બજારનું સે​ન્ટિમેન્ટ ખરાબ NSEના 101 ઇન્ડેક્સ ડાઉન

11 January, 2025 09:58 AM IST  |  Mumbai | Kanu J Dave

તાતા એલક્સીમાં નબળા રિઝલ્ટે ગાબડું, આનંદ રાઠી વેલ્થની બોનસ માટે આજે મીટિંગ, સુપ્રીમ કોર્ટના GST કેસમાં સ્ટેના પગલે ડેલ્ટા કૉર્પ સુધર્યો : સારા પરિણામે TCS ઊછળ્યો : IT ઇન્ડેક્સે સેક્ટરમાં પ્રાણ પૂર્યા

શૅરબજારની પ્રતીકાત્મક ફાઈલ તસવીર

ગુરુવારે બજાર બંધ થયા પછી આવેલા TCSનાં ત્રિમાસિક પરિણામોને બજારે શુક્રવારે વધાવી TCS તેમ જ અમુક IT શૅરોમાં ખરીદી નીકળતાં IT ઇન્ડેક્સ દૈનિક 3.44 ટકા, સાપ્તાહિક 2.02 ટકા સુધરી 44,609.50 બંધ રહ્યો હતો. જોકે IT સિવાય અન્ય ક્ષેત્રો તેમ જ લાર્જ, મિડ અને સ્મૉલ કૅપમાં સે​ન્ટિમેન્ટ ખરાબ જ રહેતાં સાપ્તાહિક ધોરણે નોંધ લેવા જેવો સુધારો અન્ય કોઈ પણ ઇન્ડેક્સ દાખવી શક્યો નહોતો. વાયદામાં સોદા થાય છે એ તમામ ઇન્ડેક્સો ઘટાડા સાથે બંધ હતા. બજાર બંધ થયા પછી TCSનું પરિણામ જાહેર થયું અને ગુરુવારે અમેરિકન બજારમાં રજા હોવાથી કોઈ ક્લુ ન આવી એ ફૅક્ટર્સને ડિસ્કાઉન્ટ કરી બજાર છેવટે તો નેગેટિવ ટોને જ બંધ રહ્યું હતું. TCSનાં સારાં પરિણામોને પગલે નીકળેલી ખરીદી અને વેચાણો કપાવાને કારણે ભાવ 4038 રૂપિયાના પુરોગામી બંધ સામે 4200 ખૂલી 4170 સુધી ઘટી, ગુરુવારના હાઈ 4137 રૂપિયા સામે 33 રૂપિયાનો ગૅપ છોડી એને પૂર્યા વગર જ 4297નો હાઈ નોંધાવી છેલ્લે 226 રૂપિયાના સુધારા સાથે સાડાપાંચ ટકા વધી 4265 રૂપિયા બંધ રહ્યો હતો. આમ એક જ દિવસમાં આ શૅર 14 દિવસના હાઈ પર પહોંચી ગયો હતો. નિફ્ટી IT ઇન્ડેક્સ 43,126 વાળો 43,731 ઓપન થઈ ઓપનિંગને જ લો રાખી 44,798 સુધી વધી છેવટે 3.44 ટકાના દૈનિક ગેઇને 44,609 બંધ રહ્યો હતો. 46,088ના બાવન સપ્તાહના હાઈથી આ ઇન્ડેક્સ માત્ર 3.32 ટકા જ દૂર છે. આ ઇન્ડેક્સના એચસીએલ ટેક અને ઇન્ફોસિસ બાવન સપ્તાહના હાઈથી 5 ટકાની રેન્જમાં છે. TCSની સાથે-સાથે એલટીઆઇ માઇન્ડટ્રી સાડાચાર ટકા વધી 6109 રૂપિયા, ટેક મહિન્દ્ર સાડાત્રણ ટકાના ગેઇને 1701 રૂપિયા, એચસીએલ ટેક સવાત્રણ ટકા વધી 1997 રૂપિયા, ઇન્ફોસિસ અને વિપ્રો બન્ને અઢી-અઢી ટકા વધી અનુક્રમે 1965 રૂપિયા અને 299ના સ્તરે બંધ હતા. IT ઇન્ડેક્સના દસે દસ શૅરો ગેઇનર્સ હતા. જોકે TCS સાથે જ રિઝલ્ટની ઘોષણા કરનાર તાતા જૂથની અન્ય ટેક કંપની તાતા એલક્સીનાં પરિણામો સંતોષજનક ન હોવાને કારણે એનો શૅર 6.77 ટકા તૂટી 435 રૂપિયાના ગાબડાએ 6004 રૂપિયા થઈ ગયો હતો. આ શૅરે શુક્રવારે બાવન સપ્તાહનો નવો 5921 રૂપિયાનો લો ભાવ બનાવ્યો હતો. 

