14 February, 2023 03:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ
અક્ષયકુમારે તેના છોટે મિયાં એટલે કે ટાઇગર શ્રોફની ખૂબ જ તારીફ કરી છે. તેઓ જૅકી ભગનાણી દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી ઍક્શન ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’નું શૂટિંગ કરી રહ્યા છે. અક્ષયકુમારે ગઈ કાલે સોશ્યલ મીડિયામાં એક વિડિયો શૅર કર્યો હતો. આ વિડિયોમાં તેને અને ટાઇગરને ફિલ્મની ટીમ સાથે વૉલીબૉલ રમતા જોઈ શકાય છે. આ વિડિયો શૅર કરીને અક્ષયકુમારે કૅપ્શન આપી હતી કે ‘ડિયર ટાઇગર, હું એવો માણસ નથી જે લેટર લખતો હોય. હું એવો માણસ છું જે ક્યારેય પણ કંઈ લખતો નથી. જોકે આજે મને ઇચ્છા થઈ કે હું આ લખું, કારણ કે મારે એક સ્પેશ્યલ પૉઇન્ટ વિશે વાત કરવી હતી. ૩૨ વર્ષ પહેલાં મેં ઍક્શન ફિલ્મ દ્વારા કરીઅરની શરૂઆત કરી હતી. આટલા દાયકામાં મને થયું કે મેં બધું કરી લીધું છે. જોકે આપણા સૌથી મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘બડે મિયાં છોટે મિયાં’ના શૂટિંગના પંદર દિવસની અંદર જ મને એહસાસ થયો કે મારી પરીક્ષા થઈ રહી છે. શારીરિક અને માનસિક બન્ને રીતે. દર્દ, ઈજા, હાડકાંઓ તૂટવા આ બધું મારા માટે નવું નથી. જોકે તેં, અલી અબ્બાસ ઝફરે અને તેની ટીમે બે અઠવાડિયાંની અંદર મને જે રીતે મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર કાઢ્યો છે એ કાબિલેદાદ છે. ભાઈ, રોઝ ફિઝિયોથેરપી ચલ રહી હૈ.
આ પણ વાંચો: જે વર્ષે તારો જન્મ થયો હતો એ વર્ષે મેં ઍક્ટિંગની શરૂઆત કરી હતી : અક્ષયકુમાર
જોકે હું કોઈ ફરિયાદ નથી કરી રહ્યો. લાઇફમાં જાદુ કમ્ફર્ટ ઝોનની બહાર જ છુપાયેલો હોય છે. આપણે જ્યારે કોશિશ કરીએ છીએ ત્યારે નવા દરવાજાઓ ખૂલે છે. આપણે ધારીએ તો પર્વતને પણ હલાવી શકીએ છીએ. જન્મ સમયે પણ આપણને ધક્કો મારીને જ દુનિયામાં લાવવામાં આવે છે. આપણે જ્યારે કોશિશ કરીએ ત્યારે જ લાઇફમાં આગળ વધીએ છીએ. હું મારી લિમિટને પુશ કરવાનું અત્યારે એન્જૉય કરી રહ્યો છું. ખાસ કરીને એવી વ્યક્તિ સાથે, જેનો જન્મ એ જ વર્ષમાં થયો હતો જે વર્ષે મેં કરીઅરની શરૂઆત કરી હતી. ટાઇગર, તારી સાથે ફીલ કરીને મને ખૂબ જ સારું ફીલ થઈ રહ્યું છે. આપણે ખૂબ જ અદ્ભુત સ્ટન્ટ્સ કરી રહ્યા છીએ. આપણે ફિટનેસ વિશે વાતો કરી રહ્યા છીએ. આપણે સાથે વર્કઆઉટ કરીએ છીએ અને ત્યાર બાદ વૉલીબૉલ પણ રમીએ છીએ. હું ખૂબ જ ખુશ છું. અંદરથી હું પોતાને યુવાન ફીલ કરી રહ્યો છું. આ ફિટનેસને લઈને મને હવે એહસાસ થયો છે કે પંચાવન તો ફક્ત મારી બર્થ સર્ટિફિકેટ પર લખેલી ઉંમર છે. ટાઇગર, મને ઇન્સ્પાયર કરવા, મને ચૅલેન્જ કરવા અને મને અંદરથી ખુશ ફીલ કરાવવા બદલ તારો આભાર. તું અને ‘બડે મિયાં છોટે મિયાં’ની આખી ટીમ સાથે મારો પ્રેમ અને આશીર્વાદ છે. - અક્ષય.’
આ વિડિયોને લઈને ટાઇગરે જવાબ આપ્યો હતો કે ‘સર, મને એ વાતની ખુશી છે. મને નથી લાગતું કે મેં અને ટીમે આજ સુધી આટલી મજા સેટ પર કરી હોય. સેટ પર હોય કે પછી ઑફ-સેટ, વૉલીબૉલની કોર્ટ પર પણ અમે અમારી લિમિટને આટલી પુશ કરી હોય એવું મને નથી લાગતું. તમારી એનર્જીને મૅચ કરવી ખાવાના ખેલ નથી. તમારી સાથે આ જર્ની પૂરી કરવા માટે રાહ જોઈ રહ્યો છું. નાઇટ શૂટ્સને સરળ બનાવવા માટે તમારો આભાર અક્ષયસર.’