26 May, 2026 10:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભાગ્યશ્રીએ ‘રાજા શિવાજી’માં તેનાથી ૧૦ વર્ષ નાના રિતેશ દેશમુખની માતાનો રોલ ભજવીને બધાને ચોંકાવી દીધા હતા
ભાગ્યશ્રીએ બ્લૉકબસ્ટર ‘રાજા શિવાજી’માં તેનાથી ૧૦ વર્ષ નાના રિતેશ દેશમુખની માતાનો રોલ ભજવીને બધાને ચોંકાવી દીધા હતા. ભાગ્યશ્રીએ આ ફિલ્મમાં છત્રપતિ શિવાજી મહારાજનાં માતા રાજમાતા જીજાબાઈનો રોલ કર્યો છે. હાલમાં ભાગ્યશ્રીએ આ ફિલ્મમાં તેનાથી માત્ર ૧૦ વર્ષ નાના રિતેશ દેશમુખની માતા બનવાનું સ્વીકારવાનાં કારણોની ચર્ચા કરી છે.
ફિલ્મમાં પોતાના રોલ વિશે વાત કરતાં ભાગ્યશ્રીએ કહ્યું, ‘જીજાબાઈનું પાત્ર ભજવતી વખતે ઉંમર મારા માટે ક્યારેય મુદ્દો નહોતો. જ્યારે તમને એવું પાત્ર ભજવવાની તક મળે જેના કિસ્સાઓ સાંભળીને તમે મોટા થયા હો ત્યારે ના કહેવાનો સવાલ જ નથી. મરાઠા શાસકની વાર્તાઓ મારા ઉછેરનો ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભાગ હતી. અમને શિવાજી મહારાજની વાર્તાઓ બાળપણમાં બહુ પહેલાંથી જ સંભળાવવામાં આવતી હતી. બાળકો દરિયાકિનારે રેતીના કિલ્લા બનાવતા જ્યારે અમે માટી અને કાદવથી શિવાજીનો કિલ્લો બનાવતા.’
ભાગ્યશ્રીએ તાજેતરમાં સોશ્યલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે હાલમાં આકરી ગરમીથી બચવા માટે હું કાશ્મીર ઊપડી ગઈ છું. શનિવારે ભાગ્યશ્રીએ સોશ્યલ મીડિયા પર વિડિયો શૅર કર્યો હતો જેમાં તે પતિ હિમાલય દાસાણી સાથે રોમૅન્ટિક ગીત ‘ઓ મેરે સોના’ પર ડાન્સ કરતી જોવા મળી હતી. આ વિડિયોમાં બરફથી ઢંકાયેલા સુંદર પહાડો જોવા મળ્યા હતા. આ પોસ્ટ શૅર કરતાં ભાગ્યશ્રીએ લખ્યું હતું, ‘ગરમી એટલી છે કે હવે તો માત્ર કાશ્મીર જ જોઈએ! મને બરફ જોઈએ. તમને નથી જોઈતો?’