22 November, 2024 10:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બર્થ-ડે પાર્ટી
ઍક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચને દીકરી આરાધ્યાની તેરમી વર્ષગાંઠની બર્થ-ડે પાર્ટીની તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ હૅન્ડલ પર શૅર કરી છે જેમાં અભિષેક બચ્ચન ગેરહાજર છે.
નવેમ્બર મહિનો ઐશ્વર્યા રાય અને તેના પરિવારના જીવનમાં ખાસ છે, કારણ કે આ મહિનાની પહેલી તારીખે ઐશ્વર્યાનો જન્મદિવસ છે. આ વર્ષ એટલા માટે વધારે ખાસ હતું કારણ કે આરાધ્યા ૧૬ નવેમ્બરે ૧૩ વર્ષની થઈ અને હવે તે ટીનએજમાં પ્રવેશી છે. ઐશ્વર્યા રાયના દિવંગત પિતા કૃષ્ણરાજ રાયની જન્મજયંતી પણ આ મહિનાની ૨૧ તારીખે આવે છે.
બુધવારે રાતે ઐશ્વર્યાએ તેના ઇન્સ્ટાગ્રામ હૅન્ડલ પર તેના પિતા અને દીકરી સાથેની તસવીરો પોસ્ટ કરી હતી. પહેલી થોડી તસવીરોમાં ઐશ્વર્યા અને આરાધ્યા બંધ આંખની મુદ્રામાં દિવંગત કૃષ્ણરાજ રાયની હાર લગાવેલી તસવીર સામે ઊભેલી જોવા મળે છે. ઐશ્વર્યાએ સફેદ સલવાર-સૂટ પહેર્યાં છે. આરાધ્યા અને ઐશ્વર્યાની મમ્મી વૃંદા રાય સાથે તે પિતાની તસવીર સામે હાથમાં બુકે લઈને ઊભેલી જોવા મળે છે. એક તસવીરમાં ઐશ્વર્યાના હાથમાં
બલૂન છે જેના પર લખ્યું છે, ‘આરાધ્યા, હવે સત્તાવાર રીતે તું ટીનેજર બની ગઈ છે.’ આ તસવીરોમાં આરાધ્યાના પિતા અને ઐશ્વર્યા રાયના પતિ અભિષેક બચ્ચનની ગેરહાજરી સ્પષ્ટ દેખાય છે. સોશ્યલ મીડિયા પર વાત ખાસ્સી ચર્ચાસ્પદ બની હતી. જોકે એક વાત એવી પણ વહેતી થઈ હતી કે અભિષેક હાજર હતો પણ ફોટોમાં નહોતો.