28 October, 2023 02:40 PM IST | Mumbai | Aashu Patel
સ્ટાર વૉર્સ ગ્લૅમર વર્લ્ડના માફિયાઓની ક્રાઇમ-ગેમ
શેખે પૃથ્વીરાજના ખૂનના ગુના માટે પકડાયેલા આરોપીઓ સીમા, પૃથ્વીરાજના સિક્યૉરિટી ચીફ, અરુણ કુમાર અને પૃથ્વીરાજના રસોઇયાના ચહેરાઓ કપડાંથી ઢાંકીને તેમને પત્રકારો સામે રજૂ કર્યા.
પ્રિય વાચકમિત્રો
આ નવલકથાની શરૂઆત સુપરસ્ટાર પૃથ્વીરાજના પાત્રના ખૂનથી શરૂ થઈ હતી અને પછી નવલકથા ફ્લૅશબૅકમાં ચાલતી રહી હતી.
ગયા સપ્તાહે અમે વાચકોને આહ્વાન આપ્યું હતું કે તમે કલ્પના અને અનુમાન કરીને કહો કે સુપરસ્ટાર પૃથ્વીરાજને મારી નાખનારો ખૂની કોણ હોઈ શકે છે?
અને જે પ્રથમ ત્રણ વાચકો સાચો જવાબ મોકલી આપે તેને આ નવલકથા પુસ્તકાકારે પ્રસિદ્ધ થાય ત્યારે એ પુસ્તક અમે ભેટ આપીશું.
જોકે એક પણ વાચક સાચો જવાબ આપી શક્યા નથી, પરંતુ જે ત્રણ વાચકોએ પ્રથમ ઈ-મેઇલ કરી હતી તેમને અમે આ પુસ્તક ભેટરૂપે આપીશું.
મોટા ભાગના વાચકોએ એવું અનુમાન કર્યું છે કે ઇન્સ્પેક્ટર રશ્મિને જ પૃથ્વીરાજનું ખૂન કરાવ્યું હશે.
સૌપ્રથમ ઈ-મેઇલ યતીન દોશી તરફથી મળી હતી. તેમણે લખી મોકલ્યું કે ‘મારું અનુમાન છે કે પૃથ્વીરાજનું ખૂન ઇન્સ્પેક્ટર રશ્મિને કરાવ્યું હશે. તેની ફ્રેન્ડ અને પત્રકાર રશ્મિના અપમાનનો બદલો લેવા માટે તેણે જ પૃથ્વીરાજનું ખૂન કરાવ્યું હશે.’
બીજી ઈ-મેઇલ સીએ હાર્વી દોશી તરફથી મળી. તેમણે પણ એવું જ અનુમાન કર્યું કે ‘પૃથ્વીરાજે ઇન્સ્પેક્ટર રશ્મિનની સ્પેશ્યલ ફ્રેન્ડ રશ્મિનું અપમાન કર્યું હતું. વળી તેણે પૃથ્વીરાજ અને શાહનવાઝની સ્ટાર વૉર્સને કારણે સસ્પેન્ડ થવું પડ્યું હતું એટલે તેણે જ પૃથ્વીરાજનું ખૂન કર્યું હોઈ શકે.’
ત્રીજી ઈ-મેઇલ ડૉક્ટર આર. ડી. આશર તરફથી મળી હતી. તેમણે પણ એવું અનુમાન કર્યું છે કે ‘પોલીસ ઑફિસર રશ્મિને જ પૃથ્વીરાજનું ખૂન કર્યું હશે અથવા કરાવ્યું હશે.’
‘સ્ટાર વૉર્સ’ પુસ્તકાકારે પ્રકાશિત થશે એ વખતે આ ત્રણ વાચકોને આ પુસ્તકની લેખકે સહી કરેલી કૉપી ભેટરૂપે આપવામાં આવશે.
