડે પણ રોષ વ્યક્ત કર્યો છે. ‘પઠાન’ આવતા વર્ષે પચીસમી જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. ફિલ્મમાં શાહરુખ ખાન, દીપિકા પાદુકોણ અને જૉન એબ્રાહમ લીડ રોલમાં છે. ફિલ્મને લઈને ઉલેમા બોર્ડના પ્રેસિડેન્ટ સૈયદ અનસે કહ્યું કે ‘પઠાન, મુસ્લિમોમાં એક સન્માનનીય સમાજ છે. માત્ર પઠાન જ નહીં, પરંતુ આખો મુસ્લિમ સમાજ આ ફિલ્મની વિરુદ્ધ છે. ફિલ્મનું નામ ‘પઠાન’ છે અને મહિલા અશ્લીલ ડાન્સ કરતી જોવા મળી રહી છે. ‘પઠાન’ને ફિલ્મમાં ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો છે. મેકર્સે ફિલ્મનું નામ અને શાહરુખે પોતાના કૅરૅક્ટરનું નામ બદલવું જોઈશે. ત્યાર બાદ તમારે જે કરવું હોય એ કરી શકો છો. ત્યાં સુધી અમે ફિલ્મને રિલીઝ નહીં થવા દઈએ. અમે કાયદાકીય કાર્યવાહી કરીશું અને એફઆઇઆર પણ દાખલ કરીશું. મુસ્લિમ સમાજની લાગણી પણ આનાથી દુભાઈ છે. અમે માત્ર મધ્ય પ્રદેશમાં જ નહીં, આખા દેશમાં આ ફિલ્મ રિલીઝ નહીં થવા દઈએ.`
‘પઠાન’ના ‘બેશરમ રંગ’ ગીતના ચાલી રહેલા વિરોધ વચ્ચે કન્નડની ફેમસ ઍક્ટ્રેસ અને ભૂતપૂર્વ સંસદસભ્ય રામ્યાએ દીપિકા પાદુકોણનો સપોર્ટ કર્યો છે. આ ફિલ્મનું ગીત જ્યારથી રિલીઝ થયું છે ત્યારથી એને લઈને વિવાદનો વંટોળ ઊઠ્યો છે. ગીતમાં તેણે પહેરેલા કેસરી ડ્રેસને લઈને અનેક હિન્દુ સંગઠનોએ વાંધો ઉઠાવ્યો છે. મહિલાઓને જ ટાર્ગેટ કરવામાં આવે છે એ વિશે ટ્વિટર પર રામ્યાએ ટ્વીટ કર્યું કે ‘સમન્થાને તેના ડિવૉર્સને લઈને ટ્રોલ કરવામાં આવી, સઈ પલ્લવીને તેનાં મંતવ્યોને લઈને, રશ્મિકાને તેના બ્રેક-અપને લઈને, દીપિકાને તેનાં કપડાંને લઈને અને આવી રીતે અનેક મહિલાઓને અનેક બાબતસર ટ્રોલ કરવામાં આવી રહી છે. ફ્રીડમ ઑફ ચૉઇસ એ આપણો મૂળભૂત અધિકાર છે. મહિલાઓને મા દુર્ગાનું રૂપ માનવામાં આવે છે, પરંતુ આપણે આ ખરાબ ભાવના વિરુદ્ધ લડવાનું રહેશે.’