સ્ટાર વૉર્સ ગ્લૅમર વર્લ્ડના માફિયાઓની ક્રાઇમ-ગેમ (પ્રકરણ ૫૩)

21 October, 2023 02:25 PM IST  |  Mumbai | Aashu Patel

‘સૉરી, રશ્મિ. મારા પર કશુંક જબરદસ્ત પ્રેશર છે એટલે હું તને અત્યારે ‘સહી ન્યુઝ’માં રાખી શકું એમ નથી. મારે માત્ર આ ચૅનલ જ નથી ચલાવવાની, મારા બીજા બધા બિઝનેસ પણ સાચવી રાખવાના છે.’

સ્ટાર વૉર્સ ગ્લૅમર વર્લ્ડના માફિયાઓની ક્રાઇમ-ગેમ

‘સૉરી, રશ્મિ. મારા પર કશુંક જબરદસ્ત પ્રેશર છે એટલે હું તને અત્યારે ‘સહી ન્યુઝ’માં રાખી શકું એમ નથી. મારે માત્ર આ ચૅનલ જ નથી ચલાવવાની, મારા બીજા બધા બિઝનેસ પણ સાચવી રાખવાના છે.’

રશ્મિએ જ્યારે પૃથ્વીરાજને ધક્કો મારીને કાઢી મૂક્યો અને પોલીસ કમાન્ડોઝની સામે કચકચાવીને લાફો મારી દીધો ત્યારે તેની વિશાળ સોસાયટીના એ ફ્લોર પર રહેતા કેટલાક રહેવાસીઓ તેમના દરવાજા પાસે ઊભા હતા. પૃથ્વીરાજ સોસાયટીમાં આવ્યો છે એ ખબર પડી એટલે ઉત્તેજિત થઈને કેટલાક રહેવાસીઓ મોબાઇલ ફોનમાં વિડિયો શૂટ કરી રહ્યા હતા. પૃથ્વીરાજ રશ્મિના ઘરમાં ગયો એટલે કેટલાક રહેવાસીઓ પોતાના ઘરમાં ચાલ્યા ગયા હતા, પણ કેટલાંક યુવક-યુવતીઓ બહાર ઊભાં રહ્યાં હતાં. રશ્મિએ પૃથ્વીરાજને ગાળો આપતાં-આપતાં ધક્કો મારીને બહાર કાઢ્યો અને પછી લાફો મારી દીધો એ દૃશ્યો તેમણે  પોતાના મોબાઇલ ફોનમાં શૂટ કરી લીધાં.
પૃથ્વીરાજે રશ્મિને ધમકી આપી, ‘યુ બીચ! યુ હૅવ ટુ પે અ બિગ કૉસ્ટ! હું તને જોઈ લઈશ!’
રશ્મિ પૃથ્વીરાજને મારી રહી હોય એવો વિડિયો થોડી વારમાં જ વાઇરલ થઈ ગયો. પ્રતાપરાજે પણ એ વિડિયો જોયો અને તેમને જાણે રૂંવે-રૂંવે આગ લાગી ગઈ. 
lll
‘મને તમારી મદદની જરૂર છે...’
મિડલ ઈસ્ટના એક પાવરફુલ સતાધીશની સામે બેઠેલો શાહનવાઝ વિનંતી કરી રહ્યો હતો.
બંને વચ્ચે એક કલાક સુધી વાતો થતી રહી. છેવટે તે બંને વચ્ચે એક મોટી રકમનો સોદો થયો અને એ સત્તાધીશ જ્યારે કહે ત્યારે હાજર થઈ જવાની શરત પણ શાહનવાઝે સ્વીકારી.
એ પછી તે સત્તાધીશે શાહનવાઝને ખાતરી આપી, ‘હું રસ્તો કાઢી આપું છું.’
lll
‘શાહનવાઝ મારા નાના ભાઈ જેવો છે. તેને થોડી મદદ કરો. બદલામાં હું...’
મિડલ ઈસ્ટના પાવરફુલ સત્તાધીશ ભારતના એક પાવરફુલ સત્તાધીશને કહી રહ્યા હતા.
‘થોડું અઘરું છે. શાહનવાઝને કારણે મોટો વિવાદ થઈ ગયો છે, પણ હું તમારું કામ કરી આપીશ. તેને કહેજો કે થોડો સમય ત્યાં જ રહે અને મીડિયા સાથે વાત ન કરે. તે આવશે ત્યાં સુધીમાં હું બધું શાંત પાડી દઈશ.’
lll
‘શાહનવાઝ નિર્દોષ છે. તેને ફસાવીને તેની કરીઅર ખતમ કરવાનું ષડયંત્ર ઘડાયું છે...’