‘સુપરસ્ટાર પૃથ્વીરાજનું ખૂન કોઈ એક વ્યક્તિએ નહીં, પરંતુ ચાર વ્યક્તિએ કર્યું છે. અને એ ચારેય વ્યક્તિની અમે ધરપકડ કરી લીધી છે. જોકે આ કેસમાં આરોપી પાંચ છે!’
મુંબઈના કમિશનર ઑફ પોલીસ સલીમ શેખ ભરચક પત્રકાર-પરિષદમાં કહી રહ્યા હતા.
તેમના એ શબ્દો સાંભળીને ત્યાં ઉપસ્થિત તમામ પત્રકારોને મોટો ઝટકો લાગ્યો. શેખે આગળ કહ્યું, ‘પૃથ્વીરાજની મૅનેજર સીમાએ પૃથ્વીરાજને સ્લો પૉઇઝન આપ્યું હતું. એ પૉઇઝનને કારણે પૃથ્વીરાજ થોડા સમયમાં મૃત્યુ પામવાનો હતો. પૃથ્વીરાજના શરીરમાં એ ઝેરની અસર શરૂ થઈ રહી હતી એ વખતે સીમા દિલ્હી જવાને બહાને તેના મઢ આઇલૅન્ડના બંગલોમાંથી નીકળી ગઈ હતી. પૃથ્વીરાજને કલ્પના પણ નહોતી કે સીમા તેની સાથે આટલો મોટો વિશ્વાસઘાત કરી શકે. સીમા વર્ષોથી પૃથ્વીરાજ સાથે મૅનેજર તરીકે સંકળાયેલી હતી અને પૃથ્વીને આગળ લાવવામાં તેનો બહુ જ મોટો ફાળો હતો, પરંતુ પૃથ્વી સુપરસ્ટાર બની ગયો એ પછી તે અનેક વાર જાહેરમાં પણ સીમાનું અપમાન કરી ચૂક્યો હતો. એને કારણે સીમા તેના પર રોષે ભરાયેલી હતી અને તેણે પૃથ્વીરાજને મારી નાખવા માટે પૉઇઝન આપવાનું નક્કી કર્યું હતું. તે પૃથ્વીરાજને સજા આપવા ઇચ્છતી હતી, પરંતુ તે પૃથ્વીરાજને એ રીતે મારવા ઇચ્છતી હતી કે કોઈને સહેજ પણ શંકા ન જાય કે સીમાએ તેનું ખૂન કર્યું હશે. સીમાએ ચાલાકીપૂર્વક પૃથ્વીરાજને એવા ખોરાકમાં ઝેર ભેળવીને આપ્યું હતું કે પૃથ્વીરાજને કલ્પના પણ ન આવે. તેણે પૃથ્વીરાજના રસોઇયાને પૈસાની લાલચ આપીને પોતાનો સાથીદાર બનાવ્યો હતો...’
પત્રકારો સ્તબ્ધ બનીને શેખને સાંભળી રહ્યા હતા. તેમની સામે ટેબલ પર કેટલીયે ટીવી ન્યુઝ ચૅનલ્સનાં માઇક્સ પડ્યાં હતાં અને તેમના પર ચૅનલ્સના કૅમેરા મંડાયેલા હતા.
શેખે આગળ માહિતી આપતાં કહ્યું, ‘પૃથ્વીરાજના શરીરમાં ઝેરની અસર શરૂ થઈ રહી હતી એ વખતે અરુણ કુમાર તેને મળવા પહોંચ્યો હતો. શાહનવાઝ જે રીતે વિદેશી સત્તાધીશની મદદથી ભારત પાછો આવ્યો અને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વાતો ફેલાવી રહ્યો હતો કે પૃથ્વીરાજની ઓકાત મારા પગનાં જૂતાં જેટલી પણ નથી. તેણે મારું શું બગાડી લીધું? એ વાતો પૃથ્વીરાજ સુધી પહોંચી હતી અને પૃથ્વીરાજ ભડક્યો હતો. પૃથ્વીરાજે શાહનવાઝને ભેટવું પડ્યું એ રાતે પૃથ્વીરાજ પોતાના કેટલાક અંગત મિત્રો સાથે બેઠો હતો ત્યારે બોલી ગયો હતો કે ‘હવે કાં તો હું નહીં, કાં તો શાહનવાઝ નહીં! હું થોડા દિવસમાં જ શાહનવાઝનો ફેંસલો કરી નાખીશ.’
