આલિયા ભટ્ટ હવે બાળકો માટે કલ્પનાશીલ વાર્તાઓ બનાવશે

16 March, 2026 10:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઍક્ટ્રેસે પોતાની ૩૩મી વર્ષગાંઠે એક નવી શરૂઆતની જાહેરાત કરી

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટે પોતાની પ્રોડક્શન-કંપની ‘ઇટર્નલ સનશાઇન પ્રોડક્શન્સ’ હેઠળ બાળકો માટે એક નવી શરૂઆત કરી છે. ગઈ કાલે આલિયાની ૩૩મી વર્ષગાંઠ હતી અને આ ખાસ અવસરે તેણે ‘ઇટર્નલ કિડ્સ’ નામનું નવું સેગમેન્ટ લૉન્ચ કરવાની જાહેરાત કરી છે. આ પહેલ દ્વારા બાળકો માટે મજેદાર, હૃદયસ્પર્શી અને કલ્પનાશીલ વાર્તાઓ બનાવવામાં આવશે. આલિયાએ સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરીને જણાવ્યું હતું કે નવા સેગમેન્ટ હેઠળ ઘણા પ્રોજેક્ટ્સ પર પહેલેથી જ કામ શરૂ થઈ ગયું છે અને આ પહેલ માટે પહેલેથી જ ૩ રસપ્રદ પ્રોજેક્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પહેલનો પહેલો પ્રોજેક્ટ ‘There’s C and G and M’ નામની વાર્તા છે જે આલિયાના દાદાએ બનાવેલાં પાત્રો અને વાર્તાઓથી પ્રેરિત છે. આલિયાએ જણાવ્યું હતું કે આ વાર્તાઓ તેમના બાળપણનો ખૂબ ખાસ ભાગ રહી છે.  

આ બૅનર હેઠળ બીજો પ્રોજેક્ટ ‘OOLANGOO’ પણ લૉન્ચ કરવામાં આવ્યો છે. આલિયાએ જણાવ્યું હતું કે ‘આ એક એવા રહસ્યમય જીવ વિશેની વાર્તા છે જે એટલો અનોખો છે કે તેની વાત કરવા માટે તેની મમ્મીએ તેને માટે એક નવો શબ્દ બનાવવો પડ્યો હતો. ખાસ વાત એ છે કે આ વાર્તા આલિયાની મમ્મીએ જ લખી છે.

ત્રીજો પ્રોજેક્ટ ‘Adventures of Ed-a-Mamma’ની દુનિયાને આગળ વધારશે. આ પ્રોજેક્ટ બાળકોનાં પુસ્તકો પર આધારિત છે જે આલિયાની બાળકોનાં કપડાંની બ્રૅન્ડ Ed‑a‑Mammaથી પ્રેરિત છે. હવે પ્રોડક્શન-હાઉસ એને એક સિરીઝમાં રૂપાંતરિત કરવાની યોજના બનાવી રહ્યું છે અને ભવિષ્યમાં આના પર વધુ પુસ્તકો પણ લાવવામાં આવશે.

alia bhatt entertainment news bollywood bollywood news