04 February, 2021 11:38 AM IST | Mumbai | Jayesh Chitalia
પ્રતીકાત્મક તસવીર
તમારો કોઈ મિત્ર યા સગાંસંબંધી તમારી પાસે સોશ્યલ મીડિયાના માધ્યમથી મેસેજ કરીને નાણાં માગે તો તમે શું કરો? ભલે બીજાને મદદ કરવા માગે તોય ફેસબુક કે અન્ય કોઈ પણ સોશ્યલ મીડિયાના માર્ગે માગે તો શું તમે એને વાજબી માનો? તે તમને સીધો ફોન કરીને આ વાત કરી શકે છે. માત્ર મેસેજ કરીને શા માટે તમને કહે કે તેને સહાય કરો અથવા દાન કરો. આ સવાલ-વિચાર તમારે પાક્કો કરી લેવાનો સમય આવી ગયો છે. સોશ્યલ મીડિયાના માધ્યમથી તમારે છેતરાવાથી બચવું હોય તો આટલી બારીક સમજ આવશ્યક છે.
ઓટીપી ક્યારેય કોઈને ન અપાય
આ જ રીતે તમને કોઈ અજાણી વ્યક્તિ પોતે તમારું જ્યાં અકાઉન્ટ છે એ બૅન્કમાંથી બોલું છું એમ કહી તમારી સાથે મીઠું-મીઠું બોલીને અને બૅન્કિંગની ભાષામાં વાત કરીને એક યા બીજી ચાલાકીથી તમારી પાસે તમારા કોઈ પણ બૅન્ક-વ્યવહારનો ઉલ્લેખ કરી ઓટીપી (OTP-વનટાઇમ પાસવર્ડ) માગે તો શું તમે તેને ઓટીપી આપો? યાદ રહે, એ માણસ ખરેખર બૅન્કમાં કામ કરતો હોય તો પણ ઓટીપી ન જ અપાય, ન જ અપાય અને ન જ અપાય એ સત્ય તમે તમારા મગજમાં નક્કર રીતે ભરી લો. આ વ્યવહાર ચેક બાઉન્સની સમસ્યાનો હોય કે ડેબિટ યા ક્રેડિટ કાર્ડની સમસ્યાનો હોય, તમારા ખાતામાં સીધાં નાણાં જમા થવાની વાતનો હોય કે તમારા ખાતામાં કોઈ ગૂંચવણ-મૂંઝવણનો હોય, ઓટીપી જેવી કેટલીક અંગત માહિતી કોઈની પણ સાથે શૅર ન કરાય એટલે ન જ કરાય. એ જ રીતે ડેબિટ-ક્રેડિટ કાર્ડના પિન-નંબર ક્યારેય કોઈને બતાવાય નહીં અથવા અપાય નહીં. જેમ તમારા બૅન્કના ઑનલાઇન અકાઉન્ટ માટે પાસવર્ડ સૌથી મહત્ત્વનો છે અને કોઈને જણાવાય નહીં તેમ જ એને બદલતા પણ રહેવું પડે તેમ ઓટીપી આજનો સૌથી મહત્ત્વનો નંબર છે, જે આપણા નાણાકીય વ્યવહારોની રક્ષા માટે હોય છે.
વીમાના નામે ઠગાઈ
કોઈ પણ માણસ તમને વીમા કંપનીમાંથી વાત કરું છું એમ જણાવી તમારા પૉલિસી-નંબર સાથે તમારી પૉલિસીની બાબતમાં ચોક્કસ મુદ્દા ઉપસ્થિત થયા છે અને એ માટે તમારી બૅન્ક સંબંધી ચોક્કસ વિગતો માગે તો એને એ વિગતો અપાય જ નહીં એ હકીકત સમજી લેશો તો વીમા બાબતે તમે ઉલ્લુ બનાવવાની ઠગાઈમાંથી બચી જશો. આ વાત તમારી પૉલિસીના પ્રીમિયમની હોય કે પાકતી પૉલિસીના અથવા મેડિક્લેમના જમા થનારાં નાણાંની હોય, તમારે સજાગ રહેવું જ જોઈશે.