એ વખતે અરુણ કુમાર પણ ત્યાં હાજર હતો. અરુણ કુમારે એ વાત શાહનવાઝને કહી હતી. શાહનવાઝે અરુણ કુમારને કહ્યું હતું કે ‘તું એક વખત હિંમત કરી નાખ અને પૃથ્વીરાજને મારી નાખ, બાકીનું બધું હું સંભાળી લઈશ.’ શાહનવાઝ આટલા મોટા વિવાદ પછી પણ જે રીતે બચી ગયો હતો એ જોઈને અરુણ કુમારને લાગ્યું હતું કે શાહનવાઝ પાસે એટલો પ્રચંડ પાવર છે કે તે કંઈ પણ કરવા માટે સક્ષમ છે. શાહનવાઝે તેને લાલચ આપી હતી કે ‘તું એક વખત પૃથ્વીરાજને ખતમ કરી દે. હું તારો વાળ પણ વાંકો નહીં થવા દઉં. જોકે એમ છતાં અરુણ કુમાર હજી પૃથ્વીરાજથી થોડો ડરતો હતો, કારણ કે પૃથ્વીરાજના પિતા પ્રતાપરાજની કેટલી વગ હતી અને તેમનો કેટલો પાવર હતો એ પણ તે જાણતો હતો. એટલે તે થોડો દ્વિધામાં હતો, પરંતુ એ દિવસે પૃથ્વીએ તેને મળવા બોલાવ્યો અને તેને કહ્યું હતું કે ‘શાહનવાઝને ખતમ કરવા માટે તારે મને મદદ કરવી પડશે.’ એ વખતે અરુણ કુમારથી બોલાઈ ગયું હતું કે ‘પૃથ્વી, તું માણસ છે કે રાક્ષસ? તેં મારા ભાઈની જિંદગીનો કમોતે અંત આણ્યો, હવે તું મારી જિંદગી પણ બરબાદ કરવા ઇચ્છે છે!’ તેના એ શબ્દોથી ઉશ્કેરાઈને પૃથ્વીરાજે તેને ગાળ આપી હતી અને ક્ષણિક આવેશમાં અરુણ કુમારે પૃથ્વીરાજના બેડરૂમમાં પડેલી ટ્રોફીઝમાંથી એક ટ્રોફી ઉપાડીને પૂરી તાકાતથી પૃથ્વીરાજના માથામાં ઝીંકી દીધી હતી. પૃથ્વીરાજના માથામાંથી લોહી વહેવા લાગ્યું હતું. ત્યાં કોઈ આવી ચડે એ પહેલાં અરુણ કુમાર ત્યાંથી બહાર નીકળી ગયો હતો.
એ વખતે પણ પૃથ્વીરાજ જીવતો હતો. બીજી બાજુ શાહનવાઝે ડિટેક્ટિવ એજન્સીના માલિક સુબ્રતો ચૅટરજીને શાહનવાઝના કોઈ બૉડીગાર્ડને ફોડીને તેના દ્વારા પૃથ્વીરાજની હત્યા કરાવવાનું ષડયંત્ર રચી કાઢ્યું હતું. પૃથ્વીરાજની સિક્યૉરિટી ટીમનો ચીફ પૃથ્વીરાજના ઘરમાં ગમે ત્યારે જઈ શકતો હતો. એ દિવસે તે પૃથ્વીરાજના બંગલોમાં પ્રવેશ્યો ત્યારે પૃથ્વીરાજ માથા પર હાથ મૂકીને બોલી રહ્યો હતો ‘હેલ્પ, હેલ્પ.’ એ વખતે તેને મદદ કરવાને બદલે તેની સિક્યૉરિટી માટે તહેનાત થયેલા તેના સિક્યૉરિટી ચીફે તેના પેટમાં છરીથી અનેક ઘા ઝીંકી દીધા હતા. પૃથ્વીરાજની આંખો આશ્ચર્ય અને આઘાતથી પહોળી થઈ ગઈ હતી. તેણે ઊભા થવાની કોશિશ કરી. તે થોડાં ડગલાં ચાલ્યો તેણે બૂમ પાડવાની કોશિશ કરી, પરંતુ તેની શક્તિ હણાઈ રહી હતી અને તે પટકાઈ પડ્યો હતો અને થોડી વારમાં તેણે છેલ્લો શ્વાસ લઈ લીધો હતો!’
