06 December, 2025 07:29 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર
રિઝર્વ બૅન્કે સાર્વત્રિક ધારણા પ્રમાણે રેપો-રેટમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કર્યો છે. સાથે-સાથે ચાલુ નાણાકીય વર્ષ માટે ૬.૮ ટકાના GDP ગ્રોથના અંદાજને અપગ્રેડ કરીને એને ૭.૩ ટકા કર્યો છે. રિઝર્વ બૅન્ક માને છે કે ડિસેમ્બર ક્વૉર્ટરનો આર્થિક વિકાસદર ૬.૪ ટકાને બદલે હવે ૬.૭ ટકા જોવાશે. એ જ પ્રમાણે ચાલુ વર્ષે ગ્રાહકભાવાંકની રીતે ફુગાવાનો વૃદ્ધિદર પણ ૨.૬ ટકાની અગાઉની ધારણા સામે હવે બે ટકા રહેવાનું અનુમાન છે. આર્થિક વિકાસદરને લઈ રિઝર્વ બૅન્કના બુલિશ-વ્યુમાં શૅરબજાર શુક્રવારે સુધારામાં જોવાયું છે. ગઈ કાલે સેન્સેક્સ આગલા બંધથી ૧૪૦ પૉઇન્ટ નરમ, ૮૫,૧૨૫ ખૂલી નીચામાં ૮૫,૦૭૮ થયા બાદ ત્યાંથી ૭૧૯ પૉઇન્ટ ઊંચકાઈ ૮૫,૭૯૭ની ઇન્ટ્રા-ડે ટૉપ બનાવી છેવટે ૪૪૭ પૉઇન્ટ વધી ૮૫,૭૧૨ તથા નિફ્ટી ઉપરમાં ૨૬,૨૦૩ નજીક જઈને ૧૫૩ પૉઇન્ટ વધી ૨૬,૧૮૬ બંધ થયો છે. જૂજ અપવાદ સિવાય બન્ને બજારનાં તમામ સેક્ટોરલ પ્લસ થયાં છે. સેન્સેક્સ નિફ્ટીના અડધા ટકા જેવા સુધારા સામે બૅન્ક નિફ્ટી પોણો ટકા કે ૪૮૮ પૉઇન્ટ, પીએસયુ બૅન્ક નિફ્ટી દોઢ ટકો, મેટલ ઇન્ડેક્સ પોણો ટકો, ફાઇનૅન્સ બેન્ચમાર્ક ૦.૮ ટકા, IT ઇન્ડેક્સ ૦.૬ ટકા વધ્યો છે. રેટ સેન્સિટિવ સેક્ટર્સમાં બૅન્કિંગ ઉપરાંત રિયલ્ટી ઇન્ડેક્સ ૦.૩ ટકા સુધર્યો છે, પરંતુ FMCG બેન્ચમાર્ક અને કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ સાધારણ નરમ હતા. ઑટો બેન્ચમાર્ક અડધો ટકો પ્લસ થયો છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ લગભગ ફ્લૅટ હતો. નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ પોણો ટકો ઘટ્યો છે. રોકડું કે સ્મૉલકૅબ ઇન્ડેક્સ ૦.૭ ટકા માઇનસ થયો છે. માર્કેટબ્રેડ્થ બગડેલી જ રહી છે. NSEમાં વધેલા ૧૩૩૫ શૅર સામે ૧૭૬૯ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૩૦૦૦ કરોડ ઘટીને ૪૬૯.૮૨ લાખ કરોડ થયું છે. સ્મૉલકૅપ ઇન્ડેક્સ છ મહિનાના તળિયે ગયો છે.
