09 January, 2023 05:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કરણ જોહર
કરણ જોહરનું કહેવું છે કે ડિસ્ટ્રિબ્યુટર્સ કરતાં ઍક્ટર્સ સાથે પૈસાની વાતચીત કરવી અઘરી છે. તેનું કહેવું છે કે સૌથી વધારે પૈસા ઍક્ટર્સ લઈ જાય છે અને સૌથી ઓછી રકમ પ્રોડ્યુસરના ફાળે આવે છે. એ વિશે વિસ્તારમાં જણાવતાં કરણ જોહરે કહ્યું કે ‘રેલા બિઝનેસથી ફિલ્મનું ઓપનિંગ કરી આપે, પરંતુ તમારે તેમને ભારે રકમ આપવી પડે છે. જો ડિરેક્ટર મોટો હોય તો પચાસ ટકા ભાગ સ્ટાર લઈ જાય છે અને ૩૦ ટકા ડિરેક્ટરને મળે છે. સૌથી ઓછી રકમ રાઇટરને મળે છે. બાદમાં છેલ્લે પ્રોડ્યુસરને મળે છે. એવામાં ડિસ્ટ્રિબ્યુટર્સ કરતાં ઍક્ટર્સ સાથે પૈસાની વાટાઘાટ કરવી અઘરી હોય છે, કેમ કે તેઓ એક ભ્રમમાં રહે છે. ભ્રમ એક એવી બીમારી છે જેની કોઈ દવા નથી.’
સ્ટારડમ વિશે કરણ જોહરે કહ્યું કે ‘નવી પેઢીના સ્ટાર્સમાં શાહરુખ ખાન, સલમાન ખાન, આમિર ખાન, મિસ્ટર બચ્ચન, અક્ષયકુમાર, અજય દેવગન અને હૃતિક રોશન જેવો જાદુ નથી. ફેમસ થવું અને સુપર સ્ટારડમ હોવું એ બન્ને અલગ વસ્તુ છે. તમે યુટ્યુબર હો અને ફેમસ થઈ શકો છો, પરંતુ શું એનાથી તમે સુપરસ્ટાર બની જશો? શું તમારા માટે લોકો લાઇનમાં ઊભા રહેશે? એવું તો શક્ય જ નથી.’
ફિલ્મ હિટ હોવા છતાં પણ નુકસાની થઈ હતી કરણને
કરણ જોહરનું કહેવું છે કે ફિલ્મ હિટ હોવા છતાં પણ એને નુકસાની વેઠવી પડી હતી. આ વાત તે ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ વિશે કહી રહ્યો છે. ૨૦૧૨માં રિલીઝ થયેલી આ ફિલ્મ દ્વારા આલિયા ભટ્ટ, વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. ફિલ્મમેકિંગના ખર્ચને ઉદાહરણ આપીને સમજાવતાં કરણે કહ્યું કે ‘ધારો કે હું પચાસ કરોડમાં એક ઓછા બજેટની ફિલ્મ બનાવું છું. જોકે એના માટે ડિજિટલ અને સૅટેલાઇટ રાઇટ્સ ૬૦ કરોડમાં મળ્યા છે. એથી જો ફિલ્મ બૉક્સ-ઑફિસ પર પટકાઈ પણ જશે તો પણ રિલીઝ પહેલાં જ મેં તો બિઝનેસ કરી લીધો છે. ઘણી વખત એવું બને છે કે તમે મોટા બજેટની ફિલ્મો બનાવો છો અને એનો બિઝનેસ પણ સારો થાય છે, પરંતુ એમાંથી તમને કોઈ પૈસા નથી મળતા, કારણ કે તમે એના પર કરેલો ખર્ચ જ રિકવર નથી કરી શકતા. મેં એક હિટ ફિલ્મ બનાવી હતી, પરંતુ મને પૈસા નહોતા મળ્યા.’