તુમને અગર દિલ સે મુઝે ચાહા, તુમ ભી તો હો સનમ મુઝે પ્યારે

10 March, 2023 06:10 PM IST  |  Mumbai | RJ Dhvanit Thaker

‘યાદોં કી બારાત’ના રેકૉર્ડિંગ દરમ્યાન કિશોરકુમારને આશા ભોસલે સાથે વાંધો પડ્યો, પણ જેવું આશાતાઈએ મોઢું ચડાવ્યું કે તરત જ કિશોરદા બધું ભૂલીને સામેથી આશાતાઈ પાસે ગયા અને તેમને જૂનો કિસ્સો યાદ કરાવીને પૅચઅપ કર્યું

તુમને અગર દિલ સે મુઝે ચાહા, તુમ ભી તો હો સનમ મુઝે પ્યારે

ગીતના બીજા અંતરામાં ઝીનત અમાને હીરોને મનાવવાનો છે, જે આશા ભોસલેએ ગાવાનો હતો. પહેલા અંતરા વખતે કિશોરકુમારે પોતે મૂકેલી શરત છોડી દીધી અને તેમણે આશા ભોસલે સામે જોઈને ગાવાનું શરૂ કર્યું, પણ બીજા અંતરા વખતે આશાતાઈએ એવું કર્યું નહીં અને તેઓ તો પીઠ ફેરવીને જ ગાતાં રહ્યાં.

‘આશા કી કટ્ટી, આજ સે... હંમેશ કે લિયે...’

‘યાદોં કી બારાત’નું સૉન્ગ ‘આપ કે કમરે મેં કોઈ રહતા હૈ...’નું રેકૉર્ડિંગ પૂરું થયું અને એ પછી આશા ભોસલેના કહેવા પર બીજી વખત એ ગીતનું રેકૉર્ડિંગ કરવામાં આવ્યું એમાં તો કિશોરકુમારને શું ખરાબ લાગી ગયું કે તેઓ નાના છોકરાની જેમ રિસાઈ ગયા અને ત્યાંથી ચાલ્યા ગયા. કિશોરદાએ નીકળતાં પહેલાં ઉપર કહ્યા એ શબ્દો કહ્યા હતા અને એ શબ્દો રાહુલ દેવ બર્મનના અસિસ્ટન્ટે જઈને તેમને કહ્યા અને કહ્યા જ નહીં, તેમણે એ વાતને અમલમાં મૂકીને બીજાં ગીતોના રેકૉર્ડિંગની તારીખમાં પોતાની મ્યુઝિક કૉન્સર્ટ માટે ઑર્ગેનાઇઝરને ડેટ્સ આપી દીધી.

બર્મનદાએ કિશોરકુમારને સમજાવવાની બહુ કોશિશ કરી, પણ કિશોરદા માન્યા જ  નહીં અને એક તબક્કે તો તેમણે સહજ રીતે સ્પષ્ટતા પણ કરી દીધી કે હું આશા ભોસલે સાથે હવે ગીત નહીં ગાઉં અને તેઓ નીકળી ગયા.

શો મસ્ટ ગો ઑન.

આવું જ ધારીને બર્મનદાએ નક્કી કર્યું કે તેઓ રફીને બોર્ડ પર લઈ આવશે, પણ પ્રોડ્યુસર નાસિર હુસેને સ્પષ્ટતા સાથે ના પાડીને કહી દીધું કે મને કિશોરકુમાર સિવાય બીજું કોઈ સિંગર જોઈતું નથી.

હવે શું કરવું? બે સૉન્ગનું રેકૉર્ડિંગ થયું હતું અને બેનું રેકૉર્ડિંગ બાકી હતું. આ બાકીનાં બે સૉન્ગ કેવી રીતે કિશોરદા પાસે ગવડાવવાં?