પ્રાઇમરી સેગમેન્ટમાં ગ્રેમાર્કેટમાં જેની શરૂથી ફેન્સી હતી એ એક્સાટો ટેક્નૉલૉજીઝ શૅરદીઠ ૧૪૦ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રેમાર્કેટમાં ૧૭૭ના પ્રીમિયમ સામે ૨૬૬ ખૂલી પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૨૭૯ ઉપર બંધ થતાં એમાં લગભગ ૧૦૦ ટકાનો લિસ્ટિંગ ગેઇન છૂટ્યો છે. પર્પલવેવ ઇન્ફોકૉમ ૧૨૬ની ઇશ્યુ પ્રાઇસ સામે ૧૩૨ ખૂલી ૧૩૮ થયા બાદ ૧૩૦ થઈ ૧૩૧ નજીક બંધ આવતાં એમાં ૩.૬ ટકાનો ગેઇન તથા લૉજિશ્યલ સૉલ્યુશન્સ ૧૯૩ની ઇશ્યુ પ્રાઇસ સામે ડિસ્કાઉન્ટમાં ૧૫૪ ખૂલી નીચલી સર્કિટે ૧૪૭ની અંદર જઈ ત્યાં જ બંધ રહેતાં ૨૪ ટકાની લિસ્ટિંગ લૉસ એમાં મળી છે. સોમવારે રાવલકૅર, ક્લિયર સિક્યૉર્ડ, સ્પેબ એધેસિવ્સ, ઇન્વિકટા ડાયગ્નોસ્ટિક્સ તથા એસ્ટ્રોન મલ્ટિગ્રેઇન લિસ્ટેડ થવાની છે. હાલ રાવલકૅરમાં ૭૫ તથા ક્લિયર સિક્યૉર્ડમાં ૩ રૂપિયા પ્રીમિયમ બોલાય છે.
બૅન્કિંગના ૪૧માંથી ૨૨ શૅર વધ્યા છે. ફિનો પેમેન્ટ બૅન્ક ૪ ટકાની મજબૂતીમાં ૩૧૫ હતી. RBL બૅન્ક સવાબે ટકા, સ્ટેટ બૅન્ક અઢી ટકા, PNB ૧.૮ ટકા ઝળકી મોખરે હતી. બંધન બૅન્ક ૪ ટકા તૂટી ૧૪૦ થઈ છે. ઇક્વિટાસ બૅન્ક અઢી ટકા અને ધનલક્ષ્મી બૅન્ક ૧.૮ ટકા ડુલ થઈ હતી. ફાઇનૅન્સ ઇન્ડેક્સના ૧૮૨માંથી ૯૩ શૅર વધ્યા છે. મહિન્દ્ર ફાઇનૅન્સ ૫.૯ ટકાની તેજીમાં ૩૬૭ની નવી ટોચે બંધ રહી છે. JSW હોલ્ડિંગ્સ અઢી ટકા કે ૫૦૭ રૂપિયા ખરડાઈ ૨૦,૪૮૫ હતી. લૉઇડ એન્જિનિયરિંગ ૨૩ ગણા કામકાજે આશરે ૪ ટકા ઊછળી બાવન તો એનો પાર્ટ પેઇડ શૅર નહીંવત્ ઘટાડે ૩૫ હતો. ડિફેન્સમાં એમટાર ટેક્નૉલૉજીઝ પાંચ ટકા કે ૧૨૫ રૂપિયાના ધબડકામાં ૨૩૯૨ થયો છે.
અદાણી એન્ટરપ્રાઇઝિસનો શૅરદીઠ ૧૮૦૦ના ભાવનો ૨૪,૯૩૦ કરોડનો મેગારાઇટ ચાલુ છે, ૧૦મીએ બંધ થશે. શૅર ગઈ કાલે બે ટકા વધીને ૨૨૬૫ બંધ થયો છે. એનો RE ૧૨.૪ ટકાના ઉછાળામાં ૪૨૬ જોવાયો છે. અનિલ અંદાણીની રિલાયન્સ ઇન્ફ્રા અઢી ટકા બગડી ૧૫૪ તો રિલાયન્સ પાવર સવા ટકો ઘટી ૩૭.૬૯ થઈ છે.
