✕

સતત ૩૦ વર્ષ કામ કરવામાં બાળકો ક્યારે મોટાં થઈ ગયાં એની ખબર ન પડી એનો અફસોસ વ્યક્ત કરીને રડી પડ્યો આમિર ખાન

24 October, 2026 02:45 PM IST  |  Singapore | Gujarati Mid-day Correspondent

સિંગાપોર ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ઠાલવ્યું હૈયું

રડી પડ્યો આમિર ખાન

સિંગાપોર ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ગુરુવારે પોતાના જીવન અને સિનેમાની સફર વિશે વાત કરતી વખતે આમિર ખાન કરીઅરના સૌથી નબળા તબક્કાને યાદ કરીને મંચ પર જ રડી પડ્યો હતો. તેણે ભારે હૈયે કબૂલાત કરી હતી કે ત્રણ દાયકા સુધી અવિરત કામ કરવાના ઝનૂનમાં તેણે પોતાના પરિવાર સાથેનો અમૂલ્ય સમય ગુમાવી દીધો હતો.

ગુરુવારે યોજાયેલા ફેસ્ટિવલમાં હૉન્ગકૉન્ગના જાણીતા ફિલ્મ ડિરેક્ટર પીટર ચૅન હો-સુનના હસ્તે આમિર ખાનને સ્ક્રીન આઇકન અવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ સિંગાપોરના કૉમેડિયન રિશી બુધરાની સાથેના એક વિશેષ સંવાદસત્રમાં જ્યારે આમિરને તેની કરીઅરની સૌથી નબળી ક્ષણ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું હતું કે ‘જ્યારે કોવિડ દરમ્યાન હું નવરો બેઠો વિચારતો હતો ત્યારે મને સમજાયું કે મારી જિંદગીનાં ૩૦ વર્ષ વીતી ગયાં છે. તમે જે કામ કરી રહ્યા છો એની પાછળ એક, બે કે પાંચ વર્ષ સુધી સંપૂર્ણપણે સમર્પિત થઈને ગાંડાની જેમ વળગેલા રહો ત્યાં સુધી બરાબર છે; પરંતુ જો આ સિલસિલો ૩૦ વર્ષ સુધી સતત ચાલતો રહે તો તમે તમારા સંબંધો ગુમાવી બેસો છો. તમારાં બાળકો ક્યારે મોટાં થઈ ગયાં એની તમને ખબર જ નથી પડતી. આ વાતનો મને અંદરથી ઊંડો આઘાત અને અફસોસ થયો હતો.’

આટલું બોલતાં જ આમિર ભાવુક થઈ ગયો હતો અને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં હતાં. તેણે દર્શકોની માફી માગી હતી, જ્યારે ઑડિયન્સે તાળીઓના ગડગડાટ સાથે તેને પ્રોત્સાહિત કર્યો હતો. આંસુ લૂછતાં આમિરે ઉમેર્યું હતું કે આ અહેસાસે તેને જીવનશૈલીમાં મોટો બદલાવ લાવવા પ્રેરિત કર્યો હતો. છેલ્લાં ચાર વર્ષથી તે પોતાના પરિવાર અને નજીકના મિત્રો માટે ચોક્કસપણે સમય ફાળવી રહ્યો છે. તેણે જણાવ્યું હતું કે ‘મને એ વાતનો સંતોષ છે કે આ વિચાર મને ૫૬ વર્ષની વયે આવ્યો, ૮૬ વર્ષની વયે નહીં; કેમ કે ત્યારે તો કંઈ પણ સુધારવા માટે ઘણું મોડું થઈ ચૂક્યું હોત.’

singapore aamir khan hong kong bollywood news bollywood bollywood gossips entertainment news