રાહુલ દેવ બર્મન રાહ જોવા માંડ્યા કે કિશોરકુમાર આવે એટલે તેમની પાસે જઈને વાત કરે. કિશોરકુમાર પાછા આવી ગયા, પણ આશા ભોસલે સાથે ગીત ગાવા માટે તેઓ રાજી નહીં. એક જ વાત, કાં તો એમાંથી આશાને હટાવી દો અને કાં તો એ સૉન્ગમાંથી મને હટાવી દો. બર્મનદાની હાલત એવી કફોડી થઈ કે તેઓ કાંઈ કરી શકે નહીં. એક તરફ તેમનો પ્રેમ અને બીજી તરફ એક લેજન્ડરી સિંગર, જેની ડિમાન્ડ ખુદ પ્રોડ્યુસરની હતી.

દિવસો નીકળતા ગયા એટલે છેવટે વાત હાથમાં લીધી નાસિર હુસેને. નાસિરસાહેબ કિશોરકુમારને મળવા ગયા અને જઈને તેમણે કહ્યું કે એક સૉન્ગ મારે માટે બહુ મહત્ત્વનું છે એ તમે રેકૉર્ડ કરી લો.

‘ગાને તો દો બાકી હૈ...’ કિશોરકુમારે ચોખવટ કરતાં પૂછી લીધું, ‘એક મૈં ગાઉંગા તો દૂસરા કૌન ગાએગા?’

નાસિર હુસેન કિશોરકુમારને ઓળખે. જો તેઓ એ સમયે બીજા કોઈનું નામ આપે તો વાત વધી જાય એટલે તેમણે તરત જ સરસ રસ્તો કાઢ્યો અને જવાબ આપી દીધો, ‘વો ગાના મૈં ફિલ્મ સે હટા દૂંગા...’ નાસિર હુસેનની એવી તૈયારી પણ હતી, ‘ઉસ ગાને સે મુઝે ફર્ક ભી નહીં પડેગા...’

એ પછી પણ થોડી લાંબી વાત ચાલી અને એ વાતો પછી કિશોરકુમારે ત્યારે જ હુસેનને કહ્યું કે રાહુલ દેવ બર્મનને મળવા બોલાવી લો. આર. ડી. બર્મન પણ આવી ગયા અને જેવા તેઓ આવ્યા કે તરત જ કિશોરકુમારે શરતનું લિસ્ટ કાઢ્યું.

‘હું આશા સામે જોઈને નહીં ગાઉં.’
‘જી...’
‘હું બીજી વાર રેકૉર્ડિંગ નહીં કરું...’
‘જી...’
‘હું જે રીતે સૉન્ગને લઉં એ જ રીતે આશાએ ગીત લેવું પડશે...’
‘જી...’

દરેકેદરેક બાબતમાં બર્મનદાએ હા પાડી અને તેમની પાસે બીજો કોઈ છૂટકો પણ નહોતો. રેકૉર્ડિંગની ડેટ નક્કી થઈ અને કિશોરકુમાર સ્ટુડિયો પર આવ્યા. એ પહેલાંની વાત કહી દઉં. કિશોરકુમારની શરતો સાંભળીને આશા ભોસલેને બહુ ગુસ્સો આવ્યો હતો, પણ બર્મનદાએ તેમને મહામહેનતે સમજાવ્યાં હતાં કે હવે કોઈ નવાં નાટક નથી કરવાં એટલે આશાતાઈ રેકૉર્ડિંગ માટે તૈયાર થઈ ગયાં હતાં, પણ તેમણે નક્કી કરી લીધું હતું કે તેઓ કિશોરકુમાર સામે જોશે પણ નહીં અને તેમણે એવું જ કર્યું.

આ પણ વાંચો:  યાદોં કી બારાત નિકલી હૈ આજ, દિલ કે દ્વારે

રિહર્સલ્સ થયાં એ દરમ્યાન પણ તેઓ કિશોરકુમાર તરફ પીઠ ફેરવીને જ રહ્યાં અને રેકૉર્ડિંગ સમયે પણ તેમણે એવી જ રીતે માઇક ગોઠવ્યું, જેથી કિશોરકુમાર તરફ પીઠ રહે. કિશોરકુમાર સમજી ગયા કે અત્યારે આશાતાઈનું જે વર્તન છે એ તેમની શરતને કારણે પણ આશાજીના ગુસ્સાને કારણે છે. અલબત્ત, હવે તો તીર છૂટી ગયું હતું એટલે તેમનાથી કંઈ થઈ શકે એમ નહોતું, પણ સૉન્ગ દરમ્યાન તેમણે પૂરેપૂરી ટ્રાય કરી કે આશા ભોસલેનો ગુસ્સો ઊતરે. નસીબજોગે ગીતના શબ્દો પણ એવા જ હતા, 