સતત ખોટ કરતી મિશો અને એક્વસમાં ઇન્વેસ્ટરોએ લાઇન લગાડી
ગઈ કાલે કુલ ૪ ભરણાં પૂરાં થયાં છે. એમાંથી ૩ મેઇન બોર્ડનાં છે. સતત ખોટ કરતી મિશો લિમિટેડનો એકના શૅરદીઠ ૧૧૧ના ભાવનો કુલ ૫૪૨૧ કરોડ પ્લસનો ઇશ્યુ રીટેલમાં ૨૦ ગણા સહિત કુલ ૮૨ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. ૪૬વાળું પ્રીમિયમ વધી હાલ ૪૮ બોલાય છે. સતત ખોટ કરતી અન્ય કંપની એક્વસ લિમિટેડનો ૧૦ના શૅરદીઠ ૧૨૪ના ભાવનો કુલ ૯૨૨ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૮૦ ગણા સહિત કુલ ૧૦૫ ગણા રિસ્પૉન્સમાં પૂરો થયો છે. પ્રીમિયમ ૪૫ રૂપિયા બોલાય છે. ગુજરાતના આણંદની વિદ્યા વાયર્સનો એકના શૅરદીઠ બાવનના ભાવનો ૩૦૦ કરોડનો IPO પણ રીટેલમાં ૩૦ ગણા સહિત કુલ ૨૯ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. પ્રીમિયમ ઘટીને ૩ થયું છે. જયપુરની શ્રીકાન્હા સ્ટેનલેસનો ૧૦ના શૅરદીઠ ૯૦ના ભાવનો ૪૬૨૮ લાખનો NSE SME ઇશ્યુ કુલ પોણાત્રણ ગણો ભરાઈ ગઈ કાલે પૂરો થયો છે.
SME સેગમેન્ટમાં નવી દિલ્હીની લકઝરી ટાઇમનો ૧૦ના શૅરદીઠ ૮૨ના ભાવનો ૧૮૭૪ લાખનો BSE SME IPO ગઈ કાલે બીજા દિવસના અંતે કુલ ૮૪ ગણો તેમ જ અંબાલા હરિયાણાની વેસ્ટર્ન ઓવરસીઝ સ્ટડી અબ્રૉડનો ૧૦ના શૅરદીઠ ૫૬ના ભાવનો ૧૦૦૭ લાખનો BSE SME ઇશ્યુ કુલ ૯૦ ટકા ભરાયો છે. ગ્રેમાર્કેટમાં લકઝરી ટાઇમનું પ્રીમિયમ વધી હાલ ૮૦ તથા વેસ્ટર્ન ઓવરસીઝમાં ૧૧ ચાલે છે. લકઝરી ટાઇમમાં પ્રીમિયમની ધમાલ ચાલે છે એ કેવળ અમદાવાદી લીડમૅનેજર GRY કૅપિટલ ઍડ્વાઇઝર્સની કમાલ કહેવાય છે.
ગઈ કાલે ખૂલેલા ત્રણ SME IPOમાં બેન્ગલુરુની મેથડહબ સૉફ્ટવેરનો પ્રથમ દિવસે ૧૦ના શૅરદીઠ ૧૯૪ની અપરબૅન્ડમાં ૧૦૩ કરોડ પ્લસનો BSE SME ઇશ્યુ કુલ બે ગણો, મુંબઈના ગોરેગામની એન્કમ્પાસ ડિઝાઇનનો શૅરદીઠ ૧૦૭ના ભાવનો ૪૦૨૧ લાખનો NSE SME ઇશ્યુ કુલ ૧૪ ટકા તથા ગુરુગ્રામની ફ્લાયવિંગ્સ સિમ્યુલેટર્સનો ૧૯૧ના ભાવનો ૫૭૦૫ લાખનો NSE SME ઇશ્યુ કુલ ૩૦ ટકા ભરાયો છે. મેથડહબમાં ૩૫નું પ્રીમિયમ છે.