ભારતની એક પાવરફુલ સત્તાધીશ વ્યક્તિ તેની સામે બેઠેલા હરિભાઉને કહી રહી હતી. તે વ્યક્તિએ હરિભાઉને દિલ્હી પહોંચી જવાનું ફરમાન કર્યું હતું.
હરિભાઉ સ્તબ્ધ થઈ ગયા. તેમણે દબાતા અવાજે કહી દીધું, ‘હું તમારા આદેશનું પાલન કરીશ, પણ પૃથ્વીના પિતા પ્રતાપરાજ આપણી સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લેવાની ધમકી આપી રહ્યા છે.’
‘એની ચિંતા તમે ન કરો. પ્રતાપરાજ સાથે હું વાત કરી લઉં છું.’ પાવરફુલ વ્યક્તિએ કહ્યું અને પછી ઉમેર્યું, ‘શાહનવાઝના પાર્ટનર અને પ્રોડ્યુસર મિલન કુમાર સામેના કેસનો વીંટો વાળી દેવાનો છે!’
હરિભાઉએ ઊતરી ગયેલા ચહેરે કહ્યું, ‘જી.’
તેમને ખબર હતી કે તેઓ મજાકનું કેન્દ્ર બનવાના હતા અને મીડિયા પણ તેમની પાછળ પડી જવાનું હતું, પરંતુ મુખ્ય પ્રધાનપદ ટકાવવું હોય તો એ વ્યક્તિનો આદેશ માન્યા સિવાય તેમની પાસે કોઈ છૂટકો નહોતો!
lll
‘રશ્મિન, તું આ વખતે બધી જ લાઇન ક્રૉસ કરી ગયો છે. હું કરવા ધારીશ તો પણ હું આ વખતે તને કોઈ જ મદદ નહીં કરી શકું. તને સમજાય છે કે તેં કેટલું મોટું બ્લન્ડર કરી નાખ્યું છે! એક બાજુથી આપણા ઉપર આટલું પ્રેશર છે ત્યારે તારા કારણે કેટલો મોટો વિવાદ થશે એનો અંદાજ પણ છે તને?’
‘સર, આય’મ સૉરી. બધો મારો જ વાંક છે, પણ ઍક્ચ્યુઅલી આવું કશું થશે એની મનેય કલ્પના નહોતી, મને એવો વિચાર સુધ્ધાં નહોતો આવ્યો કે શૂટર્સ વૉચમૅનને બંદી બનાવીને ક્યાંક પૂરી દેશે અને પોતે વૉચમૅન બનીને ગોઠવાઈ જશે...’ રશ્મિને ખુલાસો આપવાની કોશિશ કરી.
વાઘમારે ઓર ભડકી ગયા, ‘હજી તું બચાવ કરી રહ્યો છે.’
‘ના સર, પણ...’
‘રશ્મિન મારે આગળ કશું નથી સાંભળવું. હવે તારે જે ખુલાસાઓ આપવા હોય એ ઉપર આપજે અને બાકી બીજા બધા ખુલાસાઓ કોર્ટમાં અને હ્યુમન રાઇટ્સવાળાઓને આપજે! બાય ધ વે, તારા સસ્પેન્શનનો ઓર્ડર નીકળી ચૂક્યો છે. એટલે અત્યારે તારે હવે ઑફિસ આવવાની જરૂર નથી!’ વાઘમારેએ ઉશ્કેરાયેલા અવાજે કહ્યું અને કૉલ ડિસકનેક્ટ કરી નાખ્યો.
રશ્મિન સ્તબ્ધ બની ગયો. એ જ વખતે રશ્મિની સોસાયટીમાંથી તેના પર સબ ઇન્સ્પેક્ટર આડેનો કૉલ આવ્યો. તેણે કહ્યું, ‘પૃથ્વીરાજ અહીં આવ્યો હતો અને રશ્મિએ...’
રશ્મિનનું ભેજું ફરી ગયું. એ જ વખતે તેના પર રશ્મિનો કૉલ આવ્યો. 
‘રશ્મિ, તેં આ શું કર્યું?’
રશ્મિને પોતાનો ગુસ્સો તેના પર ઉતારી દીધો. તેને બચાવવાની કોશિશમાં જ તે ભેરવાઈ પડ્યો હતો.
‘તને ખબર છે કે તેણે મારી સાથે શું કર્યું છે?’
