09 May, 2023 03:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આયુષમાન ખુરાના
આયુષમાન ખુરાનાએ ભારતીય સિનેમામાં આપેલા યોગદાન બદલ પંજાબ યુનિવર્સિટી તેને સન્માનિત કરવાની છે. ૨૦ મેએ ચંડીગઢમાં તેને અવૉર્ડ આપવામાં આવશે. એ દરમ્યાન તે સ્ટુડન્ટ્સ સાથે પણ ખાસ વાતચીત કરવાનો છે. ભારતને વિશ્વ સ્તરે ગર્વ અપાવ્યો છે એવા લોકોને પંજાબ યુનિવર્સિટી સન્માનિત કરવાની છે. એમાં ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ, ભારતી એન્ટરપ્રાઇઝિસના સીઈઓ સુનીલ ભારતી મિત્તલ, જર્નલિસ્ટ શેખર ગુપ્તા અને એક્સ-આઇપીએસ ઑફિસર કિરણ બેદીનો પણ સમાવેશ છે. પોતાને મળનાર આ સન્માન તેના માટે વિશેષ છે એવું જણાવતાં આયુષમાન ખુરાનાએ કહ્યું કે ‘ભૂતકાળમાં પણ મને TIME મૅગેઝિન, ફૉર્બ્સ અને સૌથી પ્રતિષ્ઠિત નૅશનલ અવૉર્ડથી નવાજવામાં આવ્યો છે. જોકે મારી અલ્મા મૅટર મને સન્માનિત કરવાની હોવાથી મારા માટે એ અતિશય સ્પેશ્યલ છે. પંજાબ યુનિવર્સિટીમાં ભણતી વખતે એ જાણીને આશ્ચર્યચકિત થતો હતો કે મારા સિનિયર્સ નૅશનલ આઇકન્સ બની ગયા છે અને રાજ્ય તથા દેશને ગર્વ પમાડી રહ્યા છે. મારા માટે સન્માનની વાત છે કે હું આ પ્રતિષ્ઠિત ઇન્સ્ટિટ્યુશનમાં ભણ્યો અને બ્રિલિયન્ટ ટીચર્સે મારું માર્ગદર્શન કર્યું. આ ઇન્સ્ટિટ્યુશન દ્વારા મને માર્ગદર્શન આપવામાં આવ્યું, મને ઘડવામાં આવ્યો અને વિશ્વમાં મારી શરતો મુજબ જીવી શકું એટલો સશક્ત બનાવવામાં આવ્યો. હું આજે જે કાંઈ છું એનું શ્રેય એને જાય છે. મેં ત્યારે જ મનમાં નિર્ધાર કરી લીધો હતો કે હું પણ મારા સિનિયર્સની જેમ બનવાનો પ્રયાસ કરીશ અને એક દિવસ મારી અલ્મા મૅટરને ગર્વિત કરીશ.’
યુનિવર્સિટીમાં જૂની યાદો તાજી થશે એ વિશે આયુષમાને કહ્યું કે ‘મને એહસાસ થયો છે કે ફિલ્મોમાં ઓરિજિનાલિટીને જાળવી રાખવાની મારી જવાબદારી છે અને આ અવૉર્ડ મને મારા હંમેશાં હટકે કામ કરવાના ઊંચા લક્ષ પરથી ડગમગી ન જાઉં એ માટે મદદ કરશે. હું એ કૉન્વોકેશન સેરેમનીને લઈને ઉત્સુક છું. હું જાણું છું કે એ અવસરને હું ખૂબ માણીશ કેમ કે એ મારા યુનિવર્સિટીના દિવસોની યાદોને તાજી કરશે.’