કાયનેસ ટેક્નૉલૉજીઝ વૉલ્યુમ સાથે ૬૨૦ રૂપિયા પટકાયો
ITC હોટેલ્સમાં બ્રિટિશ અમેરિકન ટબૅકો (બેટ) તરફથી શૅરદીઠ ૨૦૬ નજીકના ભાવથી બ્લૉકડીલ મારફત ૧૮૭૫ લાખ શૅર કે ૯ ટકા માલ વેચવામાં આવ્યો છે. શૅર ગઈ કાલે જંગી વૉલ્યુમે નીચામાં ૨૦૫ થઈ પોણો ટકો ઘટીને ૨૦૬ થયો છે. પેનોરામા સ્ટુડિયોઝ બે શૅરદીઠ પાંચના બોનસમાં એક્સ બોનસ થતાં ઉપરમાં ૫૩ બતાવી ૩ ટકાની મજબૂતીમાં ૪૮ હતો. કેમ્સ લિમિટેડ ૧૦ના શૅરના બે રૂપિયામાં વિભાજનમાં એક્સ સ્પ્લિટ થતાં પોણાબે ટકા ઘટી ૭૭૮ રહી છે. ઓલા ઇલેક્ટ્રિક ખરાબી આગળ ધપાવતાં ૭૭૮ રહી છે. ઓલા ઇલેક્ટ્રિક ખરાબી આગળ ધપાવતાં ૩૪.૭૩ના ઑલટાઇમ તળિયે જઈને પોણા બે ટકા ઘટી ૩૫.૫૦ થઈ છે. કાયનેસ ટેક્નૉલૉજીઝમાં કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝ તરફથી અકાઉન્ટિંગ અને કૅશ ફ્લોમાં શંકા વ્યક્ત કરતાં કંપનીની ફાઇનૅશ્યલ હાલત વિશે પ્રતિકૂળ ટિપ્પણી કરવામાં આવતાં શૅરની હાલત વધુ ને વધુ બગડવા માંડી છે. ભાવ ગઈ કાલે નવ ગણા કામકાજ સાથે નીચામાં ૪૩૧૨ થઈ સાડાબાર ટકા કે ૬૨૦ રૂપિયા ગગડી ૪૩૫૮ બંધ આવ્યો છે. આ શૅર સપ્તાહમાં ૨૧ ટકા અને મહિનામાં ૩૫ ટકા તૂટ્યો છે.
હિન્દુસ્તાન યુનિલીવર એના આઇસક્રીમ બિઝનેસને ક્વૉલિટી વૉલ્સ ઇન્ડિયા નામની કંપનીને ડીમર્જ કર્યો છે. એની રેકૉર્ડડેટ પાંચ ડિસેમ્બર હતી. એક્સ ડીમર્જરમાં હિન્દુસ્તાન યુનિલીવરના શૅરની ડિસ્કવર્ડ પ્રાઇસ ૨૪૨૨ નક્કી થઈ હતી. એની સામે ભાવ ૨૪૨૪ ખૂલી નીચામાં ૨૨૮૯ થઈ સાડાત્રણ ટકા ગગડી ૨૩૩૯ બંધ રહ્યા છે. ઇન્ટીરિયર્સ ઍન્ડ મોર શૅરદીઠ એક્સ બોનસમાં ઉપરમાં ૨૮૨ અને નીચામાં ૨૫૩ થઈ ૨૭૭ના લેવલે યથાવત્ બંધ રહી છે. સેન્સેક્સ ખાતે સ્ટેટ બૅન્ક અઢી ટકા, બજાજ ફિનસર્વ ૨.૧ ટકા તથા બજાજ ફાઇનૅન્સ ૧.૯ ટકા વધી મોખરે હતી. નિફ્ટીમાં શ્રીરામ ફાઇનૅન્સ ૩.૩ ટકાની મજબૂતીમાં ૮૫૫ બંધ થઈ છે. લાર્સન, HCL ટેક્નો, મારુતિ સુઝુકી, મહિન્દ્ર, હિન્દાલ્કો, આઇશર, તાતા કન્ઝ્યુમર સવાથી પોણાબે ટકા પ્લસ થઈ છે. રિલાયન્સ નજીવા સુધારે ૧૫૪૦ હતી. ઇન્ફી ૧.૧ ટકા તથા TCS ૦.૩ ટકા સુધરી છે. સર્વિસના ધાંધિયાને લઈને ઇન્ડિગો નીચામાં ૫૨૬૬ બતાવી સવા ટકાની નરમાઈમાં ૫૩૭૧ બંધ રહી છે, જે સાડાપાંચ મહિનાની બૉટમ છે.
કોરોના રેમેડીઝ સહિત કુલ પાંચ ભરણાં સોમવારે ખૂલશે
હાલની તારીખે આગામી સપ્તાહે કુલ ૯ ભરણાં નક્કી છે. એમાંથી સોમવારે પાંચ ઇશ્યુ ખૂલશે. જેમાં મેઇન બોર્ડના બે IPO છે. બૅન્ગલુરુની સતત ખોટ કરતી વેકફિટ ઇનોવેશન્સ એકના શૅરદીઠ ૧૯૫ની અપરબૅન્ડમાં આશરે ૯૧૨ કરોડની ઑફર ફોર સેલ સહિત કુલ ૧૨૮૯ કરોડનો ઇશ્યુ સોમવારે લાવશે, ૨૦૧૬માં સ્થપાયેલી આ કંપની મેટ્રેસિસ, ફર્નિચર તથા હોમ ડેકોર પ્રોડક્ટ્સ બનાવે છે. કંપનીએ ગયા વર્ષે ૨૮ ટકા વધારામાં ૧૩૦૫ કરોડની આવક ઉપર અગાઉની ૧૫ કરોડ સામે ૩૫ કરોડ નેટ લૉસ કરી છે. ચાલુ વર્ષે પ્રથમ ૬ મહિનામાં આવક ૭૪૧ કરોડ અને નેટ નફો ૩૫૫૭ લાખ બતાવ્યો છે. ઇશ્યુ બાદ પ્રમોટર્સ હોલ્ડિંગ ૩૬.૮ ટકા રહેશે. ગ્રેમાર્કેટમાં ૩૬થી શરૂ થયેલું પ્રીમિયમ અત્યારે પણ ૩૬ છે. અમદાવાદી ફાર્મા કંપની કોરોના રેમેડીઝ ૧૦ના શૅરદીઠ ૧૦૬૨ની અપરબૅન્ડમાં ૬૫૫ કરોડ પ્લસનો પ્યૉર OFS IPO સોમવારે કરવાની છે. ૨૦૦૪માં સ્થપાયેલી આ કંપનીએ ગયા વર્ષે ૧૮ ટકા વધારામાં ૧૨૦૨ કરોડ આવક ઉપર ૬૫ ટકા વૃદ્ધિદરથી ૧૪૯ કરોડ નેટ નફો કર્યો છે. ચાલુ વર્ષે પ્રથમ ૩ મહિનામાં આવક ૩૪૮ કરોડ અને નફો ૪૬ કરોડ થયો છે. દેવું ૧૦૭ કરોડ નજીક છે. ગ્રેમાર્કેટમાં ૩૦૭થી શરૂ થયેલું પ્રીમિયમ વધતું રહી હાલ ૩૬૫ બોલાય છે. ઇશ્યુ ઘણો મોંઘો જણાય છે.
સોમવારે SME સેગમેન્ટમાં ૩ ભરણાં છે. ગુજરાતના ગોંડલની રિદ્ધિ ડિસ્પ્લે ઇક્વિપમેન્ટ્સ ૧૦ના શૅરદીઠ ૧૦૦ની અપરબૅન્ડમાં ૨૪૬૮ લાખનો BSE SME ઇશ્યુ કરશે. ૨૦૦૬માં સ્થપાયેલી આ કંપની ડિસ્પ્લે કાઉન્ટર્સ, કિચન ઇક્વિપમેન્ટ્સ તથા રેફ્રિજરેશન ઇક્વિપમેન્ટ્સ બનાવે છે. ગયા વર્ષે ૩૩ ટકા વધારામાં ૨૫૦૯ લાખની આવક ઉપર ૧૦૫ ટકા વૃદ્ધિદરથી ૪૧૪ લાખ નફો કર્યો છે. ચાલુ વર્ષે પ્રથમ ૩ મહિનામાં આવક ૧૧૨૩ લાખ તથા નફો ૨૦૦ લાખ થયો છે. દેવું ૮૬૩ લાખ છે. મૂળ આ કંપની ૨૪ સપ્ટેમ્બરે ઇશ્યુ કરવાની હતી. કોઈક કારણસર ભરણું છેલ્લી ઘડીએ મોકૂફ રખાયું હતું. ગ્રેમાર્કેટમાં છેક ત્ચારથી એક રૂપિયાનું પ્રીમિયમ યથાવત્ છે. મુંબઈના અંધેરી ઈસ્ટની પ્રોડોક્સ સૉલ્યુશન્સ ૧૦ના શૅરદીઠ ૧૩૮ની પ્રાઇસ બૅન્ડમાં ૫૫૨ લાખની ઑફર ફોર સેલ સહિત કુલ ૨૭૬૦ લાખનો BSE SME ઇશ્યુ સોમવારે લાવી રહી છે. ૨૦૧૯માં સ્થપાયેલી આ કંપની મુખ્યત્વે નૉન-વૉઇસ બીપીઓ સેગમેન્ટમાં કામ કરે છે. ગયા વર્ષે ૬ ટકા વધારામાં ૪૨૭૮ લાખની આવક ઉપર ૬૧ ટકા વૃદ્ધિદરથી ૫૧૧ લાખ નફો બતાવ્યો છે. ચાલુ વર્ષે પ્રથમ ૬ મહિનામાં આવક ૨૧૧૧ લાખ અને પ્રૉફિટ ૩૪૩ લાખનો થયો છે. દેવું સાડાસાત કરોડ છે. ત્રીજી કંપની થાણે ખાતેની કે. વી. ટૉયઝ ઇન્ડિયા ૧૦ના શૅરદીઠ ૨૩૯ની અપરબૅન્ડમાં ૪૦૧૫ લાખનો BSE SME ઇશ્યુ ૮મીએ કરશે. ૨૦૦૯માં સ્થપાયેલી આ કંપની બાળકો માટે પ્લાસ્ટિક્સ તથા મેટલનાં રમકડાં બનાવે છે. કામકાજનો ટ્રૅક રેકૉર્ડ માત્ર અઢી વર્ષનો આપ્યો છે. એમાં ગયા વર્ષે આવક ૮૫૬૦ લાખ તથા નફો ૪૫૯ લાખ હતો. અગાઉના વર્ષ શૂન્ય આવક ઉપર ૧૧ લાખની ખોટ કરી હતી. ચાલુ વર્ષના પ્રથમ છ મહિનામાં ૮૦૯૦ લાખની આવક અને ૪૦૬ લાખનો નફો બતાવી દીધો છે. દેવું ૨૫૫૭ લાખ છે. કંપનીના પ્રમોટર્સ રોકાણકારોને ખરેખર બાળક સમજતા લાગે છે. લીડ મૅનેજર ખેલાડી છે. ગ્રેમાર્કેટમાં ૨૪થી શરૂ થયેલું પ્રીમિયમ વધી હાલ ૫૪ બોલાય છે.