જે ઇન્ડેક્સો પર વાયદો થાય છે એ મિડકૅપ સિલેક્ટ દૈનિક 1.59 ટકા અને સાપ્તાહિક 5.59 ટકાના ઘટાડા સાથે 12,283, નિફ્ટી ફાઇનૅન્શ્યલ સર્વિસિસ દૈનિક 1.29 ટકા અને સાપ્તાહિક 4.24 ટકા તૂટી 22,730, નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટી દૈનિક 1.98 ટકા, સાપ્તાહિક 7.13 ટકાના લૉસે 64,257, બૅન્ક નિફ્ટી દૈનિક 1.55 ટકા અને સાપ્તાહિક 4.42 ટકાના ઘટાડે 48,734 અને નિફ્ટી દૈનિક 0.40 ટકા, સાપ્તાહિક 2.39 ટકા ડાઉન થઈ 23,431ની સપાટીએ વિરમ્યા હતા. શુક્રવારના કામકાજમાં નિફ્ટીના ટૉપ પાંચ ગેઇનર્સ પાંચેય શૅરો IT ક્ષેત્રના હતા. સામે ઘટવામાં શ્રીરામ ફાઇનૅન્સ 5.30 ટકા તૂટી 532.15 રૂપિયા, ઇન્ડ્સઇન્ડ બૅન્ક સવાચાર ટકાના ઘટાડે 938 રૂપિયા, અદાણી એન્ટરપ્રાઇઝિસ 4 ટકા ડાઉન થઈ 2.80 રૂપિયા, એનટીપીસી પોણાચાર ટકાના નુકસાને 308 રૂપિયા અને ભારત ઇલેક્ટ્રૉનિક્સ 3.72 ટકા ઘટી 270 રૂપિયાના સ્તરે બંધ હતા. મિડકૅપ સિલેક્ટનો ગોદરેજ પ્રૉપર્ટી શુક્રવારે પણ વધુ 4.29 ટકા તૂટી 2388 રૂપિયાના લેવલે બંધ હતો. નિફ્ટી સિવાયના બાકીના ચાર ઇન્ડેક્સોના ત્રણ ટકાથી વધુ ઘટનારા શૅરોમાં આરઈસી 459 રૂપિયા (-6.45 ટકા), ભેલ 203 રૂપિયા (-6.02 ટકા), યુનિયન બૅન્ક 103 રૂપિયા (-4.28 ટકા), પાવર ફાઇનૅન્સ કૉર્પોરેશન 404 રૂપિયા (-4.19 ટકા), ડીએલએફ 753 રૂપિયા (-3.54 ટકા), અરબિંદો ફાર્મા 1199 રૂપિયા (-3.91 ટકા), ક્યુમિન્સ 2988 રૂપિયા (-3.85 ટકા), વોલ્ટાસ 1666 રૂપિયા (-3.54 ટકા), ઇન્ડસ ટાવર 320 રૂપિયા (-3.22 ટકા), પંજાબ નૅશનલ બૅન્ક 98.75 રૂપિયા (-3.21 ટકા), કૅનેરા બૅન્ક 92.74 રૂપિયા (-3.13 ટકા), આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક 60.5 રૂપિયા (-3 ટકા) અને એમસીએક્સ 5637 રૂપિયા (-3.75 ટકા)નાં નામ હતાં.

શૅરો 1 વીકમાં 15 ટકા પ્લસ ડાઉન

યુનિયન બૅન્ક ઑફ ઇ​ન્ડિયા 16.49 ટકા ઘટી 103.60 રૂપિયા રહ્યો હતો. આદિત્ય બિરલા મની 15.82 ટકા તૂટી 215.45 રૂપિયા બંધ હતો. બજાજ હેલ્થકૅર 15.17 ટકા ડાઉન થઈ 536 રૂપિયા થઈ ગયો હતો. ફર્સ્ટ ક્રાયવાળી કંપની બ્રેઇનબીઝ સૉલ્યુશન્સનો શૅર 16.14 ટકાના ઘટાડે 544 રૂપિયા પર આવી ગયો હતો. 13 ઑગષ્ટ 2024ના રોજ આ શૅરનું લિ​સ્ટિંગ થયા પછીનો લોએસ્ટ ભાવ 514.50 રૂપિયાનો છે. ધનલક્ષ્મી બૅન્ક 19.37 ટકાના મૂલ્યહ્રાસે 25ના લેવલે આવી ગયો હતો. કલ્યાણ જ્વેલર્સ 19.42 ટકા તૂટી 626 રૂપિયા થયો હતો. કેઈસી ઇન્ટરનૅશનલ સવાવીસ ટકાના લૉસે 976 રૂપિયા બંધ હતો. કેપીઆઇ ગ્રીન એનર્જી 16.20 ટકા ડાઉન થઈ 458 રૂપિયા થઈ ગયો હતો.