‘આ કે મેરી આંખોં મેં તુમ દેખો,
ઇન મેં હર એક અદા તુમ્હારી હૈ
કહને કો યે દિલ હૈ મેરા લેકિન,
ધડકન મેં સદા તુમ્હારી હૈ
તુમ પે ચૈન મેરા, તુમ પે મેરા કરાર...
આઇ લવ યુ...’

ગીતના બીજા અંતરામાં ઝિનત અમાને હીરોને મનાવવાનો છે, જે આશા ભોસલેએ ગાવાનો હતો. પહેલા અંતરા વખતે કિશોરકુમારે પોતે જ મૂકેલી શરત છોડી દીધી અને તેમણે આશા ભોસલે સામે જોઈને ગાવાનું શરૂ કર્યું, પણ બીજા અંતરા વખતે આશાતાઈએ એવું કર્યું નહીં અને તેઓ તો પીઠ ફેરવીને જ ગાતાં રહ્યાં,

‘તડપ કે યૂં બહોત ના તડપાઓ
અચ્છા બાબા ચલો હમ હી હારે
તુમને અગર દિલ સે મુઝે ચાહા
તુમ ભી તો હો સનમ મુઝે પ્યારે
મેરે કરીબ આઓ જરા, 
સુન ભી લો દિલ કી પુકાર...’

રેકૉર્ડિંગ પૂરું થયું. આર. ડી. બર્મનથી માંડીને ત્યાં હાજર હતા એ સૌને સમજાઈ ગયું હતું કે ગીત ગવાઈ ગયું છે, પણ એમાં જીવ નથી. હવે કિશોરકુમારને કહેવું કેવી રીતે કે ગીતમાં મજા નથી આવતી? મૂંઝવણ ચાલતી હતી એ દરમ્યાન જ કિશોરકુમારે આશા ભોસલેને કહ્યું, ‘આશા, એક બાત પૂછું...’ સામે જોયા વિના જ આશાજીએ હોંકારો આપ્યો એટલે કિશોરકુમારે કહ્યું, ‘યાદ હૈ, એક બાર દાદર સ્ટેશન પે મૈં ચાય પીતા થા ઔર તુમ્હારા હાથ લગને સે મેરા સફેદ કુર્તા બિગડ ગયા થા...’
‘હંઅઅઅ...’

‘ઉસ વક્ત મૈંને ક્યા કિયા થા?’

જવાબ આપવાને બદલે આશા ભોસલે એકઝાટકે કિશોરકુમારની સામે ફર્યાં અને પોતાનું જાણીતું સ્માઇલ કર્યું કે તરત જ કિશોરકુમાર બોલ્યા, ‘વૈસા હી મેરે સાથ કરો ના...’
જે દિવસે ચા ઢોળાવાને કારણે સફેદ ઝભ્ભો બગડ્યો હતો એ દિવસે આશા ભોસલે બહુ ડરી ગયાં હતાં કે હમણાં કિશોરકુમાર ભડકશે, પણ કિશોરકુમાર એક શબ્દ બોલ્યા નહીં અને તેમણે હસતા મોઢે આશાતાઈને માફ કરી દીધાં હતાં.

‘એક બાર ફિર સે કરે ગાના...’

આશા ભોસલેએ સ્માઇલ સાથે પૂછ્યું અને કિશોરકુમારે રાડ પાડીને ફરીથી રેકૉર્ડિંગ માટે કહી દીધું. એ સમયે નાસિર હુસેન અને રાહુલ દેવ બર્મનને જે હળવાશનો અનુભવ થયો હશે એ ક્યારેય વર્ણવી શકાય એમ નથી, તો આ જે પૅચ-અપ હતું એ ઇમોશન્સ પણ ક્યારેય વર્ણવી શકાય નહીં.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists