ઘરેલુ ક્રૂરતા સામે રક્ષણ આપતા કાયદાનો લાભ પુરુષોને કેમ નહીં?

18 April, 2025 07:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કેમ ભાઈ? ઘરેલુ હિંસા કે ક્રૂરતા શું માત્ર પુરુષો જ આચરી શકે છે?

પ્રતીકાત્મક તસવીર

થોડા સમય પહેલાં સર્વોચ્ચ અદાલતના એક ન્યાયમૂર્તિએ કાનૂનવિદોના કાર્યક્રમમાં કંઈક આવા અર્થની ટિપ્પણી કરી હતી : ચુકાદો આપતી વખતે આપણે એ ચુકાદાથી પ્રભાવિત થનાર ’ઇન્વિઝિબલ વિક્ટિમ્સ’ વિશે પણ વિચારવું જોઈએ જેમના પર ચુકાદાની અસર થવાની હોય. તેમનો કહેવાનો અર્થ એ હતો કે ચુકાદાની જેના પર અસર થતી હોય એવી ‘અદૃશ્ય’ વ્યક્તિઓનું પણ કાયદાએ ધ્યાન રાખવું જોઈએ. કોઈ પણ ન્યાયપ્રેમી વ્યક્તિને સાંભળીને સુખદ આશ્ચર્ય થાય એવી એ ટકોર હતી.

બૅક ટુ એપ્રિલ ૨૦૨૫. 

સર્વોચ્ચ અદાલતમાં એક સ્વૈચ્છિક સંસ્થા દ્વારા જનહિતની અરજી કરવામાં આવી છે. લગ્નસંબંધી કાનૂનના; ખાસ કરીને ભરણપોષણ, ઘરેલુ ક્રૂરતા અને હિંસા સંબંધિત જોગવાઈઓના દુરુપયોગ સંદર્ભે કાનૂની મધ્યસ્થી માટે જનશ્રુતિ સંસ્થા દ્વારા આ અરજી કરવામાં આવેલી. છેલ્લા ઘણા સમયથી ૪૯૮એ કલમની આડમાં પરિણીત સ્ત્રીઓ દ્વારા પતિ કે તેનાં સગાંઓને ખોટી રીતે ધમકાવવાના, ડરાવવાના અને હેરાન કરવાના કિસ્સાઓ સમાજમાં બની રહ્યા છે એ જાણીતી બાબત છે. ઘરેલુ હિંસા વિરુદ્ધ રક્ષણ આપતી ઇન્ડિયન પીનલ કોડની આ કલમ ૪૯૮એ અને ભારતીય ન્યાયસંહિતાની કલમ ૮૫ના દાયરાને જેન્ડર ન્યુટ્રલ બનાવવાની, એટલે કે ઘરેલુ હિંસાનો ભોગ બનેલાં સ્ત્રી અને પુરુષ બન્નેનો એ કલમના દાયરામાં સમાવેશ કરવાની માગણી જનશ્રુતિ સંસ્થાએ કરી હતી. સાથે જ આ કાયદાના દુરુપયોગને રોકવા માટે સલામતીની જોગવાઈનો સમાવેશ કરવા ધરપકડ પહેલાં પ્રારંભિક તપાસ અને મધ્યસ્થગીરી ફરજિયાત બનાવવાની માગણી કરી હતી. આ અરજીની સુનાવણી વખતે સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિએ સ્વીકાર્યું કે કેટલાક કિસ્સાઓમાં સ્ત્રીઓ દહેજની હેરાનગતિના બનાવટી કેસ કરે છે, પરંતુ એને કારણે ઘરેલુ ક્રૂરતાથી સ્ત્રીઓનું રક્ષણ કરતો કાયદો બદલાવી શકાય નહીં! બીજા શબ્દોમાં કહીએ તો ન્યાયમૂર્તિએ ઘરેલુ ક્રૂરતા કે હિંસાથી પીડિત પુરુષોને આ કાયદા હેઠળ રક્ષણ આપવાની ના પાડી દીધી! 


કેમ ભાઈ? ઘરેલુ હિંસા કે ક્રૂરતા શું માત્ર પુરુષો જ આચરી શકે છે? પોતાની મનમાની ન થાય તો પતિ અને તેના પરિવારજનોને દહેજ કે ત્રાસના ખોટા આરોપો હેઠળ અંદર કરાવી દેવાની ધમકી આપીને કરાતું પીડન શું માનસિક ક્રૂરતા નથી? ૨૦૧૩માં ડિવૉર્સ કેસના એક ચુકાદામાં અદાલતે નોંધ્યું હતું : ‘Cruelty may be mutual and that both parties can be victims of an increasingly hostile marital environment.’ 

નવાઈની વાત તો એ છે કે જનશ્રુતિની અરજીનો ચુકાદો સંભળાવનાર એ જ ન્યાયમૂર્તિ છે જેમને ઇન્વિઝિબલ વિક્ટિમ્સ સાથે પણ અન્યાય ન થાય એની ખેવના છે!

- તરુ મેઘાણી કજારિયા

columnists indian government Protection of Children from Sexual Offences Act POCSO sexual crime