07 January, 2026 02:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
એક નીતિકથા છે. ઘણાં વર્ષો પહેલાં વાંચી હતી પણ કહેવતરૂપે યાદ રહી ગઈ છે. ‘કરડવું નહીં પણ ફૂંફાડો તો જરૂર રાખવો.’ નવી પેઢીને તો કદાચ ખબર ન પણ હોય. અત્યારે જ્યારે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે ગુજરાતી પ્રજા અને ગુજરાતી રાજકારણીઓની પણ સદંતર અવગણના થઈ રહી છે ત્યારે ગુજરાતી પ્રજાએ અવાજ ઉઠાવીને પોતાની ફરિયાદોના નિવારણ માટે કેટલીક માગણીઓ કરવી જરૂરી છે અને જે ઉમેદવાર આ માગણીઓ પૂરી કરવા ખાતરી આપે તેને જ મત આપીશું એવી સ્પષ્ટ વાત કરવી જોઈએ. આજે ગુજરાતીઓની હાલત કેવી છે? નીચે દર્શાવેલી નીતિકથા વાંચશો તો સમજાઈ જશે.
એક સર્પ ગામની બહાર વૃક્ષ નીચે દર કરીને રહેતો હતો. ત્યાંથી આવનાર-જનારને એ કરડતો અને જેને કરડ્યો હોય તેને વેદના થાય અને કદાચ મૃત્યુ પણ થાય. એટલે લોકો એ વૃક્ષની પાસે જતા નહીં, દૂરથી ચાલ્યા જતા. એક વખત એક તપસ્વી સાધુ ત્યાંથી પસાર થતા હતા. સર્પ એને કરડવા ધસ્યો. સાધુએ તેમના તેજથી-તપથી એને રોક્યો અને ઉપદેશ આપ્યો. તેમના ચમત્કારથી સર્પ શાંત થઈને ઉપદેશ સાંભળી રહ્યો. સાધુએ કહ્યું, ‘જો, તારા આગલા જન્મના પાપથી, દુષ્કર્મોથી તું આ સર્પયોનિમાં આવ્યો છે. હજી આ યોનિમાં પણ તું લોકોને કરડીને મૃત્યુ નિપજાવીશ તો વધુ અધોગતિ થતી રહેશે. આમાંથી તારો છુટકારો ક્યારે થશે?’ સર્પને વાચા ફૂટી, ‘તો હું શું કરું? કરડવું મારો સ્વભાવ છે.’
સાધુએ ઉત્તર આપ્યો, ‘સર્પનો સ્વભાવ કરડવાનો છે એ હું જાણું છું, પરંતુ આપણા સ્વભાવ પર કાબૂ રાખવો, સંયમ રાખવો; સહનશીલ થવું એ તપ છે, એનાથી તારો આગલો જન્મ સુધરશે. મને આશા છે કે તું મારા ઉપદેશનો અમલ કરીશ.’ સર્પે કહ્યું, ‘હું પ્રયત્ન કરીશ.’
પછી સાધુ તો ચાલ્યા ગયા. સર્પે પણ ઉપદેશ સ્વીકારીને મનમાં ગાંઠ વાળી કે હવે કોઈને કરડવું નહીં. એટલે પોતાના દરમાંથી બહાર આવી, વૃક્ષ નીચે શાંતિથી બેસીને એ સામેથી પસાર થતા લોકોને જોયા કરતો. પ્રારંભમાં લોકો ડરથી દૂર રહીને જતા રહેતા, પણ પછી જેમ-જેમ અનુભવ થયો કે આ સર્પ તો કરડવા આવતો જ નથી અને શાંતિથી બેસી રહે છે તેમ-તેમ લોકોનો ભય ઓછો થવા લાગ્યો અને વૃક્ષ પાસેથી નિશ્ચિંત બની પસાર થવા લાગ્યા. પછી તો અટકચાળા છોકરાઓ કાંકરીચાળો કરવા માંડ્યા, જોવા માટે કે સર્પ સાચેસાચ સુધરી ગયો છે કે નહીં. કેટલાક લોકો તો પથ્થરો મારવા લાગ્યા. સર્પ શાંત રહ્યો, સહનશીલ થયો, લોહીલુહાણ થયો; પરંતુ સાધુનો ઉપદેશ છોડ્યો નહીં. આવતો જન્મારો, આવતો ભવ સુધારવા આ ભવનાં દુ:ખ તો સહન કરવાં પડેને?
યોગાનુયોગ ફરી એક વાર સાધુમહારાજ ત્યાંથી પસાર થયા. તેમણે શાંતિપૂર્વક સર્પને નીચે બેઠેલો જોયો. તેઓ તેની નજીક ગયા. સર્પને તેમણે લોહીલુહાણ હાલતમાં જોયો. તેમને બહુ દુઃખ થયું. સર્પે તેમનો ઉપદેશ પાળ્યો એનો આનંદ થયો, પરંતુ એને કારણે સર્પની આવી અવદશા જોઈ તેઓ વ્યથિત થયા. તેમણે સર્પને સહાનુભૂતિપૂર્વક પૂછ્યું, ‘આ શું થઈ ગયું?’
‘મેં તમારો ઉપદેશ પાળ્યો. કોઈને કરડ્યો નથી, પણ લોકોને ખબર પડી કે હું કરડતો નથી તેથી તેઓ નિર્ભય થઈ ગયા. કોઈ-કોઈ તો પથ્થરો પણ મારવા લાગ્યા. હું સહન કરતો રહ્યો તેથી આ દશા થઈ.’ સર્પે પોતાની આપવીતી કહી.
