04 November, 2023 04:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાહરુખ ખાન
રાજકુમાર હીરાણીને સિરિયલ ‘સર્કસ’માં શાહરુખ ખાનને જોઈને તેની સાથે કામ કરવાનો વિચાર આવ્યો હતો. એ વખતે રાજકુમાર પોતે ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં સ્ટડી કરી રહ્યા હતા. વર્ષો પહેલાં કરેલો વિચાર સાકાર થયો છે, કેમ કે રાજકુમાર હીરાણીએ શાહરુખ સાથે ‘ડંકી’ બનાવી છે. એ ફિલ્મ આ વર્ષે ક્રિસમસ દરમ્યાન રિલીઝ થવાની છે. એ વિશે રાજકુમાર હીરાણીએ કહ્યું કે ‘હું ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં સ્ટડી કરી રહ્યો હતો. મને હંમેશાં એક સવાલ થતો કે હું અહીંથી ગ્રૅજ્યુએટ થઈને બહાર નીકળીશ તો કોણ મારી સાથે કામ કરશે? હું હંમેશાં અમિતાભ બચ્ચન સાહબને જોતો અને વિચારતો કે તેમના જેવા સ્ટાર મારી સાથે થોડા કામ કરશે? એક દિવસ હું મારી હૉસ્ટેલના રૂમમાં ટીવી પર ‘સર્કસ’ સિરિયલ જોઈ રહ્યો હતો. એક સીનમાં એક યુવાન ઍક્ટર પર્ફોર્મ કરી રહ્યો હતો. એ એક મૉનોલૉગ હતો. હું વિચારતો હતો કે કોણ છે આ યુવક? એ ખૂબ અદ્ભુત છે. એ મોટો સ્ટાર નથી. હું ગ્રૅજ્યુએટ થયા પછી તેને મારી ફિલ્મમાં લઈશ. ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાંથી ગ્રૅજ્યુએટ થવામાં મને બે વર્ષ લાગ્યાં. ત્યાં સુધીમાં તો તે મોટો સ્ટાર બની ગયો હતો.’