ઇન્કમ-ટૅક્સ વિભાગને નામે
હવે વાત કરીએ ઇન્કમ-ટૅક્સ વિભાગની, જેના નામમાત્રથી પણ આપણી ચિંતા વધી જાય છે ભલેને આપણે પૂર્ણ પ્રામાણિકતાથી ટૅક્સ ભરતા હોઈએ. ઇન્કમ-ટૅક્સ વિભાગમાંથી ફોન કરું છું, તમારી સામે ટૅક્સ ડિમાન્ડ ઊભી છે, જલદીથી એ રકમ ભરી દો અન્યથા વ્યાજ અને પેનલ્ટી લાગશે એવું કોઈ કહે તો તેને તદ્દન ડર્યા વિના ઇગ્નૉર કરજો. કોઈ વ્યક્તિ આ જ રીતે તમારા બૅન્ક ખાતામાં ટૅક્સ રીફન્ડ જમા કરાવવાની વાત કરી તમારી બૅન્કની વિગત માગે તો પણ લાલસામાં આવી તેને કોઈ વિગત અપાય નહીં. ઇન શૉર્ટ, ન ડર, ન લાલસા. ઇન્કમ-ટૅક્સ વિભાગ ક્યારેય ફોન પર આ રીતે વાત કે માગણી કરતો નથી. આ બધું રાઇટિંગમાં કમ્યુનિકેશન મારફત જ થાય છે.
કેબીસી અને બિગ બીની ચેતવણી
કેબીસી (કૌન બનેગા કરોડપતિ)નો ગેમ શો ભલે પૂરો થઈ ગયો, પરંતુ એ શોમાં બિગ બી અમિતાભ બચ્ચન રોજેરોજ એક સલાહ-ચેતવણી રિઝર્વ બૅન્ક વતી આપતા રહ્યા હતા કે સાવધ રહો, સચેત રહો. આ ઉપરાંત દરેક બૅન્ક પણ સતત લોકોને ચેતવણી આપતી રહે છે કે તમારા બૅન્ક ખાતા, ક્રેડિટ કાર્ડ-ડેબિટ કાર્ડ વગેરે સંબંધી અંગત વિગત કોઈને પણ આપો નહીં. બૅન્કના કર્મચારીના નામે પણ કોઈ વિગત મગાય તો પણ એ શૅર કરવાની નથી, કેમ કે બૅન્ક આવી અંગત વિગત (જેની મારફત આર્થિક છેતરપિંડી થઈ શકે) આ રીતે ફોન પર માગતી જ નથી.
આધુનિક લૂંટારા
હવેનો યુગ ડિજિટલ યુગ છે, સરકાર કે અન્ય સંબંધિત એજન્સીઓ-સંસ્થાઓ તરફથી પણ ડિજિટલ વ્યવહારો કરવા બાબતે ભાર મુકાતો રહેશે. આ કાર્ય બધાને ફાવી જાય એવો માહોલ હજી ભારતમાં બન્યો નથી જેથી આ માર્ગે છેતરપિંડી થવાના કિસ્સા વધી શકે. હવે ટ્રેનમાં કે બસમાં ખિસ્સાકાતરુ બહુ નહીં આવે, બિલ્ડિંગો, મૉલ્સ વગેરે સહિતનાં જાહેર સ્થળોમાં સીસીટીવી કૅમેરા મુકાઈ ગયા હોવાથી પંરપરાગત ચોરી ઓછી જ થવાની, સાવ બંધ નહીં થાય એ હજી પણ બનતા કિસ્સા પરથી સમજાય છે. તેમ છતાં સાઇબર ક્રાઇમ મારફત ડિજિટલ માર્ગે, સાવ જ સામે આવ્યા વિના આપણને અથવા આપણા નામે બીજાને છેતરી જવાના કિસ્સા ચોક્કસ વધતા રહેશે.
બૅન્કમાંથી બોલું છું
મારા એક પરિચિત ભાઈને એક માણસે ફોન કર્યો અને તેના ક્રેડિટ કાર્ડ અકાઉન્ટમાં કંઈક નાણાંની ગરબડ થઈ હોવાનું જણાવી પોતે એ ગરબડનાં નાણાં પાછાં મેળવી આપશે એમ જણાવ્યું. પોતે બૅન્કમાંથી જ બોલે છે એવું તેણે પેલા ભાઈને ઠસાવી દીધું અને કહ્યું કે તેને બૅન્ક તરફથી એક મેસેજ મળશે, એ મેસેજ મળતાં તેનો ઓટીપી (વનટાઇમ પાસવર્ડ) પોતાને જણાવવાની સલાહ આપી. પેલા ભાઈએ કથિત બૅન્કના માણસની વાત માની લઈ તેને ઓટીપી મોકલી આપ્યો, પરિણામે પેલા પરિચિત ભાઈના ક્રેડિટ કાર્ડમાંથી ૨૫,૦૦૦ રૂપિયા ઊપડી ગયા.