શેખે પૃથ્વીરાજના ખૂનના ગુના માટે પકડાયેલા આરોપીઓ સીમા, પૃથ્વીરાજના સિક્યૉરિટી ચીફ, અરુણ કુમાર અને પૃથ્વીરાજના રસોઇયાના ચહેરાઓ કપડાંથી ઢાંકીને તેમને પત્રકારો સામે રજૂ કર્યા. એ પછી તેમણે કહ્યું, ‘હજી બે આરોપીઓ - શાહનવાઝ અને સુબ્રતો ચૅટરજી વૉન્ટેડ છે. તેમને અમે શોધી રહ્યા છીએ.’
lll
સવા વર્ષ અગાઉ ‘મિડ ડે’ના તંત્રી બાદલ પંડ્યા અને ફીચર એડિટર સેજલ પટેલે નવી નવલકથા શરૂ કરવાનું નક્કી કર્યું. એ પછી બાદલભાઈએ ‘મિડ ડે’માં નવલકથા લખવા માટે આમંત્રણ આપ્યું. અને એમાંથી ‘સ્ટાર વૉર્સ’નું બીજ રોપાયું.
આ નવલકથા શરૂ કરી એ અગાઉ અમે વિચાર્યું હતું કે કશોક નવો પ્રયોગ કરીએ. આ નવલકથાનું પહેલું પ્રકરણ છપાયું એ સાથે જ સામાન્ય વાચકોથી માંડીને અનેક સેલિબ્રિટીઝ તરફથી ઉમળકાભર્યો પ્રતિસાદ મળ્યો.
બૉલીવુડ અને ટેલિવુડના નામાંકિત મ્યુઝિક ડિરેક્ટર ઉત્તંક વોરા જેવા મિત્રો તરફથી તો દર સપ્તાહે વૉટ્સઍપ દ્વારા પાનો ચડાવે એવા મેસેજ મળતા રહ્યા.
આ નવલકથામાં અમે વિચાર્યું હતું કે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જે ખટપટ ચાલતી હોય છે, સ્ટાર્સના અહમને કારણે જે લડાઈઓ ચાલતી હોય છે, કૅમ્પ બનતા હોય છે. એકબીજાને ઉતારી પાડવા માટે અથવા તો પાડી દેવા માટે કે ખતમ કરી દેવા માટે અકલ્પ્ય કારનામા થતા હોય છે. હરીફોને પછાડી દેવા માટે કે હરીફોથી આગળ નીકળી જવા માટે કે પ્રતિસ્પર્ધીને નુકસાન પહોંચાડવા માટે તેની કરીઅર ખતમ કરવા માટે કે પ્રતિસ્પર્ધીની જિંદગી ખતમ થઈ જાય એ હદ સુધીની પ્રવૃત્તિ કરવા માટે જે સામ-દામ-દંડ-ભેદનો ઉપયોગ થતો હોય છે એમાંથી કેટલીક ઘટનાઓ ક્યારેક બહાર આવતી હોય છે.
