28 October, 2023 03:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રિચા ચઢ્ઢા
શાહરુખ ખાન અને ઐશ્વર્યા રાય બચ્ચન બાદ હવે ફ્રેન્ચ સરકાર અને કૉન્સ્યુલ જનરલ ઑફ ફ્રાન્સ ટુ ઇન્ડિયા રિચા ચઢ્ઢાને સન્માનિત કરવાની છે. રિચાએ આપેલા ફિલ્મોના યોગદાનને જોતાં તેને આ પ્રતિષ્ઠિત અવૉર્ડથી નવાજવામાં આવશે. ફ્રેન્ચ સરકાર સિનેમા, આર્ટ્સ અને ફૅશન જગતમાં વિશેષ સ્થાન બનાવનારા લોકોને સન્માનિત કરે છે. રિચાએ પોતાની ટૅલન્ટથી ફિલ્મ જગતમાં ખાસ નામના મેળવી છે. તેણે પોતાની કરીઅર દરમ્યાન સંજય લીલા ભણસાલી, નીરજ ઘેવાન, મીરા નાયર, દિબાકર બૅનરજી અને અનુરાગ કશ્યપ સાથે કામ કર્યું છે. તેની થોડા સમય પહેલાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ફુકરે 3’ સો કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે. એક પ્રોડ્યુસર તરીકે ‘ગર્લ્સ વિલ બી ગર્લ્સ’ને તે પ્રોડ્યુસ કરી રહી છે. ફ્રેન્ચ સરકાર દ્વારા મળનાર સન્માનને લઈને રિચાએ કહ્યું કે ‘ફ્રેન્ચ સરકાર અને કૉન્સ્યુલ જનરલ ઑફ ફ્રાન્સ ટુ ઇન્ડિયા દ્વારા મારા કામને ઓળખ મળી અને મને શેવેલિયર દ આર્ટ્સ એટ દ લેટ્રેસ જેવા પ્રતિષ્ઠિત અવૉર્ડથી નવાજવામાં આવશે એ મારા માટે આનંદની ક્ષણ છે. શાહરુખ ખાન અને ઐશ્વર્યા રાય બચ્ચન જેવા લેજન્ડની હરોળમાં સામેલ થવું એ મારી સ્ટોરીટેલિંગની તાકાત અને સિનેમાની છાપનું પ્રમાણ છે. ઇન્ડસ્ટ્રીમાં મારી જર્ની રોલર કોસ્ટર રાઇડ જેવી છે જેમાં પડકારો, જીત અને અતુલનીય બોધપાઠ સામેલ છે. આ અવૉર્ડ મળવો એ ન માત્ર વ્યક્તિગત સિદ્ધિ છે, પરંતુ દરેકે મારા વિઝન પર ભરોસો રાખ્યો એનો આ પ્રયાસ છે. આ અવૉર્ડ મને પ્રેરણા આપશે કે હું હજી વધુ સારી રીતે કામ કરીને વિશ્વભરમાં સકારાત્મક છાપ પાડું.’