NSEના ઇન્ડેક્સો દૈનિક, સાપ્તાહિક ગણતરીએ ગબડ્યા

ઘટવાની યાદીમાં NSEના ઇન્ડેક્સો, બંધ ભાવ, દૈનિક ટકા અને સાપ્તાહિક ટકા ઘટાડો અહીં અપાયો છે. કૅપિટલ માર્કેટ 3708, 2.58, 8.26 પીએસયુ બૅન્ક 6085, 2.72, 8.07 રિયલ્ટી 963, 2.77, 7.83 આઇપીઓ 2110, 2.96, 7.25 નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટી 64257, 1.98, 7.13 પબ્લિક સેક્ટર એન્ટપ્રાઇઝિસ (પીએસઈ) 9109, 2.35, 6.85 મીડિયા 1743, 3.59, 6.34, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 40,585, 1.8, 6.10 એનર્જી 33,743, 2.04, 5.99 હાઉસિંગ 10,459, 1.85, 5.91 સીપીએસઈ 5914, 2.19, 5.72 મિડકૅપ સિલેક્ટ 12,283, 1.59, 5.59 અને મેટલ 8262, 1.62, 5.35.

નિફ્ટીના 50માંથી 36, નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટીના 50માંથી 48, મિડકૅપ સિલેક્ટના 25માંથી 20, નિફ્ટી ફાઇનૅન્શ્યલ સર્વિસિસના 20માંથી 16 અને બૅન્ક નિફ્ટીના 12માંથી 11 શૅરો ઘટીને બંધ રહ્યા હતા. 0.31 ટકા ગુમાવી 77,378.91 બંધ આપનાર સેન્સેક્સના 30માંથી 21 શૅરો અને 1.65 ટકા ઘટી 55,299.84 બંધ આપનાર બૅન્કેક્સના 10માંથી 10 શૅરો ડાઉન હતા. NSE લિસ્ટેડ શૅરોનું માર્કેટ કૅપિટલાઇઝેશન ઘટીને 426.78 (432.49) લાખ કરોડ રૂપિયાના સ્તરે તો BSE લિસ્ટેડ શૅરોનું 429.67 (435.49) લાખ કરોડ રૂપિયા હતું. NSEના 2909 ટ્રેડેડ શૅરોમાંથી 2287 તથા BSEના 4078 ટ્રેડેડ શૅરોમાંથી 3239 ઘટીને બંધ આવતાં માર્કેટ બ્રેડ્થ વધુ નબળી પડી હતી. NSE ખાતે 15 અને BSEમાં 102 શૅરો બાવન સપ્તાહની નવી ટોચે હતા તો સામે અનુક્રમે 219 અને 264 શૅરો 52 વીક લો પર હતા. NSEના 41 શૅરો ઉપલી સર્કિટે અને 181 શૅરો નીચલી સર્કિટે પહોંચ્યા હતા.

FIIની નેટ વેચવાલી સામે DIIની નેટ લેવાલી 

શુક્રવારે એફઆઇઆઇની 2254 કરોડ રૂપિયાની નેટ વેચવાલી રહી હતી. ડીઆઇઆઇની 3961 કરોડ રૂપિયાની નેટ લેવાલી જોવા મળી હતી. પરિણામે કૅશ સેગ્મન્ટમાં ઓવરઑલ 1707 કરોડ રૂપિયાની નેટ લેવાલી જોવા મળી હતી.

ન્યુઝ ડ્રિવન શૅરો પર એક નજર

આનંદ રાઠી વેલ્થ સોમવારે ત્રિમાસિક પરિણામો સાથે બોનસની પણ વિચારણા કરશે એવા સમાચારે શુક્રવારે સાડાચાર ટકા વધી 4116 બંધ હતો.

ડેલ્ટા કૉર્પ (118 રૂપિયા+4.37 ટકા)ને GST ભરવામાં સુપ્રીમ કોર્ટનો ગેમિંગ પર GSTના કેસમાં ચુકાદો ન આવે ત્યાં સુધી સ્ટે આવવાથી રાહત મળી હતી. 

share market stock market national stock exchange tcs union bank of india nifty business news