સાધુ મહારાજે કહ્યું, ‘અરે મારા ભાઈ, મેં તને કરડવાની ના પાડી હતી પણ ફૂંફાડો નહીં મારતો એમ ક્યાં કહ્યું હતું? ફૂંફાડા મારતો રહ્યો હોત તો લોકો ડરીને દૂર ચાલ્યા જાત અને તારી આ દશા ન થઈ હોત.’
આજે આપણે ગુજરાતીઓએ આવા ફૂંફાડાઓ મારતાં શીખવું પડશે એવું લાગી રહ્યું છે, નહીં તો અન્યાય સહન કરવાની આદત પડી જશે. પ્રખ્યાત ધારાશાસ્ત્રી નાની પાલખીવાલા પણ પોતાના બજેટ પછીના વ્યાખ્યાનમાં વારંવાર એક વાત કહેતા રહેતા કે આપણા દેશમાં મોટી સમસ્યા એ છે કે લોકોને ખોટું સહન કરવાની આદત પડી ગઈ છે. ગમેતેટલું ખોટું થઈ રહ્યું હોય, ખોટી રીતે કરવેરા નખાયા હોય, ખોટી રીતે પેનલ્ટી ચાર્જ કે કર માગવામાં આવ્યો હોય... ગુજરાતી કરદાતા પોતાના CAને કહેતો હોય છે, ‘ગમેતેમ કરીને સેટલ કરાવોને.’
આવા સંજોગોમાં પ્રજા તરીકે આપણે કેવી માગણીઓ કરી શકીએ એ માટે કેટલાંક સૂચનો. આપણે કોઈ પણ કામ માટે સરકાર કે નગરપાલિકામાં મંજૂરી લેવાની હોય અને એ માટે અરજી કરીએ તો દિવસો જાય, મહિનાઓ જાય પણ કોઈ જ જવાબ ન મળે. આનું મુખ્ય કારણ એ છે કે આપણી અરજીનો નિકાલ અમુક સમયમાં થવો જ જોઈએ એવું કોઈ બંધન નથી એટલે તમે થાકી જાઓ અને લાચારીથી પૈસા આપો ત્યારે જ કંઈક કામ થાય. જેમ રાઇટ ટુ ઇન્ફર્મેશન (માહિતી અધિકાર અધિનિયમ) ઍક્ટ અને PIL (પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન)ને લીધે આપણે લોકશાહીની ઝલક અનુભવી શક્યા છીએ તો એક વધુ હક ‘નિશ્ચિત સમયમાં જવાબ મેળવવાનો હક’ પ્રજાને મળવો જોઈએ. આજે તો માહિતી અધિકાર ધારા હેઠળ પણ પહેલી અપીલ કે બીજી અપીલ કર્યા બાદ જ જોઈતી માહિતી મળે છે. એમાં પણ ક્યારેક જો સાચી માહિતી ન આપવી હોય તો અપીલમાં ગયા પછી પણ લાંબી તારીખ (કોર્ટની માફક) આપવામાં આવે છે.
આ હક મળી જાય તો કોઈ પણ અધિકારીએ નાગરિકે અરજી કરી હોય કે પત્ર લખ્યો હોય તો એનો જવાબ ચારથી છ અઠવાડિયાંમાં વિગતવાર આપવો જ પડે અને ન મોકલે તો એ વિભાગના વડા પાસે જવાબ કેમ નથી આપ્યો એમ પૂછવામાં આવે અને કડક શિક્ષા પણ એ અધિકારીને મળે. વ્યક્તિગત મેળાપનો હક. સરકારી ઑફિસોમાં કે મ્યુનિસિપાલિટીમાં કે પ્રધાનના કાર્યાલયમાં મળવાનો સમય મુકરર કરીને પણ આપણે જ્યારે મળવા જઈએ છીએ ત્યારે એ અધિકારી કે પ્રધાન ખુરસી પર ઘણી વાર હોતા જ નથી અને એવું જણાવવામાં આવે છે કે અધિકારી કે નેતા મીટિંગમાં ગયા છે. કોઈ પણ ખાતામાં બે અપૉઇન્ટમેન્ટમાં તો અધિકારીએ કે નેતાએ ફરિયાદીને મળવું જ જોઈએ. આવો કાયદો થાય તો સરકારી ફાઇલો પાસ કરવામાં જે ઢીલની નીતિ છે અને ભ્રષ્ટાચાર છે એના પર અંકુશ આવશે. સરકાર તરફથી લોકસભાના દરેક સભ્યને તેમના વિભાગના વિકાસ માટે રૂપિયા મળે છે એ ક્યાં અને કેમ વાપરવા એનાં સૂચનો પ્રજા તરફથી માગ્યા પછી ફક્ત એ જ કામો માટે આ રકમનો ઉપયોગ થવો જોઈએ. દરેક વિસ્તારમાં એક ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ કેન્દ્ર ખોલવું જોઈએ. આ કેન્દ્રમાં એ વિસ્તારના ૧૦૦ સ્વયંસેવકો જે આ કાર્ય કરવા તૈયાર હોય તેમનાં નામો અને મોબાઇલ-નંબરો એ વિસ્તારના લોકોને પહોંચાડવાં જોઈએ. આજે તો વૉટ્સઍપ ગ્રુપ બનાવીને પણ આવી માહિતી દરેક એરિયામાં પહોંચાડી શકાતી હોય છે. ભ્રષ્ટાચારથી લોકો ત્રાસી ગયા છે. એની નાબૂદી માટે લાંચ આપનાર અને લેનાર બન્ને ગુનેગાર ગણાવા જોઈએ. તેથી લાંચ આપનારને પણ ડર રહેશે કે પોતે પકડાશે તો સજા થશે.
- હેમંત ઠક્કર (લેખક જાણીતા પ્રકાશનગૃહ એન. એમ. ઠક્કરની કંપનીના સૂત્રધાર છે.)