28 May, 2024 11:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફિલ્મનું પોસ્ટર
આપણા પપ્પા જેમ ગર્વ કરે છેને કે ‘શોલે’ અમારા સમયની ફિલ્મ.
એવી જ રીતે હું પણ ભવિષ્યમાં મારાં બાળકો સામે ગર્વ સાથે કહીશ કે ‘લગાન’ અમારા સમયની ફિલ્મ. શું ફિલ્મ છે. તમારા મોઢામાંથી એક જ શબ્દ નીકળે અને એ પણ ત્રણ વાર.
અદ્ભુત, અદ્ભુત, અદ્ભુત.
મને અત્યારે પણ યાદ છે કે ‘લગાન’ રિલીઝ થઈ એ જ દિવસે સની દેઓલની ‘ગદર-એક પ્રેમકથા’ રિલીઝ થઈ હતી અને અમે ફ્રેન્ડ્સે એની ટિકિટ લીધી હતી, પણ ‘લગાન’ નો શો છૂટ્યો અને ત્યાં જે મેં બધાનાં રીઍક્શન જોયાં એ જોઈને જ મેં નક્કી કર્યું કે હું પહેલાં ‘લગાન’ જોવા જઈશ. એ દિવસે મને ‘લગાન’નો જે નશો ચડ્યો એ આજ સુધી અકબંધ છે. તમે માનશો નહીં, પણ ‘લગાન’ મેં થિયેટરમાં ૩પ વાર જોઈ છે અને ૩પ૦ વાર હું એ ડીવીડી કે ટીવી પર જોઈ ચૂક્યો હોઈશ. આજે પણ જો હું ફ્રી હોઉં, કોઈ કામ ન હોય કે પછી મને કશું સૂઝતું ન હોય તો હું ‘લગાન’ ચાલુ કરી દઉં. એ ફિલ્મ મારો મૂડ ચેન્જ કરી નાખે છે.
‘લગાન’ જોઈ એ વખતે તો હું ફિલ્મલાઇનમાં આવીશ એવું મનમાં પણ નહોતું, પણ પછી હું ફિલ્મલાઇનમાં આવ્યો તો મને એ ફિલ્મ અહીં પણ બહુ ઉપયોગી થઈ તો સાથોસાથ ‘લગાન’ મને લાઇફમાં પણ બહુ ઉપયોગી થઈ છે.
એમાં મોટિવેશન છે તો એની સાથે એમાં કેટલાક મેસેજ પણ છે. એક થઈને રહો તો કોઈને પણ હરાવી શકો એ વાત કેટલી સરસ રીતે કહી દીધી છે અને એ મેસેજ પણ કેટલો સરસ રીતે આપ્યો છે કે અશક્ય લાગતું કામ પણ હોય તો આસાન જ છે. ટીમ-સ્પિરિટ પણ એમાં છે અને લીડરશિપનો મેસેજ પણ એમાં છે. હું કહીશ કે આ વેકેશનમાં તમે તમારાં બાળકો સાથે ક્યાંય ફરવા ન જઈ શકો તો વાંધો નહીં, પ્લાન બનાવો કે તમે તેમની સાથે બેસીને ‘લગાન’ જુઓ. આપણામાં પણ એક ભુવન છે, એવો ભુવન જે ક્યાંય હારતો નથી, થાકતો નથી, ડરતો નથી અને સતત આગળ વધતો રહે છે. પણ આપણે તે ભુવનને ક્યાંક પાછળ છોડી દીધો છે. આપણે એ ભૂલી ગયા કે રૂટીનમાંથી બહાર નીકળી ચૅલેન્જને સ્વીકારવી પડશે. ચૅલેન્જ જ તો આપણને વધારે સ્ટ્રૉન્ગ બનાવે છે. મારી વાત માનવામાં ન આવતી હોય તો એક વખત ‘લગાન’ જોઈ લો.
- અભિષેક જૈન (નવી જનરેશનની ગુજરાતી ફિલ્મોના સર્જક એવા અભિષેક જૈને અનેક સુપરહિટ ગુજરાતી ફિલ્મો ડિરેક્ટ અને પ્રોડ્યુસ કરી છે)