રશ્મિએ પ્રતિપ્રશ્ન કર્યો અને પછી રશ્મિન કશું બોલે એ પહેલાં જ તે ધડાધડ કહેવા લાગી કે શું બન્યું હતું.
તેની વાત સાંભળીને રશ્મિનને પણ ગુસ્સો આવી ગયો. તેણે કહ્યું, ‘તું ચિંતા ન કરતી. તેને હું તેની ઓકાત બતાવી દઈશ.’ 
lll
‘છોકરાઓના ઝઘડામાં તમે વચ્ચે પડો એ યોગ્ય ન કહેવાય. તમે આમાંથી હટી જાઓ. પૃથ્વીરાજને કોઈ અન્યાય નહીં થાય એની તકેદારી હું લઈશ.’ દેશની અત્યંત પાવરફુલ વ્યક્તિ પૃથ્વીરાજના પિતા પ્રતાપરાજને ફોન પર કહી રહી હતી.
પ્રતાપરાજે થોડો વિરોધ વ્યક્ત કર્યો, પરંતુ પછી તેમણે પૉલિટિકલ બેનિફિટ થાય એવું સેટલમેન્ટ કર્યું. સાથે જ તેમણે પોતાની બે શરત મંજૂર કરાવી. એમાંની એક હતી, ‘આઇપીએસ વિશાલ સિંહનું પ્રમોશન અટક્યું છે આપીને તેને સ્પેશ્યલ કેસમાં જૉઇન્ટ કમિશનર ઑફ પોલીસ તરીકે મુંબઈમાં પોસ્ટિંગ અપાવો અને ક્રાઇમ ડિપાર્ટમેન્ટનો ચાર્જ અપાવો.’ અને બીજી શરત હતી : ‘તમારા પ્રીતિપાત્ર ઑબેરૉયને કહી દો કે...’
lll
‘સૉરી, રશ્મિ. મારા પર કશુંક જબરદસ્ત પ્રેશર છે એટલે હું તને અત્યારે ‘સહી ન્યુઝ’માં રાખી શકું એમ નથી. મારે માત્ર આ ચૅનલ જ નથી ચલાવવાની, મારા બીજા બધા બિઝનેસ પણ સાચવી રાખવાના છે.’
ઑબેરૉય રશ્મિને કહી રહ્યો હતો. રશ્મિ અવાક બનીને તેની સામે જોઈ રહી.  
lll
શાહનવાઝ અને પૃથ્વીરાજ વચ્ચેની લડાઈને કારણે મૉડલ શૈલજા સિંઘલ, ઍક્ટર પ્રવીણકુમાર, શોએબ, હેડ કૉન્સ્ટેબલ અડસુલ, વિજય સિંહાના ડ્રાઇવર સહિત અનેક લાશો પડી ગઈ હતી. તો પૃથ્વીરાજની હત્યાની કોશિશ કરનારા શૂટર્સથી માંડીને અલતાફ, લાલા, બબલુ, અબ્દુલચાચા, આફતાબ અને શાહનવાઝના પર્સનલ બૉડીગાર્ડ સહિતના માણસો લૉકઅપ ભેગા થઈ ગયા હતા. 
હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બે સુપરસ્ટાર શાહનવાઝ અને પૃથ્વીરાજ વચ્ચેના ઝઘડાને કારણે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી માંડીને મીડિયામાં, અન્ડરવર્લ્ડમાં, પૉલિટિક્સમાં અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં ધમાલ મચી ગઈ હતી.
આ બધી ધમાલ શાહનવાઝના અને પૃથ્વીરાજ વચ્ચેના અહમના ટકરાવને કારણે થઈ હતી. મુંબઈમાં થોડા દિવસો દરમિયાન જેટલી પણ ઘટનાઓ બની એ તમામ ઘટનાઓના કેન્દ્રમાં શાહનવાઝ અને પૃથ્વીરાજ હતા, પણ બીજા બધા આફતોમાં ફસાઈ ગયા હતા ત્યારે શાહનવાઝ વિદેશમાં જલસા કરી રહ્યો હતો.
lll
થોડા દિવસોમાં બધું શાંત પડી ગયું અને શાહનવાઝ પાછો મુંબઈ આવી ગયો.
શાહનવાઝ મુંબઈ આવી ગયો એ પછી થોડા દિવસો બાદ એક વિવાદાસ્પદ સંસદસભ્યની પાર્ટીમાં શાહનવાઝ અને પૃથ્વીરાજ ગાઢ મિત્રોની જેમ ભેટતા જોવા મળ્યા. એ તસવીરો અને વિડિયો ફુટેજ દેશભરનાં તમામ અખબારો અને ટીવી ચૅનલ્સમાં જોવા મળ્યાં. પૃથ્વીરાજ અને શાહનવાઝને ‘ઉપર’થી આદેશ અપાયો હતો કે ‘તમારે બંનેએ સમાધાન કરી લેવાનું છે નહીં તો એની કિંમત તમારે બંનેએ ચૂકવવી પડશે.’
lll
‘લેટ્સ ફરગેટ ધ પાસ્ટ!’ 
વિજય સિંહા રશ્મિને કહી રહ્યા હતા. ડૉક્ટરોએ સિંહાને બચાવી લીધા હતા. જોકે તેઓ એક મહિના પછી હજી પણ હૉસ્પિટલમાં જ હતા. રશ્મિ ‘માનવતા’ને નાતે તેમની ખબર કાઢવા ગઈ હતી એ વખતે તેમણે રશ્મિને ફરી વાર ‘ખબર ઇન્ડિયા’માં જોડાઈ જવાની ઑફર આપી.   
‘કોઈ કાયમી દુશ્મન હોતા નથી’ એ કહેવતને સાર્થક કરતા હોય એમ વિજય સિંહા અને રશ્મિએ હાથ મિલાવી લીધા!  
lll
‘જોઈ લીધોને શાહનવાઝનો પાવર? તું ખોટો ડરી ગયો હતો. બાય ધ વે, આપણે ટેમ્પરરી સમાધાન કરી લીધું છે, પણ $%#@*& પૃથ્વીને છોડવાનો નથી. જોકે આ વખતે બહુ સાવચેતી સાથે કામ પાર પાડવું પડશે.’ 
થોડા દિવસો પછી શાહનવાઝ મિલનકુમારને કહી રહ્યો હતો!
lll
આ બધી ધમાલના ત્રણ મહિના પછી...
‘અરે! પૃથ્વી દેખાયો નહીં હજી સુધી! તે હવે ‘ધ’ પાયલ મિશ્રાને પણ રાહ જોવડાવતો થઈ ગયો!’
પાયલની પાર્ટીમાં ડ્રિન્ક લેતાં-લેતાં શાહનવાઝ કટાક્ષભર્યા સ્વરે કહી રહ્યો હતો.
એ સાંભળીને શાહનવાઝની આજુબાજુ ઊભેલા ચમચાઓ હસી પડ્યા.
પાયલે સ્મિત ફરકાવીને કહ્યું, ‘હી વિલ રીચ ઍની ટાઇમ.’ 
પાયલે જુહુમાં એકસોત્રીસ કરોડ રૂપિયાનો બંગલો ખરીદ્યો હતો અને એ માટે હાઉસવૉર્મિંગ સેરેમનીનું આયોજન કર્યું હતું. એ દિવસે તેણે પોતાના ઘરમાં પૂજા રાખી હતી અને પછી રાતે કૉકટેલ પાર્ટીનું આયોજન કર્યું હતું એમાં તેણે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ફ્રેન્ડ્સ 
અને દેશનાં જુદાં-જુદાં ક્ષેત્રોની પાવરફુલ પર્સનાલિટીઝને નિમંત્રણ આપ્યું હતું.
પાયલની પાર્ટીમાં આમંત્રિતો ગપ્પાં મારી રહ્યા હતા. એ દરમિયાન પૃથ્વી કેમ હજી સુધી પાર્ટીમાં આવ્યો નહીં એ વિશે ગૉસિપ ચાલી રહી હતી તો દબાયેલા અવાજે કોઈ કહી રહ્યું હતું કે સોફિયા પૃથ્વીથી પ્રેગનન્ટ થઈ ગઈ હતી, પણ તેણે અબૉર્શન કરવાની ના પાડી એટલે પૃથ્વી અને તેની વચ્ચે મોટો ઝઘડો થઈ ગયો હતો. પૃથ્વીએ તેને જોરથી લાત મારી એટલે સોફિયાને ગર્ભપાત થઈ ગયો હતો. પછી પૃથ્વીની મૅનેજર સીમાએ બંને વચ્ચે સમાધાન કરાવ્યું હતું! કોઈ ગ્રુપમાં વળી એવી વાત થઈ રહી હતી કે પૃથ્વીના પાયલ સાથેના સંબંધોને કારણે સોફિયાનો પૃથ્વીરાજ સાથે મોટો ઝઘડો થઈ ગયો હતો અને સોફિયાએ પૃથ્વીના બંગલે જઈને તેની સાથે બધાની હાજરીમાં ઝઘડો કર્યો હતો અને ધમકી આપી હતી કે ‘તેં મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે, પૃથ્વી. હું તને મારી નાખીશ!’    