૨૪/૭ ઍન્ટિ-સોશ્યલ બિઝનેસ
આવા કિસ્સા હવે કૉમન થવા લાગ્યા છે. સાઇબર ક્રાઇમ (અપરાધો) આજના જમાનાની સૌથી મોટી દુર્ઘટના છે, જે કોઈ ને કોઈની સાથે બનતી જ રહેશે. આ લખાય છે ત્યારે પણ આવી પ્રવૃત્તિ ક્યાંક ચાલતી જ હશે, યસ! આ એક ૨૪/૭ ઍન્ટિ-સોશ્યલ બિઝનેસ છે, જે સોશ્યલ મીડિયા મારફત ધૂમ ચાલે છે. તાજેતરના વધુ એક કિસ્સામાં મારા મિત્ર અમિત ત્રિવેદીના ફોટો-પ્રોફાઇલ સાથેનું સેમ ટુ સેમ અકાઉન્ટ ફેસબુક પર ખોલીને લોકો પાસે પૈસા માગવાની પ્રવૃત્તિ ચાલતી હતી. તેમને ખબર પડી કે તેણે તરત જ ફેસબુકને જણાવી એ અકાઉન્ટ બંધ કરાવ્યું અને જાહેરમાં સૌને અલર્ટ પણ કરી દીધા હતા.
આમ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ સહિતનાં વિવિધ સોશ્યલ મીડિયાનાં માધ્યમો સતત સાઇબર ક્રાઇમ વધતા જાય છે. માત્ર સામાન્ય બુદ્ધિના ઉપયોગ દ્વારા આવા અપરાધોને રોકી યા ટાળી શકાય છે. આ લૂંટારા ક્યાં બેઠા હોય છે, કયા સ્વરૂપે બેઠા હોય છે એવા સવાલ નહીં પૂછતા; પરંતુ એ મને, તમને અને આપણને-સિસ્ટમને ઉલ્લુ બનાવવા સતત સક્રિય હોય છે. તેમને આ માટે કોઈ ચોક્કસ સ્થળ કે ઑફિસની જરૂર નથી. તેઓ વિશ્વમાં ક્યાંય પણ બેસીને આપણને છેતરી શકે છે.
ઑનલાઇન ઠગાઈની આપવીતી
ચાલો કેટલાક સાચા-તાજા કિસ્સા પરથી આ હકીકતને સમજીએ. તાજેતરમાં મારા પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર મારા નામ, ફોટો અને પ્રોફાઇલ સાથે એક લેભાગુએ મારા નામે બીજાને મદદ કરવા સહાય માગવાની શરૂઆત કરી હતી; જેની મને પાછળથી ખબર પડી, કારણ કે તે માણસે મારા જ પરિવારના અમુક લોકોને પણ સહાય માટે વિનંતી મોકલી હતી. તેમ છતાં મારા એક મિત્રએ વધુ વિચાર્યા વિના મારા નામનો મેસેજ જોઈ તે લેભાગુ માણસને ૧૦,૦૦૦ રૂપિયા ટ્રાન્સફર કરી આપ્યા. એ સ્કૅમસ્ટરે મારી અટકના સ્પેલિંગમાં નજીવો-ધ્યાન ન જાય એવો ફેરફાર કર્યો હતો, પરંતુ મને આ વાતની જાણ જેની પાસે એ લેભાગુ તરફથી મેસેજ ગયો હતો એ મારા સ્વજનને શંકા જવાથી થઈ. તેણે તરત મને જણાવ્યું, આમ મને ખબર પડતાં જ મેં ઝડપી ધોરણે તમામ લાગતા-વળગતાઓને ફેસબુક, વૉટ્સઍપ સ્ટેટસ અને વૉટ્સઍપ મેસેજ મારફત સાવધાન કરી દીધા હતા. ત્યાર બાદ મેં મારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ બંધ કરાવી દીધું. પહેલાં મને થયું, મારું અકાઉન્ટ હૅક થયું છે; પણ વાસ્તવમાં એ ચીટરે મારા જ ફોટો અને પ્રોફાઇલનો ઉપયોગ કરી માત્ર અટકના સ્પેલિંગમાં નજીવો ફેરફાર કરી નવું અકાઉન્ટ જ ખોલ્યું હતું. યાદ રહે, આવી ચાલાકી કોઈના પણ અકાઉન્ટ સાથે થઈ શકે અને જેનું અકાઉન્ટ ન હોય તો પણ તેના નામે આમ થઈ શકે. આમ મારા બીજા મિત્રને પણ મેસેજ ગયો હતો, પરંતુ તેને શંકા જતાં તેણે તરત મને ફોન કરી પૂછી લીધું જેથી તેનાં નાણાં બચી ગયાં.જે મિત્રએ નાણાં મારી જાણ બહાર આપી દીધાં તેણે એમ કરતાં પહેલાં મને ફોન કર્યો હોત તો તેના પૈસા પણ બચી જાત. આથી એક વાત ખાસ યાદ રાખવી કે ક્યારેય આવી કોઈ રિક્વેસ્ટ મિત્રના નામે કે કોઈ પણ તરફથી આવે ત્યારે સીધી ફોન પર વાત કરી કન્ફર્મ કરી જ લેવું જોઈએ.