21 January, 2026 11:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
બૉલીવુડમાં ફિલ્મ ‘ગજની’થી ઓળખ બનાવનાર અસિન હવે અભિનયની દુનિયાથી દૂર થઈ ચૂકી છે. અસિને ઉદ્યોગપતિ રાહુલ શર્મા સાથે લગ્ન કર્યાં છે. અસિન અને રાહુલનાં લગ્નને હવે ૧૦ વર્ષ પૂર્ણ થયાં છે અને લગ્નની વર્ષગાંઠના અવસરે રાહુલે પત્ની માટે એક ખાસ પોસ્ટ શૅર કરી છે. તેણે વેડિંગ ગાઉનમાં અસિનની એક ખાસ તસવીર શૅર કરી છે, જે સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે.
રાહુલ અને અસિન ૨૦૧૬માં લગ્નના બંધનમાં બંધાયાં હતાં. લગ્નના એક વર્ષ પછી જ અસિન દીકરીની મમ્મી બની ગઈ હતી. હવે આ કપલે પોતાની ૧૦મી લગ્ન વર્ષગાંઠ શાનદાર રીતે ઊજવી છે. પોતાના સોશ્યલ મીડિયામાં પત્નીની તસવીરો શૅર કરીને રાહુલે લખ્યું છે કે ‘દસ ખુશીઓથી ભરેલાં વર્ષો. મારી જિંદગીમાં જે કંઈ મહત્ત્વનું છે એમાં તે મારી સૌથી શાનદાર કો-ફાઉન્ડર છે અને હું પોતાને ભાગ્યશાળી માનું છું કે મને તેની ફિલ્મમાં કો-સ્ટાર તરીકે કાસ્ટ કરવામાં આવ્યો! ૧૦મી ઍનિવર્સરી મુબારક, માય લવ. તું આપણા ઘર અને મારા દિલને એક ઝડપથી વિકાસ પામી રહેલા સ્ટાર્ટઅપની જેમ ચલાવે છે અને હું દરરોજ તારી જિંદગીના સેટ પર હાજર રહીશ. સાથે મળીને એક શાનદાર ભવિષ્યની કામના કરું છું.’