‘ખબર ઇન્ડિયા’ ચૅનલની મૅનેજિંગ એડિટર રશ્મિ માથુર અને એડિટર ઇન ચીફ આશિષકુમાર સહગલ બંનેને પાર્ટીમાં જોઈને પણ ઘણા ગેસ્ટ્સ  મનોમન મલકી રહ્યા હતા. રશ્મિ અને સહગલના તથા રશ્મિ અને પૃથ્વીના ઝઘડાની વાતો પણ બહેલાવીને કરી રહ્યા હતા.  
આઆ દરમિયાન પાયલ સહિત ઘણી વ્યક્તિઓ આતુરતાપૂર્વક પૃથ્વીના આગમનની રાહ જોઈ રહી હતી, પણ  પૃથ્વીરાજ મોડે સુધી ત્યાં આવ્યો નહીં અને તેના ફોન-નંબર્સ પણ બંધ હતા. અને પૃથ્વીના સિક્યૉરિટી ગાર્ડ્સનો તથા પોલીસમેનનો સંપર્ક કરાયો ત્યારે તેમણે કહ્યું કે ‘પૃથ્વી સર સાંજથી બેડરૂમની બહાર નીકળ્યા જ નથી’ એટલે બધાની ધીરજનો અંત આવી ગયો.
છેવટે સોફિયાએ કહ્યું, ‘મને કશુંક અજુગતું લાગી રહ્યું છે. હું પૃથ્વીના મઢ આઇલૅન્ડના બંગલે જાઉં છું.’ 
સીમા અને પાયલે કહ્યું કે ‘અમે પણ સાથે આવીએ છીએ.’
પાયલ, સોફિયા અને સીમાની સાથે અન્ય કેટલાક આમંત્રિતો પણ જોડાયા. એ બધાં અલગ-અલગ કારમાં પૃથ્વીના મઢ આઇલૅન્ડસ્થિત બંગલાના કમ્પાઉન્ડમાં પહોંચ્યા. સોફિયા કારમાંથી ઊતરીને બંગલાના મેન ડોર તરફ ધસી ગઈ. તેણે ડોરબેલની સ્વિચ દબાવી, પરંતુ કોઈ રિસ્પૉન્સ ન મળ્યો.  
સોફિયાને અચાનક યાદ આવ્યું. તેણે કહ્યું, ‘મારી પાસે ચાવી છે. હું દરવાજો ખોલું છું.’ જોકે તે હજી બોલી રહી હતી એ જ વખતે પાયલે પોતાના પર્સમાંથી ચાવી કાઢી લીધી હતી અને તે લૉક ખોલવા માટે આગળ વધી ચૂકી હતી.
સોફિયા પોતાના હાથમાં ચાવી સાથે ફાટેલી અને ખુન્નસભરી આંખે પાયલ તરફ જોઈ રહી. જોકે તે કશું ન બોલી. અત્યારે ઝઘડો કરવાનો સમય નહોતો.
તે બધા અંદર પ્રવેશ્યા અને એ વિશાળ બંગલોમાં પૃથ્વી જે બેડરૂમનો ઉપયોગ કરતો હતો એ બેડરૂમ તરફ ધસી ગયા. એ દરવાજો પણ લૉક હતો. પાયલે ફરી ચાવી સાથે લૉક તરફ હાથ લંબાવ્યો, પણ એ વખતે સોફિયાએ પોતાની ચાવીથી એ બેડરૂમનો દરવાજો ખોલી નાખ્યો.
સોફિયા અને પાયલ એકસાથે અંદર ધસી ગયાં. બેડરૂમમાં પ્રવેશતાંવેંત તે બંનેએ એકસાથે ચીસ પાડી. એ દરમિયાન સીમા અને અન્ય વ્યક્તિઓ પણ અંદર પ્રવેશી ચૂકી હતી. તે બધાંની આંખો પણ આશ્ચર્ય અને આઘાતથી ફાટેલી રહી ગઈ.
પૃથ્વીરાજ બેડરૂમની ફરસ પર લોહીના ખાબોચિયા વચ્ચે ઊંધો પડ્યો હતો!

આવતા અઠવાડિયે સમાપ્ત

ashu patel columnists saturday special