એ ઘટનાઓ તો હિમશિલાના ટોચકા સમાન હોય છે. મોટા ભાગની ઘટનાઓ તો બહાર આવતી જ નથી હોતી. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વર્ચસ્વ હોય તેવા ગુલશન કુમાર જેવા પાવરફુલ માણસનું મર્ડર થાય કે કોઈ ફિલ્મસ્ટાર કે ફિલ્મમેકર પર ફાયરિંગ થાય અથવા તો કોઈ ફિલ્મસ્ટાર જિંદગી ટુંકાવી લે કે ક્યારેક કોઈ હિરોઇન પાવરફુલ ઍક્ટર દ્વારા થયેલા સેક્સપ્લોઇટેશનની એટલે કે જાતીય શોષણની વાત મીડિયા સામે કરીને ચોંકાવી દે એવી ઘટનાઓ બહાર આવતી હોય છે, પરંતુ કેટલીયે ઘટનાઓ લોકો સુધી પહોંચતી જ નથી. ક્યારેક કોઈ ઍક્ટર અન્ડરવર્લ્ડ સાથે સંબંધોને કારણે જેલભેગો થાય કે વિવાદમાં ઘેરાય એ વખતે મીડિયા સુધી વાત પહોંચતી હોય છે અથવા તો મીડિયા લોકો સુધી વાત પહોંચાડતું હોય છે, પરંતુ મોટા ભાગના કિસ્સાઓ તો લોકો સુધી પહોંચતા જ નથી હોતા.
હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ઘણી વ્યક્તિઓના અન્ડરવર્લ્ડ સાથેનાં કનેક્શન્સ ઓપન સીક્રેટ સમાન વાત છે. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પાવરફુલ પર્સનાલિટીઝ પૉલિટિશ્યન્સ સાથે અંગત સંબંધો ધરાવતી હોય એ વાતો તો લોકો સુધી પહોંચતી હોય છે, પરંતુ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખેપાનીઓ પડદાની પાછળ જે ખેલ કરતા હોય છે એ વિશે બહુ વાતો લોકો સુધી પહોંચતી નથી હોતી.
એવી ઘટનાઓ અને એમાં કલ્પનાના રંગો પૂરીને વાચકો સુધી પહોંચાડવાનું અમે વિચાર્યું હતું. અને અમે આ નવલકથા શરૂ કરી ત્યારે ૪૦ પ્રકરણમાં નવલકથા પૂરી કરવાનો આશય હતો, પરંતુ વાચકોના પ્રતિસાદને કારણે અમે આ નવલકથા ૫૪ પ્રકરણ સુધી લંબાવી.
મારા વિદેશપ્રવાસ દરમિયાન અને મારી ફિલ્મના શૂટિંગ દરમિયાન પણ આ નવલકથાનાં પ્રકરણો નિયમિત રીતે લખાતાં રહ્યાં (જો કે અહીં એવું લખવું જોઈએ કે બાદલ પંડ્યા અને સેજલ પટેલ નિયમિત રીતે પ્રકરણો લખાવતાં રહ્યાં! તેમણે ક્યારેક પઠાણી ઉઘરાણી કરીને પણ પ્રકરણો લખાવ્યાં છે! એક વાર તબિયતને કારણે પ્રકરણ લખાશે જ નહીં એવું મને લાગતું હતું અને મેં કહ્યું હતું કે આ વખતે એવી નોંધ મૂકી દો કે ‘અનિવાર્ય સંજોગોને કારણે લેખક આ વખતે પ્રકરણ લખી શક્યા નથી!’ ત્યારે બાદલભાઈએ કહ્યું કે ‘એવું ન કરવું જોઈએ. એવું હોય તો તમે થોડા કલાકો આરામ કરીને પ્રકરણ મોકલાવજો.’ એડિટર્સ અને ફીચર એડિટર્સ મિત્રો હોય તો પણ ડેડલાઇનમાં આંખની શરમ રાખતા નથી હોતા કે રાખી શકતા નથી!).
આ નવલકથા લખવાની મને ખૂબ મજા આવી. મેં અનેક નવલકથાઓ લખી છે, પરંતુ આ નવલકથામાં જેટલા ટ્વિસ્ટ્સ અને ટર્ન્સ છે એટલા કદાચ અગાઉની મારી કોઈ પણ નવલકથાઓમાં નથી.
સમાપ્ત