19 March, 2025 06:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમિતાભ બચ્ચન
ઍક્ટર અમિતાભ બચ્ચન અત્યાર સુધી ‘કૌન બનેગા કરોડપતિ 16’ના શૂટિંગમાં વ્યસ્ત હતા. હવે આ શો પૂરો થયો છે અને તેમની કમાણી વિશે મોટી માહિતી સામે આવી છે. આ સિવાય અમિતાભ છેલ્લા કેટલાક સમયથી પ્રૉપર્ટીની ખરીદી અને વેચાણમાં વ્યસ્ત રહ્યા છે. જાન્યુઆરીમાં તેમણે અયોધ્યામાં પિતા હરિવંશ રાય બચ્ચનના સ્મારક માટે જમીન પણ ખરીદી હતી. આ સિવાય ૮૨ વર્ષના અમિતાભ આજે પણ બ્રૅન્ડ-ઍમ્બૅસેડર તરીકે ઘણી બ્રૅન્ડ્સની પહેલી પસંદ છે. એક રિપોર્ટ મુજબ અમિતાભ બચ્ચને ફાઇનૅન્શ્યલ વર્ષ ૨૦૨૪-’૨૫માં લગભગ ૩૫૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે જેના પર ૧૨૦ કરોડ રૂપિયાનો ટૅક્સ લાગે છે. મળતી માહિતી પ્રમાણે અમિતાભ બચ્ચને ૨૦૨૫ની ૧૫ માર્ચે ૫૨.૪૦ કરોડ રૂપિયાનો ઍડ્વાન્સ ટૅક્સનો છેલ્લો હપ્તો ભરેલો છે. તેઓ સમયસર તમામ ટૅક્સ ચૂકવે છે અને સૌથી વધુ ટૅક્સ ચૂકવનાર સેલિબ્રિટીઓમાંથી એક છે.